Adani Hindenburg SEBI Case: અદાણી ગ્રૂપ હિંડનબર્ગ વિવાદમાં મોટા અપડેટ આવ્યા છે. ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો કરનાર અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચને સેબી તરફથી શો કોઝ નોટિસ મોકલવામાં આવી હતી. તેના પ્રત્યુત્તરમાં હિંડનબર્ગે સેબીની કારણદર્શક નોટિસનો ખૂબ જ કડક પ્રત્યુત્તર આપ્યો છે. નવાઈની વાત એ પણ છે કે હિંડનબર્ગે સેબીની નોટિસના જવાબમાં જારી કરેલા નિવેદનમાં ઉદય કોટક, કોટક બેંક અને કોટક મહિન્દ્રા ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ (KMIL) જેવા નામોનો પણ ઉલ્લેખ કર્યો છે.
હિન્ડેનબર્ગે દાવો કર્યો છે કે અદાણી ગ્રૂપમાં શોર્ટ સેલિંગ બિઝનેસ માટે તેના રોકાણ ભાગીદાર દ્વારા ઉપયોગમાં લેવાતા ઑફશોર ફંડ સ્ટ્રક્ચર બનાવવામાં KIMALની ભૂમિકા હતી. હિંડનબર્ગ રિસર્ચના નિવેદનમાં કરવામાં આવેલા આ દાવા વિશે હજુ સુધી સેબી અથવા કોટક ગ્રૂપ તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

સેબી સામે હિંડનબર્ગના આક્ષેપો
હિંડનબર્ગ રિસર્ચે તેના પ્રત્યુત્તરમાં સેબીની શો કોઝ નોટિસને બકવાસ અને પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્ય પૂરા કરવા માટે રચાયેલ ગણાવ્યું છે. હિંડનબર્ગના મતે આ એક પૂર્વ નિર્ધારિત ઉદ્દેશ્ય છે, ભારતમાં અમુક સૌથી શક્તિશાળી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો પર્દાફાશ કરનારાઓને ચૂપ કરવા અને ડરાવવાની કોશિશ છે.
હિંડનબર્ગ રિસર્ચનો અદાણી ગ્રૂપ સામે ગંભીર ગેરરીતિનો આરોપ
યુએસ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે જાન્યુઆરી 2023માં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં ગૌતમ અદાણી તેમની માલિકીની અદાણી ગ્રૂપ કંપનીઓ સામે શેરબજારમાં સટ્ટાકિય ટ્રેડિંગ અને નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપ મૂક્યા હતા. હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં જબરદસ્ત કડાકા બોલાયા હતા. જો કે અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચના આક્ષેપોને ફગાવી દીધા હતા.
સેબીના અધિકારક્ષેત્ર સામે પ્રશ્નાર્થ
સેબીની શો નોટિસના પ્રત્યુત્તરમાં જારી કરાયેલા નિવેદનમાં હિંડનબર્ગે એવો પણ દાવો કર્યો છે કે તે એક અમેરિકન ફર્મ છે જેનો ભારતમાં કોઈ વ્યવસાય નથી, તેમ છતાં સેબીએ તે સાબિત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે કે તેની કામગીરી ભારતીય નિયમનકારના દાયરામાં આવે છે. મંગળવારે જારી કરાયેલા આ નિવેદનમાં અમેરિકન ફર્મે કહ્યું છે કે સેબીએ તેને અદાણી ગ્રૂપના શેર પર સટ્ટાબાજી કરતી વખતે નિયમોના કથિત ઉલ્લંઘન બદલ કારણ બતાવો નોટિસ આપી છે. હિન્ડેનબર્ગે જણાવ્યું હતું કે તેને 27 જૂને સેબી તરફથી એક ઈમેલ મળ્યો હતો અને બાદમાં ભારતીય નિયમોના સંભવિત ઉલ્લંઘનને ટાંકીને કારણ બતાવો નોટિસ મળી હતી.

હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર શોર્ટ સેલિંગથી કેટલી કમાણી કરી?
હિન્ડેનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે તેણે ઈન્વેસ્ટર્સ પાર્ટનર દ્વારા અદાણી પર શોર્ટ સેલિંગથી એટલી કમાણી કરી નથી જેટલો અનુમાન મૂક્યો હતો. યુએસ ફર્મે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, શું હિંડનબર્ગે અદાણીને શોર્ટ કરવા માટે ડઝન જેટલી ફર્મ સાથે મળી કામ કર્યુ અને લાખો મિલિયન ડોલરની કમાણી કરી હતી? ના – અમારી પાસે માત્ર એક જ ઈન્વેસ્ટર્સ પાર્ટનર હતો અને આ ટ્રેડ પર અમારી કમાણી ખર્ચ કરતાં થોડી વધુ હતી.
આ પણ વાંચો | અદાણી હિંડનબર્ગ વિવાદમાં કોટક બેંકનું નામ ઉછળ્યું, જાણો શું છે મામલો
યુએસ શોર્ટ સેલિંગ ફર્મ અનુસાર, તેણે અદાણી પર શોર્ટ સેલિંગ થી કુલ મળીને 41 લાખ અમેરિકન ડોલર (લગભગ રૂ. 34 કરોડ) ની કમાણી કરી છે,જ્યારે ગ્રૂપના અમેરિકન બોન્ડમાં શોર્ટ પોઝિશનથી તેને માંડ 31 હજાર યુએસ ડોલર (આશરે રૂ. 25 લાખ)ની કમાણી થઇ હતી. અદાણી ગ્રૂપના અમેરિકન બોન્ડ્સે વારંવાર હિંડનબર્ગ દ્વારા કરવામાં આવેલા તમામ આરોપ નકારી કાઢ્યા છે, પરંતુ તેના રિપોર્ટમાં સેબીને આ સંદર્ભમાં કોઈ ખામી જોવા મળી નથી.





