Adani Transmission fundraising : ગૌતમ અદાણીની માલિકીની કંપની અદાણી ટ્રાન્સમિશન મોટા સંસ્થાકીય રોકાણકારોને ઇક્વિટી શેરહોલ્ડિંગ વેચીને મોટા પ્રમાણમાં નાણાંકીય ભંડોળ એક્ત્ર કરવાની તૈયારી કરી રહી છે. અદાણી ટ્રાન્સમિશન કંપનીને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ મારફતે ઇક્વિટી શેર ઇશ્યૂ કરીને 8,500 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી મળી છે.
ઉલ્લેખનિય છે કે, કંપનીએ 15 મે, 2023ના રોજ ક્વોલિફાઇડ ઇન્વેસ્ટરોને ઇક્વિટી શેર અને/અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝ ઇશ્યૂ કરીને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ મારફતે રૂ. 8,500 કરોડ સુધી એકત્ર કરવા પોસ્ટલ બેલેટ દ્વારા શેરધારકોની મંજૂરી માંગી હતી.
અદાણી ટ્રાન્સમિશન કંપનીનો શેર સોમવારે શેર બજાર બીએસઇ ખાતે 0.36 ટકાના નજીવા ઘટાડે 806.75 રૂપિયાના ભાવે બંધ થયો હતો.
અદાણી ટ્રાન્સમિશનએ અગાઉ જણાવ્યું હતું કે તે તેની હાલની કામગીરીમાં વૃદ્ધિની તકોની અપેક્ષા રાખે છે તેમજ વિસ્તરણ અને વૃદ્ધિ હાંસલ કરવા માટેના વિવિધ માર્ગોનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે. આ વિસ્તરણ અને વૃદ્ધિના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે કંપનીને જંગી પ્રમાણમાં નાણાંકીય મૂડીની જરૂર પડે છે.
હિંડનબર્ગ વિવાદ બાદ ગૌતમ અદાણી મુશ્કેલીમાં
યુએસની શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા 24 જાન્યુઆરીના રોજ કથિચ કૌભાંડ અને ગેરરીતિનો આરોપ મૂકતા રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ધબડકો બોલાતા ગૌતમ અદાણી મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. આ રિપોર્ટ બાદ તેમણે 20000 કરોડનો FPO પણ રદ કર્યો. હવે તેઓ વિવિધ કંપનીઓનો ઇક્વિટી શેર હિસ્સો મોટા સંસ્થાકીય રોકાણકારોને વેચીને નાણાંકીય ભંડોળ એક્ત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.





