/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-50.jpg)
સાંધી ઇન્ડસ્ટ્રીઝ કંપનીને અંબુજા સિમેન્ટે હસ્તગત કરી. (Photo: www.sanghicement.com, ambujacement.com)
Adani Group Takeover List : ગૌતમ અદાણીની માલિકીની અંબુજા સિમેન્ટ કંપનીએ ગુજરાત સ્થિત સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ટેકઓવર કરી છે. નોંધનિય છે કે, પાછલા વર્ષે અદાણી ગ્રૂપે અંબજા સિમેન્ટ કંપનીને હસ્તગત કરીને સિમેન્ટ ઉદ્યોગમાં ઝંપલાવ્યુ હતુ. તમને જણાવી દઇયે કે, જાન્યુઆરીમાં હિંડનબર્ગના અહેવાલમાં અદાણી ગ્રૂપની કંપનીઓ પર નાણાંકીય અનિયમિતતાના આક્ષેપો થયા બાદ ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવેલો આ પ્રથમ મોટો સોદો છે.
અંબુજા સિમેન્ટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને 5000 કરોડ રૂપિયામાં ખરીદી
અદાણી ગ્રૂપની સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે ગુજરાતની સિમેન્ટ કંપની સાંઘી ઇન્ડસ્ટ્રીઝને 5000 કરોડ રૂપિયામાં હસ્તગત કરી છે. અંબુજા સિમેન્ટે સ્ટોક એક્સચેન્જમાં કરેલા ફાઇલિંગ અનુસાર, અંબુજા સિમેન્ટ હાલના પ્રમોટર્સ રવિ સાંઘી અને પરિવાર પાસેથી સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SIL)માં 56.74 ટકા હિસ્સો એટલે કે 14.66 કરોડ શેર હસ્તગત કરશે.
અંબુજા સિમેન્ટના શેરમાં તેજી
સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ટેકઓવર કરવાના અહેવાલથી અંબુજા સિમેન્ટના શેરમાં તેજી જોવા મળી હતી. અંબુજા સિમેન્ટનો શેર તેજીની ચાલમાં 4.5 ટકા ઉછળી 480 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી સેશનના અંતે 2.9 ટકા વધીને 474 રૂપિયાની ઉપર બંધ થયો હતો.
સાંઘી ઇન્ડસ્ટ્રીઝને ટેકઓવર કરવાથી અંબુજા સિમેન્ટને શું ફાયદો થશે
સંઘી ઇન્ડસ્ટ્રીઝ પશ્ચિમ ભારતમાં અગ્રણી સિમેન્ટ કંપની છે. અંબુજા સિમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ એક્વિઝિશન માટે સંપૂર્ણપણે આંતરિક સંસાધનોમાંથી ધિરાણ આપવામાં આવશે. આ સોદો અંબુજા સિમેન્ટને તેની ક્ષમતા વધારીને વાર્ષિક 7.36 કરોડ ટન કરવામાં મદદ કરશે. અલ્ટ્રાટેક સિમેન્ટ પછી અંબુજા સિમેન્ટ બીજા નંબરની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની છે. અદાણી ગ્રૂપે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અંબુજા સિમેન્ટ અને તેની પેટાકંપની એસીસી લિમિટેડમાં હિસ્સો ખરીદ્યા બાદ સિમેન્ટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
સિમેન્ટ ઉદ્યોગમાં અંબુજા સિમેન્ટની સ્થિતિ મજબૂત થશે
કંપની દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધિગ્રહણથી અંબુજા સિમેન્ટ લિમિટેડને બજારમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. આ સાથે કંપનીની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા 6.75 કરોડ ટનથી વધીને 7.36 કરોડ ટનની થઈ જશે. નિવેદનમાં જણાવ્યુ છે કે, 1.4 કરોડ ટનની માટે નાણાંકીય રોકાણ અને વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં દહેજ અને અમેથામાં 55 લાખ ટનની ક્ષમતા ચાલુ થયા બાદ 2025 સુધીમાં અદાણી જૂથની વાર્ષિક 10.1 કરોડ ટને પહોંચી જશે.
ખાનગી પોર્ટની ક્ષમતા વધારવા માટે રોકાણ કરશે
અદાણીએ કહ્યું કે, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે એક અબજ ટન લાઈમસ્ટોનનો ભંડાર છે. અંબુજા સિમેન્ટ આગામી 2 વર્ષમાં સાંઘીપુરમની ક્ષમતા વધારીને વાર્ષિક 1.5 કરોડ ટન કરશે. અંબુજા સિમેન્ટ સાંઘીપુરમ ખાતે ખાનગી પોર્ટની ક્ષમતા વધારવા માટે પણ રોકાણ કરશે. આ સાથે, વધુ મોટા જહાજો ત્યાં આવી શકશે. સાંઘી સિમેન્ટનો ગુજરાતના કચ્છમાં સિમેન્ટ પ્લાન્ટ છે. તેમાં 66 કરોડ ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો ક્લિંકર પ્લાન્ટ અને 61 કરોડ ટનની ક્ષમતા ધરાવતો સિમેન્ટ પ્લાન્ટ છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સાંઘીપુરમ યુનિટ દેશમાં કોઈપણ એક ગંતવ્ય પર ક્ષમતાની દ્રષ્ટિએ સૌથી મોટું સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે, કંપનીએ જણાવ્યું હતું. અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું કે અમારો ટાર્ગેટ સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને દેશમાં સૌથી ઓછા ખર્ચે ક્લિંકર ઉત્પાદક બનાવવાનો છે. સાંધી ઇન્ડસ્ટ્રીઝ પાસે 850 ડીલરનું નેટવર્ક છે. કંપની ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કેરળના બજારોમાં હાજરી ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us