/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-87.jpg)
ભારતમાં કુલ 3,44,600 લોકો અત્યંત ધનિક લોકોની કેટેગરીમાં આવે છે, તેમાંથી 1078 લોકો એવા છે જેમની સંપત્તિ 10 કરોડ ડોલરથી વધુ છે. (પ્રતિકાત્મક ફોટો)
(ઉદિત મિશ્રા) ભારતના અત્યંત ધનિક વ્યક્તિઓ દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાની તૈયારીઓ કરી રહ્યા છે. ચાલુ વર્ષે અતિ ધનિક કે અતિ સમૃદ્ધ 6500 ભારતીયો દેશ છોડી શકે છે એવો ઘટસ્ફોટ હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ (2023)માં કરવામાં આવ્યો છે. આ એવા ભારતીયો છે જેઓ અલ્ટ્રા-રીચ એટલે કે અત્યંત ધનાઢ્યની કેટેગરીમાં આવે છે અને તેઓ અન્ય કોઇ સ્થળે ઓછામાં 10 કરોડ ડોલર એટલે કે લગભગ 8.2 કરોડ રૂપિયાનું મૂડીરોકણ કરવામાં સક્ષમ છે. આ ભારતીય ધનિકો પ્રોપર્ટી, રોકડ અને ઈક્વિટીમાં રોકાણ કરવા યોગ્ય તમામ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકે છે, તેમાં તેમની બાકી લોન કે નાણાંકીય જવાબદારીઓનો સમાવેશ થતો નથી.
વર્ષ 2023માં ચીન બાદ ભારત સૌથી વધુ અતિ ધનિક વ્યક્તિઓ ગુમાવનાર દેશ બની શકે છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ 2022માં 7500 ભારતીયો દેશ છોડીને વિદેશમાં સ્થાયી થયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/image-118.png)
2023 માટેનો પ્રસ્તાવિત આંકડો, જો તે સાચા પડે તો ચીન પછી ભારત બીજો એવો દેશ બનશે જ્યાંથી મોટાભાગના અતિ સમૃદ્ધ અથવા હાઇ નેટ-વર્થ ઇન્ડિવિઝ્યુઅલ અન્ય દેશોમાં સ્થળાંતર કરશે. આ રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષે દેશ છોડીને વિદેશમાં વસવાટ કરવાની ઇચ્છા ધરાવતા અતિ ધનિક ભારતીયોના પસંદગીના દેશોમાં ઓસ્ટ્રેલિયા, યુએઈ, સિંગાપોર, અમેરિકા અને સ્વિટ્ઝર્લેન્ડ હોઈ શકે છે.
આ રિપોર્ટ અનુસાર ચાલુ વર્ષ ચીન, બ્રિટન, રશિયા અને બ્રાઝિલ અનુક્રમે પાંચ એવા દેશ છે જ્યાં સૌથી વધારે ધનિકો માઇગ્રેશન કરી રહ્યા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/image-119.png)
ધનિકોના મામલે ભારતની સ્થિતિ
જો આપણે આંકડા પર નજર કરીયે તો વર્ષ 2022ના અંત સુધીમાં ભારત વિશ્વના 10 સૌથી ધનિક દેશોમાં સામેલ હતું અને ભારતનો ક્રમ દસમો હતો. હવે જો આપણે અત્યંત ધનિક કે અલ્ટ્રા- હાઇ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ લોકોની વાત કરીયે તો ભારતમાં કુલ 3,44,600 લોકો અત્યંત ધનિક લોકોની કેટેગરીમાં આવે છે, તેમાંથી 1078 લોકો એવા છે જેમની સંપત્તિ 10 કરોડ ડોલરથી વધુ છે. 123 લોકો એવા છે જેમની સંપત્તિ 1 અબજ ડોલર કે 8,200 કરોડ રૂપિયાથી વધુ છે. ઉલ્લેખનિય છે કે, ભારતની કુલ વસ્તી 142.8 કરોડ છે.
બીજી બાજુ ચીનમાં 7,80,000 અતિ ધનિક લોકો છે. જેમાંથી 265 અબજોપતિ છે. અહીંયા સૌથી આશ્ચર્યની વાત એ છે કે ચીન અને ભારત કરતા અત્યંત ઓછી વસ્તી ધરાવતા અમેરિકામાં 52,70,000 લોકો અત્યંત ધનિક વ્યક્તિઓની કેટેગરીમાં આવે છે, જેમાં 770 અબજોપતિ છે.
ધનિકો શા માટે દેશ છોડી રહ્યા છે?
હેનલી એન્ડ પાર્ટનર્સના સીઈઓ જુર્ગ સ્ટીફન ભારતના ધનિક વ્યક્તિઓ દ્વારા દેશ છોડવાનું કારણ જણાવતા લખે છે કે, 'અત્યંત અમીર લોકો દ્વારા આવી રીતે પોતાનો દેશ છોડવાની વૃત્તિ દર્શાવે છે કે તેમના દેશની અર્થવ્યવસ્થા કઇ દિશામાં જવાની છે અને ભવિષ્યમાં શું થવાનું છે. ઉપરાંત આ બાબતે તે પણ દર્શાવે છે કે તેમનો પોતાના દેશ પરથી વિશ્વાસ ઘટી રહ્યો છે. આવા લોકો પાસે પોતાનો દેશ છોડવાનો વિકલ્પ હોવાથી તેઓ તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
ધનિકો ક્યાં સ્થાયી થવાનું વિચારે છે?
સ્ટીફન લખે છે કે, જ્યારે એક દેશ છોડીને બીજા દેશને પસંદ કરવાની વાત આવે છે ત્યારે આ ક્રમમાં રાજકીય સ્થિરતા, ઓછો કરવેરો, વ્યક્તિગત સ્વતંત્રતા, ગુણવત્તાયુક્ત જીવનશૈલી જેવી બાબતો મહત્વપૂર્ણ છે. ઉપરાંત સુરક્ષા પણ એક મહત્વપૂર્ણ બાબત છે. એટલા માટે બધા ધનિકો કડક કાયદા અને વધુ આર્થિક સ્વતંત્રતા ધરાવતો દેશ પસંદ કરી રહ્યા છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us