Adani Enterprises News : અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) અથવા અન્ય પરમિશિબલ મોડ મારફતે 16600 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીના બોર્ડે આજે 28 મેના રોજ રૂ. 16,600 કરોડ (Adani Enterprises Fund Raising)ને મંજૂરી આપી છે. હિંડનબર્ગ વિવાદ પછી આ ભંડોળ એક્ત્ર કરવાની યોજનાને કંપનીના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અદાણી એન્ટરપ્રાઇઝે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગેની માહિતી આપી છે.
જો કે, કંપની બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે અદાણી એન્ટરપ્રાઇસે 24 જૂને યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં આ માટે શેરધારકો પાસેથી મંજૂરી લેવી પડશે. તમને જણાવી દઈએ કે અદાણી એન્ટરપ્રાઇઝે છેલ્લે મે 2023માં 12500 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી લીધી હતી, પરંતુ ફંડ એકત્ર કર્યું ન હતું. આમ બંને કંપનીઓ સંયુક્ત રીતે 29100 કરોડ રૂપિયા (3.5 અબજ ડોલર) એક્ત્ર કરવાની યોજના ધરાવે છે.
અદાણી એન્ટરપ્રાઇસ શેર 224 ટકા વધ્યો (Adani Enterprises Share Price)
અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં છેલ્લા કેટલાક મહિનામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. હિંડનબર્ગ વિવાદ બાદ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હિન્ડેનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યો તે પહેલાં 24 જાન્યુઆરી, 2023ના રોજ શેર 3458 રૂપિયા પર બંધ થયો હતો. પરંતુ બીજા દિવસે રિપોર્ટ આવ્યા બાદ શેરમાં ઘટાડો શરૂ થયો હતો. 3 ફેબ્રુઆરી, 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇસનો શેર ભાવ 1017 રૂપિયા થયો, જે ઘણા મહિનાઓનો સૌથી નીચો શેર ભાવ હતો. જો કે છેલ્લા કેટલાક મહિનાથી આ શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે અને તાજેતરમાં શેર ફરી એકવાર 3458 રૂપિયા બોલાયો હતો. મતલબ કે હિંડનબર્ગ વિવાદ પૂર્વેના સ્તરે શેર પહોંચી ગયો હતો. હાલમાં શેર 3300 રૂપિયાની આસપાસ છે. એટલે કે 3 ફેબ્રુઆરી, 2023ના નીચા સ્તરેથી તેમાં લગભગ 224 ટકાનો ઉછાળો આવ્યો છે.

નોંધનિય છે કે, આજે 28 મે, 2024ના રોજ અદાણી એન્ટરપ્રાઇસનો શેર 1.3 ટકા ઘટીને 3244 રૂપિયા બંધ થયો છે. શેરનો વર્ષનો સૌથી ઉંચો ભાવ 24 મે, 2024ના રોજ 3456 રૂપિયા બોલાયો હતો. તો 20 નવેમ્બર 2023ના રોજ વર્ષનો સૌથી નીચો શેર ભાવ 2142 રૂપિયા ક્વોટ થયો હતો.
અદાણી એન્ટરપ્રાઇસના નફામાં ઘટાડો
અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડનો નાણાકીય વર્ષ 2024 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નો નફો વાર્ષિક ધોરણે 38 ટકા ઘટીને લગભગ રૂ. 451 કરોડ થયો છે. કાચા માલની કિંમતમાં વૃદ્ધિ અને ખર્ચમાં વધારાને કારણે કંપનીનો નફો ઘટ્યો છે. બીએસઈને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું કે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 722.48 કરોડનો નફો કર્યો હતો.
નાણાકીય વર્ષ 2024ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઓપરેટિંગ ખર્ચમાં વધારાની સાથે કાચા માલની કિંમતમાં પણ વધારો થયો છે. જોકે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીનો નફો 31 ટકા વધીને રૂ. 3,240.78 કરોડ થયો છે. માર્ચ ક્વાર્ટરમાં ઓપરેટિંગ રેવન્યૂ લગભગ 1 ટકા વધીને રૂ. 29,180.02 કરોડ થઈ હતી જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 28,943.84 કરોડ હતી. તે જ સમયે, સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન ઓપરેટિંગ આવક ઘટીને રૂ. 96,420.98 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,27,539.50 કરોડ હતી.
આ પણ વાંચો | અદાણી ગ્રૂપની આ કંપનીએ કરી કમાલ, શેરબજાર ની દિગ્ગજ આઈટી કંપનીને પાછળ છોડી
અદાણી એનર્જી સોલ્યુશન્સ 12500 કરોડ એકત્ર કરશે
અગાઉ 27 મેના રોજ અદાણી એનર્જી સોલ્યુશન્સે કહ્યું હતું કે તે QIP અથવા અન્ય કોઈપણ મોડ મારફતે 12500 રૂપિયા કરોડનું ભંડોળ એકત્ર કરશે. કંપનીના બોર્ડે ગઈકાલે જ આ માટે મંજૂરી આપી દીધી હતી. વાર્ષિક સાધારણ સભામાં આ ભંડોળ એકત્ર કરવાની અંતિમ મંજૂરી પણ લેવામાં આવશે.





