Adani Group ઉપર હિંડનબર્ગના રિપોર્ટ આવ્યા બાદ શેર બજારમાં હલચલ છે. આ હલચલ જોા ખુદ અદાણી ગ્રુપે અદાણી એન્ટરપ્રાઇસ લિમિટેડના એફપીઓ પરત લીધો છે. હવે અદાણી ગ્રૂપને આપવામાં આવેલી લોન અંગે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ એક્ટિવ થઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક સમાચાર અનુસાર આરબીઆઇએ ભારતીય બેન્કો પાસે અદાણી ગ્રૂપ અને તેમની કંપનીઓને આપવામાં આવેલી લોન વિશે સંપૂર્ણ જાણકારી માંગી છે.
શુક્રવારે અદાણીના FPO પાછો ખેંચવાના નિર્ણયથી ગ્રૂપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. એફપીઓ પાછો ખેંચવાના નિર્ણય અંગે કંપનીએ જણાવ્યું હતું કે બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. અદાણી ગ્રુપ એફપીઓના સમગ્ર નાણાં પરત કરવા જઈ રહ્યું છે.
ગૌતમ અદાણીએ શું કહ્યું?
એફપીઓ પાછો ખેંચવાના નિર્ણય પર ગૌતમ અદાણીએ કહ્યું કે આ નિર્ણયથી ઘણા લોકો ચોંકી ગયા છે. બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને FPO સાથે આગળ વધવું અમને નૈતિક રીતે યોગ્ય નથી લાગતું.
તેણે કહ્યું, “મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી, રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે FPO બંધ કર્યો છે.” તેમણે કહ્યું કે આ નિર્ણયથી અમારી વર્તમાન અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર નહીં થાય. એકવાર બજાર સ્થિર થઈ જાય, અમે અમારી મૂડી અને બજાર વ્યૂહરચનાની સમીક્ષા કરીશું.