ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌત્તમ અદાણીના નેતૃત્વ હેઠળની કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ તેનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) લાવી રહી છે. કંપનીએ એફપીઓ લાવવા માટે સ્ટોક એક્સચેન્જમાં ડોક્યુમેન્ટ ફાઈલ કરી દીધા છે. અદાણી એન્ટરપ્રાઇસિસ કંપની ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટા FPO મારફતે 20,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે.
ભારતનો બીજો સૌથી મોટો FPO
અદાણી ગ્રૂપનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ ભારતીય શેરબજારના ઇતિહાસનો બીજો સૌથી મોટો એફપીઓ ઇશ્યૂ બનશે. તે અગાઉ વર્ષ 2015માં સરકારી માલિકીની કંપની કોલ ઇન્ડિયા 22558 કરોડ રૂપિયાનો FPO લાવી હતી.
પ્રમોટર ગ્રૂપ 3.5 ટકા હિસ્સો વેચશે
નવેમ્બર 2022માં અદાણી એન્ટરપ્રાઇઝિસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે FPO દ્વારા 20,000 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. કંપની આ FPO મારફતે એન્ટર એન્ટરપ્રાઇસિસનો 3.5 ટકા હિસ્સો વેચવાની યોજના ધરાવે છે. હાલમાં પ્રમોટર ગ્રૂપનું કંપનીમાં 72.63 ટકા શેરહોલ્ડિંગ છે. આ એફપીઓમાં 35 ટકા ક્વોટા નાના રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવશે.
FPO ક્યારે ખુલશે
બોમ્બે સ્ટોક એક્સેચન્જ (BSE)ને કરેલા ફાઇલિંગ અનુસાર અદાણી એન્ટરપ્રાઇસિસનો એફપીઓ 27 જાન્યુઆરીના રોજ ખુલશે અને 31 જાન્યુઆરી, 2023ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટરો માટે આ FPO 25 જાન્યુઆરી, 2023ના રોજ ખુલશે. રોકાણકારોએ મિનિમમ ચાર શેર માટે અરજી કરવાની રહેશે અને ત્યારબાદ ચારના ગુણાંકમાં એપ્લિકેશન કરવી પડશે.
નાના રોકાણકારો માટે નીચા ભાવે શેર ખરીદવાની તક
અદાણી એન્ટરપ્રાઇસિસના એફપીઓમાં નાના રોકાણકારોને ડિસ્કાઉન્ટ ભાવે કંપનીનો શેર ખરીદવાની તક મળશે. કંપનીએ FPO માટે શેરની ફ્લોર પ્રાઇસ પ્રતિ ઇક્વિટી શેર દીઠ 3112 રૂપિયા નક્કી કરે છે, જે 27 જાન્યુઆરીના રોજ ખુલશે. અલબત્ત તમામ કેટેગરીના રોકાણકારો માટે ઓફરની કેપ પ્રાઇસ 3276 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. આ એફપીઓમાં રિટેલ કેટેગરીમાં એપ્લિકેશન કરનાર નાના રોકાણકારોને ઇક્વિટી શેર દીઠ 64 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે નાના રોકાણકારોને અદાણી એન્ટરપ્રાઇસિસનો શેર 64 રૂપિયા સસ્તો પડશે.
કંપની 20,000 કરોડનો ક્યાં ઉપયોગ કરશે
અદાણી એન્ટરપ્રાઇસિસ આ FPO મારફતે એકત્ર કરેલા 20,000 કરોડ રૂપિયામાં લગભગ 10,869 કરોડ રૂપિયાનો ઉપયોગ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ, હાલના એરપોર્ટ પર કામગીરી અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેના નિર્માણ માટે કરવાની યોજના ધરાવે છે. તો બાકીના 4,165 કરોડ રૂપિયા તેના એરપોર્ટ, રોડ અને સોલાર પ્રોજેકટની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા દેવાની પરત ચુકવણી માટે કરશે.
રોકાણકારો માટે મલ્ટિબેગર શેર
અદાણી એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો, તે રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. રોકાણકારોને આ કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 94 ટકા અને પાંચ વર્ષમાં અધધધ… 1695 ટકા રિટર્ન મળ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીના શેરની માર્કેટ વેલ્યૂ 200 રૂપિયાથી સતતથી વધીને 3585 રૂપિયાના સ્તરે પર પહોંચી ગઈ.
અદાણી ગ્રૂપની આ કંપનીએ ભૂતકાળમાં આકર્ષક દેખાવ કર્યો છે. કંપની હાલ નવા બિઝનેસમાં પ્રવેશ કરી રહી છે અને પોતાના બિઝનેસનું ઝડપી વિસ્તરણ કર્યું છે. વર્ષ 2022ના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ અનુસાર કંપનીનો નફો વાર્ષિક ધોરણે રૂ. 212 કરોડની સરખામણીએ બમણા કરતા વધારે વધીને રૂ. 460.94 કરોડ થયો છે. ઓપરેશન ઇન્કમમાં 189 ટકાનો વધારો થયો છે.
ગ્રીન એનર્જી સેક્ટરમાં 50 અબજ ડોલરના રોકાણની પ્રતિબદ્ધતા
અદાણી ગ્રૂપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકટ ગતિથી આગળ વધી રહ્યુ છે. કંપનીએ આ અગાઉ 30 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં આગામી 10 વર્ષમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી હતી. ઉપરાંત, કંપની ગુજરાતમાં મુંદ્રા SEZ ખાતે તેની સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 10 GW સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે. ઉલ્લેખનિય છે કે, 30 સપ્ટેમ્બર, 2022ના અંતે કંપની ઉપર 40,023.50 કરોડ રૂપિયાનું દેવું હતું.
અદાણી ગ્રૂપ ક્યાં ક્યાં બિઝનેસ કરે છે
ગૌત્તમ અદાણીના આગેવાની હેઠળનું અદાણી ગ્રૂપ આ બંદરથી લઇને ફૂડ સેક્ટરમાં કાર્યરત છે. અદાણી ગ્રૂપ પાવર, રિન્યુએબલ એનર્જી, ડેટા સેન્ટર્સ, એરપોર્ટ, ફૂડ -એફએમસીજી, ડિજિટલ, મીડિયા, સિમેન્ટ, માઇનિંગ, ડિફેન્સ સેક્ટરમાં હાજરી ધરાવે છે.
સાત એરપોર્ટનું મેનેજમેન્ટ અદાણીના હાથમાં
હાલ દેશના સાત એરપોર્ટ- મુંબઈ, અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ શહેરના ઓપરેશનલ એરપોર્ટ અને નવી મુંબઈમાં એક ગ્રીનફિલ્ડ એરપોર્ટના સંચાલનની જવાબદારી અદાણી એન્ટરપ્રાઇસિસ લિમિટેડના હાથમાં છે.
FPOમાં રોકાણ કરવું કેટલું ફાયદાકારક છે?
કોઇ કંપનીના IPOમાં રોકાણની સરખામણીમાં FPO સામાન્ય રીતે વેલ્યૂ એડેડ એટલે કે ખર્ચાળ હોય છે, કારણ કે રોકાણકારોને કંપનીના સ્ટોક, પરિણામની કામગીરી, બિઝનેસ પ્રેક્ટિસ, વૃદ્ધિના અંદાજો વિશે ખ્યાલ આવી જાય છે. સૌથી અગત્યનું, રોકાણકારો જે-તે કંપનીના શેર અને તેની પ્રાઇસ રેન્જથી માહિતગાર હોય છે.