ભારતીય શેરબજાર અને ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે શુક્રવારનો દિવસ ફરી ‘બ્લેક ફ્રાઇડે’ બન્યો હતો. હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓમાં શરૂ થયેલી મંદી શુક્રવારે તીવ્ર બની હતી અને મહત્તમ ગ્રૂપ કંપનીના શેરમાં સેલર સર્કિટ લાગી હતી. અદાણી ગ્રૂપની લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં 27 જાન્યુઆરી, 2023ના રોજ બોલાયેલા મસમોટા કડકાથી એક જ દિવસમાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટકેપમાં લગભગ 3.4 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયુ છે. આ સાથે છેલ્લા બે ટ્રેડિંગ દિવસમાં અદાણી ગ્રૂપના શેરમાં સતત ઘટાડાથી તેની સંયુક્ત માર્કેટકેપમાં 4.2 લાખ કરોડ રૂપિયા ‘સાફ’ થઇ ગયા છે.
અદાણી ગ્રૂપના તમામ લિસ્ટેડ દસે-દસ કંપનીઓના શેરમાં કડાકો
હિંડનબર્ગની રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં બુધવારે શરૂ થયેલી વેચવાલી શુક્રવારે તીવ્ર બની હતી અને ગ્રૂપની લિસ્ટેડ તમામ દસે – દસ કંપનીના શેરમાં મસમોટો ધબડકો બોલાયો હતો. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની હાલ જેનો 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ ચાલી રહ્યો છે તે અદાણી એન્ટરપ્રાઇસિસના શેરમાં શુક્રવારે 18.5 ટકાનો કડાકો નોંધાયો અને શેર 2762 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે અદાણી ટ્રાન્સમિશનમાં 20 ટકા, અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 20 ટકા, અદાણી વિલ્મરમાં 5 ટકા અને એનડીટીવી કંપનીના શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ લાગી હતી.
અન્ય કંપનીઓની વાત કરીયે તો અદાણી પોર્ટ -સેઝ કંપનીનો શેર આજે 16 ટકા, એસીસી લિમિટેડો શેર 13 ટકા અને અંબુજા સિમેન્ટ કંપનીનો શેર 17 ટકા તૂટ્યો હતો. આ તમામ કંપનીઓના શેરમાં જંગી ઘટાડાથી અદાણી ગ્રૂપની સંયુક્ત માર્કેટકેપમાં 3.4 લાખ કરોડ રૂપિયાનું જંગી ધોવાણ થયુ છે. આ સાથે બે દિવસમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણકારોને 4.2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે ક્યાં આક્ષેપ કર્યા
હિંડનબર્ગ રિસર્ચે તેના 103 પાનાની રિપોર્ટમાં ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓના સતત વધી રહેલા દેવા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ઉપરાંત અદાણી ગ્રૂપની કંપનીઓનું મૂલ્ય પણ 85 ટકાથી વધુ ઓવરવેલ્યુડ હોવાનું જણાવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ એ યુએસ-ટ્રેડેડ બોન્ડ્સ અને નોન-ઇન્ડિયન ટ્રેડેડ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે અદાણી ગ્રૂપના શેરમાં શોર્ટ પોઝિશન ધરાવે છે. આનો અર્થ એ થયો કે તે ટૂંકા ગાળામાં અદાણીના સ્ટોક્સમાંથી બહાર નીકળી જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટ 2022ની શરૂઆતમાં, ફિચ ગ્રૂપે અદાણી ગ્રૂપના સતત વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પ્રાથમિક અંદાજ અનુસાર નાણાકીય વર્ષ 2022માં અદાણી ગ્રૂપનું ઋણબોજ વધીને 2.2 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.