Jun 13, 2025
એર ઇન્ડિયા B787 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદથી ગુરૂવારે બપોરે 1.38 વાગ્યે ઉડાન ભરી હતી અને ટેક-ઓફ કર્યાના માત્ર પાંચ મિનિટ પછી ક્રેશ થયું હતું.
વિમાન ક્રેશ થતા જ તેમાં રહેલ 1.25 લાખ લિટર ઈંધણમાં આગ લાગી હતી અને આસપાસનો વિસ્તાર આગના ગોળમાં ફેરવાઈ ગયો હતો.
વિમાન ક્રેશની દુર્ઘટના એટલી ભયાનક હતી કે, આસપાસમાં રહેલા પશુ-પક્ષીઓ પણ તેનાથી બચી શક્યા ન હતા.
વિમાન ક્રેશ થતા જ બીજે મેડિકલના વિદ્યાર્થીઓ જમવાની થાળી છોડીને ભાગ્યા હતા. ત્યાં જ પ્લેન ક્રેશ થતા જ હોસ્ટેલની બિલ્ડીંગ આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. કેન્ટીનની અંદર સુધી વિમાનના કેટલાક ભાગો ઘૂસી ગયો હતો.
ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ, પોલીસ અને સ્થાનિક અધિકારી તેમજ લોક કાર્યકર્તાઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઇ ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
ગુરુવારે બપોરે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થયા બાદ લગભગ 265 મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ મૃતદેહો એવી હાલતમાં હતા કે સગાઓ તેમને ઓળખી પણ શકે નહીં, તેમજ મૃતકોના શરીરના ટુકડા થઈ ગયા હતા જેને રેસ્ક્યૂ ટીમે એકઠા કર્યા હતા.
આ વિમાનમાં 230 મુસાફરો અને 12 કેબિન ક્રૂ હતા, જેમાં સવાર મુસાફરોમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા. આ ઉપરાંત, એક મુસાફર કેનેડાનો અને સાત પોર્ટુગલના હતા.
વિમાનમાં સવાર લોકોની સંખ્યા કરતા મૃતકોની સંખ્યા વધુ છે કારણ કે વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં મેડિસિનનો અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયા છે.
આ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિ સીટ નંબર 11A પર હતો. આ સીટ બિઝનેસ ક્લાસ સીટ પછી ઇકોનોમી ક્લાસ સીટની પહેલી હરોળમાં હતી. આ ઉપરાંત આ સીટ એક્ઝિટ લાઇનની ખૂબ નજીક હતી. ફ્લાઇટમાં બચી ગયેલા વ્યક્તિની ઓળખ 40 વર્ષીય રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે.
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના એક ડોક્ટર પરિવારનો ભોગ લેવાયો છે. આ અકસ્માતમાં ડોક્ટર દંપતી અને તેમના ત્રણ માસૂમ બાળકોનું મોત નીપજ્યું હતું. ડોક્ટર પરિવારમાં હવે ફક્ત તેમના માતા-પિતા જ બચ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદની હોસ્પિટલમાં ઘાયલ મુસાફરને મળ્યા હતા. અને મૃતક પરિવારોના સ્વજનોને સાંત્વના પાઠવી હતી.
અમદાવાદ એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ વિમાનમાંથી DVR મળી આવ્યું છે, જેની તપાસ બાદ આ દુર્ઘટના કેમ થઈ તે અંગે જાણકારી મળી શકે છે.