હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ વિવાદથી અદાણી ગ્રૂપ મક્કમ રીતે બેઠું થવા પ્રયત્નશીલ છે અને વિવિધ રૂટ હેઠળ નાણાંકીય ભંડોળ એક્ત્ર કરવામાં સફળ રહ્યુ છે. ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસે બોન્ડ વેચીને 1250 કરોડ રૂપિયાર કર્યા છે, જે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ પ્રથમ છે.
અદાણી એન્ટરપ્રાઇસે 1250 કરોડના બોન્ડ વેચ્યા
સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે જણાવ્યું હતું કે, તેણે પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે પ્રત્યેક 1 લાખ રૂપિયાની ફેસ વેલ્યૂ ધરાવતા 1,25,000 સિક્યોર્ડ, અનરેટેડ, અનલિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી)ની ઇશ્યૂ કરીને 1,250 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.”
અલબત્ત અદાણી એન્ટરપ્રાઇસે આ બોન્ડના વ્યાજદર જાહેર કર્યા નથી, જો કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડના ડેટા દર્શાવે છે કે ત્રણ વર્ષના બોન્ડનો કૂપન રેટ 10 ટકા વાર્ષિક છે.
જાન્યુઆરી 2023માં અમેરિકાની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ગૌતમ અદાણી અને તેમની માલિકીની કંપનીઓ ઉપર ગંભીર આક્ષેપ કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યા બાદ અદાણી ગ્રૂપની કોઇ કંપનીએ પહેલીવાર કોર્પોરેટ બોન્ડ માર્કેટમાંથી નાણાં ઉભા કર્યા છે.
અદાણી એન્ટરપ્રાઇઝે છેલ્લે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બોન્ડના પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે 17 મહિના માટે 8.40 ટકાની યીલ્ડ પર ભંડોળ એકત્ર કર્યું હતું.
આ પણ વાંચોઃ અંબાણી અને અદાણીની સંપત્તિ વર્ષ 2023માં કેટલી વધી? દુનિયાના અબજોપતિઓએ દરરોજ 14 અબજ ડોલરની કમાણી કરી
હિંડનબર્ગ રિપોર્ટથી અદાણીને 145 અબજ ડોલરનો ફટકો લાગ્યો
નોંધનિય છે કે, યુએસ શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપ પર એકાઉન્ટરમાં ગેરરીતિ અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂકતો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણીની લિસ્ટેડ કંપનીઓના શેરમાં મસમોટા કડાકા બોલાયા હતા, જેના પરિણામે અદાણી ગ્રૂપની સંયુક્ત માર્કેટકેપમાં અધધધ 145 અબજ ડોલરનું ધોવાણ થયુ હતું.





