કમલ સૈયદ : ગુજરાતના સુરતના ડાયમંડ (Surat Diamond Sector) વેપાર પાંચ લાખથી પણ વધારે લોકોને રોજગાર આપે છે. પરંતુ આ વખતે આ ઉદ્યોગ વૈશ્વિક મંદી અને રશિયા ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધોની બેવડી માર સહન કરી રહ્યો છે. નવેમ્બર બાદ સુરતમાં હીરા એકમોમાંથી લગલભગ 5000 હીરા કારીગરોને કાઢવામાં આવ્યા હતા.
સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ રણમલ જીલીરીયા કહે છે “અમને માહિતી મળી છે કે દિવાળી (24 ઓક્ટોબર)થી 24 નાની અને મધ્યમ ફેક્ટરીઓ ખુલી નથી. છટણીની વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે. ઘણા એકમો કામના કલાકો પણ ઘટાડી રહ્યા છે.
વિશ્વના 90% હીરા સુરતમાં કાપવામાં આવે છે
સુરતમાં લગભગ 4000 ફેક્ટરીઓ નિકાસકારો સહિત મોટી કંપનીઓ પાસેથી રફ હીરા મેળવે છે. ત્યાં તેમને જ્વેલરી અનુસાર કટ અને પોલિશ કરવામાં આવે છે. આ ફેક્ટરીઓમાં 5 લાખથી વધુ કામદારો કામ કરે છે. મોટાભાગના કામદારો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પરપ્રાંતિય મજૂરો છે. વિશ્વના 90% હીરા સુરતમાં કાપવામાં આવે છે અને પોલિશ કરવામાં આવે છે. આ હીરા કાં તો દાગીનામાં સેટ કરવામાં આવે છે અથવા આંતરરાષ્ટ્રીય બજારોમાં છૂટક વેચાય છે.
કારખાનાના માલિકોનું પ્રતિનિધિત્વ કરતા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, સામૂહિક છટણી અથવા એકમો બંધ કરવાની વાતને નકારે છે. પરંતુ તે સ્વીકારે છે કે ફેક્ટરીઓ ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે અને કામના કલાકો ઘટાડી રહી છે. તેમના મતે રફ ડાયમંડના ઓછા સપ્લાયને કારણે આવું થઈ રહ્યું છે.
60 ટકા કાચો માલ રશિયામાંથી આવે છે
સુરતને તેનો લગભગ 60 ટકા કાચો માલ રશિયાની સરકારી માઇનિંગ કંપની અલરોસા પાસેથી મળે છે. આ કંપની હીરાના વૈશ્વિક પુરવઠાનો એક ક્વાર્ટર પૂરો પાડે છે. યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી યુએસ, યુકે, કેનેડા અને અન્ય મોટા પશ્ચિમી દેશોએ અલરોસા પર પ્રતિબંધ મૂક્યો છે.
ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણી કહે છે, “અમે અલરોસામાંથી કોઈક રીતે રફ હીરા મેળવી રહ્યા છીએ. પરંતુ કંપનીનો હિસ્સો હવે ઘટીને 25-30 ટકા પર આવી ગયો છે. પ્રતિબંધોને કારણે પુરવઠો ખોરવાઈ ગયો છે અને કાચા માલની કિંમત વધી ગઈ છે.” જણાવી દઈએ કે અલરોસા ઉપરાંત સુરતની ફેક્ટરીઓ દક્ષિણ આફ્રિકા અને કેનેડા જેવા દેશોમાંથી પણ રફ હીરા મેળવે છે.