Adani Hindenburg Case Supreme Court : અદાણી ગ્રૂપ કંપનીઓના માલિક ગૌતમ અદાણી માટે એક સાથે એક સારા અને એક ખરાબ સમાચાર આવ્યા છે. એક બાજુ એક વિદેશી બ્રોકરેજ ફર્મે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓનું આઉટલૂક સુધર્યુ છે. તેમજ અદાણી પાવરને એક કંપનીનું અધિગ્રહણ કરવા સીસીઆઈ તરફથી મંજૂરી મળી છે. તો બીજી બાજુ અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક નવી પિટિશન દાખલ થઇ છે.
અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ
અદાણી હિંડનબર્ગ કેસમાં સેબીની તપાસને મંજૂર આપનાર સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ મંગળવાર 13 ફેબ્રુઆરીના રોજ એક રિવ્યૂ પિટિશન એટલે કે સમીક્ષા અરજી દાખલ થઇ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર પિટિશન દાખલ કરનાર અરજદારે કહ્યુ કે, સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ભૂલ છે અને સેબીની નિયામકીય નિષ્ફળતાને પણ નજર અંદાજ કરવામાં આવી છે.

નોંધનિય છે કે, અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે 3 જાન્યુઆરીના રોજ સેબનીને અદાણી ગ્રૂપ સંબંધિત બાકીના બે કેસની તપાસ માટે વધુ 3 મહિનાની મુદ્દત આપી છે. ઉપરાંત અદાણી કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITને સોંપવા ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
મૂડીઝે અદાણી ગ્રૂપની 4 કંપનીનું આઉટલૂક અપગ્રેડ કર્યું
વિદેશી રેટિંગ એજન્સી મૂડીઝે અદાણી ગ્રૂપની ચાર કંપનીઓનું આઉટલૂક નેગેટિવ માંથી અપગ્રેડ કરીને સ્ટેબલ કર્યું છે. હિંડનબર્ગ રિસર્ચ વિવાદના એક વર્ષ બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં કોઇ પ્રકારનું અપગ્રેડ થયું છે.
મૂડીઝ દ્વારા જે કંપનીઓનું આઉટલૂક અપગ્રેડ કરવામાં આવ્યુ છે તેમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જી સિસ્ટ્રીક્ટેડ ગ્રૂપ (AGEL – RG-1) અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ વન અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇનો સમાવેશ થાય છે. મૂડીઝનો નિર્ણય કંપનીઓની નાણાંકીય સ્થિતિ અને ક્રેડિટ પાત્રતાના પુનઃમૂલ્યાંકનને પ્રતિબિંબિત કરે છે.

અદાણી પાવરને કોસ્ટલ એનર્જીને હસ્તગત કરશે
અદાણી પાવર અને ડિકી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ડીએઆઈટી)ને કોસ્ટલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરવા કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ) તરફથી મંજૂરી મળી છે. ડીએઆઈટી સેબીમાં રજિસ્ટ્રર્ડ ઓલ્ટનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે.
આ પણ વાંચો | અદાણી હિંડનબર્ગ વિવાદને એક વર્ષ પૂર્ણ; રોકાણકારોને હજી પણ 75 ટકા સુધી નુકસાન, જાણો ગૌતમ અદાણીની સંપત્તિ કેટલી વધી
તમને જણાવી દઇયે કે, કોસ્ટલ એનર્જી એક નાદાર કંપની છે. આ નાદાર કંપનીનું ઓક્શન શુક્રવારથી શરૂ થયુ હતુ. ગૌતમ અદાણી ને 18 રાઉન્ડની બીડ બાદ 19માં રાઉન્ડમાં સફળતા મળી છે. અદાણી ગ્રૂપે ડિકી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સાથે મળી કોસ્ટલ એનર્જીને ખરીદવા 3440 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. કોસ્ટલ એનર્જી પાસે તમિલનાડુમાં બે ઓપેરશનલ પાવર પ્લાન્ટ છે અને બંનેની ક્ષમતા 600 – 600 મેગાવોટ છે. નાદાર કંપની ઉપર 12247 કરોડ રૂપિયાનું દેવું છે.





