Adani Enterprises Coal Scam: ગૌતમ અદાણી સામે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. અદાણી ગ્રૂપ કંપની પર કોલસામાં ગેરરીતિ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફાઈનાન્સિયલ ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપે એક વીજ કંપનીને ઓછી ગુણવત્તાવાળો કોલસો ઉંચા ભાવે વેચીને કૌભાંડ આચર્યુ છે. આ કોલસા કૌભાંડ કરી અદાણી ગ્રૂપ પર ખોટી રીતે કમાણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કોલસા કૌભાંડના આક્ષેપ બાદ અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં ઉંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો.
અદાણી એન્ટરપ્રાઇસ સામે કોલસા કૌભાંડનો આક્ષેપ
ફાઈનાન્સિયલ ટાઈમ્સે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી) દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવા મેળવ્યા છે, જે કોલસાના ભાવમાં કૃત્રિમ રીતે વધારો કરવાના અદાણી ગ્રૂપ સામેના આરોપોને સમર્થન આપે છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સે અમુક ઇન્વોઇસને ટાંકી તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી 2014માં અદાણી ગ્રૂપે ઇન્ડોનેશિયા માંથી 3500 કેલરી પ્રતિ કિલોગ્રામ ધરાવતો કોલસો ખરીદ્યો હતો. અદાણી ગ્રૂપે ઇન્ડોનેશિયાની માઇનિંગ ફર્મ પીટી જોનલિન પાસેથી આ કોલસો ખરીદ્યો હતો, જે તેના લો-ગ્રેડ કોલસા માટે ટન દીઠ 28 ડોલરના ખર્ચે જાણીતી છે.

એફટી એ જણાવ્યું કે, આ કોલસાનો જથ્થો તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની (Tangedco)ને 6000 કેલેરી પ્રતિ કિલોગ્રામના ઉચ્ચ ગુણવત્તાવાળા કોલસા તરીકે વેચવામાં આવ્યો હતો. આ કોલસો સરેરાશ પ્રતિ ટન 86 ડોલરના ભાવે વેચવામાં આવ્યો હતો, જે ખરીદ કિંમત કરતા 207 ટકાનો ભાવ વધારો દર્શાવે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપે વર્ષ 2014માં 22 શિપમેન્ટ ઉચ્ચા ગુણવત્તાવાળા કોલસા વેચ્યો હતો. અન્ય શિપમેન્ટમાં કોલસાના ગ્રેડમાં વધારો કર્યો હતો, જેમાથી Tangedcoને 15 લાખ ટન કોલસાની સપ્લાય કરવામાં આવી હતી.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર અદાણી ગ્રૂપે અદાણી ગ્રૂપે ગેરરીતિ આચરી કોલસાના 22 કુલ 7 કરોડ ડોલરના શિપમેન્ટ્સમાં પ્રતિ ટન 46 ડોલરનો નફો કર્યો છે.

અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા હતા. ફાઇનાન્શિયલ ટાઇમ્સને અદાણી જૂથના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સપ્લાય કરાયેલા કોલસાની મલ્ટીપલ એજન્સીઓ દ્વારા વિવિધ સ્તરે વિસ્તૃત ગુણવત્તા તપાસ પ્રક્રિયા કરવામાં આવી છે. તેમા સ્પષ્ટપણે દેખાય છે કે, હલકી ગુણવત્તાવાળા કોલસાના સપ્લાયનો આરોપ માત્ર પાયાવિહોણો અને અયોગ્ય જ નથી પરંતુ સંપૂર્ણપણે વાહિયાત છે.
આ પણ વાંચો | ગૌતમ અદાણી માટે માઠા સમાચાર, નોર્વે વેલ્થ ફંડે અદાણી ગ્રૂપની આ કંપનીને બ્લેક લિસ્ટ કરી, જાણો કેમ
અદાણી ગ્રૂપ હિંડેનબર્ગ રિસર્ચ વિવાદ
હિંડેનબર્ગ રિસર્ચના અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપ બાદ શેરમાં જબરદસ્ત કડાકો બોલાયો હતો. અદાણી ગ્રૂપના તમામ શેરમાં લગભગ 75 ટકા સુધીના કડાકાના પરિણામે ગૌતમ અદાણી ગ્રૂપ દુનિયાના ટોચના નંબર 3 ધનાઢ્ય પદેથી 30માં ક્રમે આવી ગયા હતા. ઉપરાંત અદાણી એન્ટરપ્રાઇઝિસનો 20000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફર પણ રદ કરવામાં આવ્યો હતો. જો કે અદાણી ગ્રૂપે તમામ આરોપ ફગાવી દીધા છે.





