PNG-CNGની કિંમત ઓછીઃ શનિવારથી સામાન્ય માણસને મોંઘવારી સામે મોટી રાહત મળવા જઈ રહી છે. નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મંજૂરી મળ્યા બાદ કંપનીઓએ CNG-PNGની કિંમતમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. શનિવારે સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. સીએનજીની કિંમતમાં લગભગ 8 રૂપિયા અને પીએનજીની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો થયો છે.
અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 8.13 રૂપિયા અને PNGના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટિમીટર સુધીનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGL દ્વારા કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટેની નવી ફોર્મ્યુલાને મંજૂરી મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી ફોર્મ્યુલા શું છે?
નવી ફોર્મ્યુલા નક્કી કરવા માટે સરકારે ઓક્ટોબર 2022માં કિરીટ પરીખની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિનો ઉદ્દેશ્ય ગેસની વૈશ્વિક કિંમતો ઉંચી હોય ત્યારે પણ ગ્રાહકોને વાજબી ભાવે ગેસ પૂરો પાડવાનો હતો. સમિતિએ ભલામણ કરી હતી કે જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત થતા ગેસના દરો નક્કી કરવા માટે એક નિશ્ચિત બેન્ડ હોવો જોઈએ.
સમિતિએ સૂચન કર્યું કે ગેસના ભાવ પરની મર્યાદા આગામી 3 વર્ષ માટે નાબૂદ કરવી જોઈએ. દેશમાં જૂના ગેસ ફિલ્ડમાંથી ઉત્પાદિત કુદરતી ગેસ માટે દર મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) દીઠ $4 થી $6.5 નક્કી કરવાની ભલામણ કરવામાં આવી હતી. હવે કેબિનેટે એપીએમ ગેસની મૂળ કિંમત $4 પ્રતિ mmBtu અને ટોચમર્યાદા કિંમત $6.5 પ્રતિ mmBtu રાખવાની મંજૂરી આપી છે.