Adani group demerger plans: ભારતીય ઉદ્યોગપતિ અને વિશ્વના ટોચના અબજોપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળનું અદાણી ગ્રૂપ વર્ષ 2028 સુધીમાં લગભગ પાંચ બિઝનેસને ડિમર્જ કરવાની યોજના બનાવી રહ્યા છે અને જંગી દેવાની ચિંતાને નકારી દીધી છે, એવું આ કોર્પોરેટ ગ્રૂપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે (CFO)રોઇટર્સને જણાવ્યું હતું.
અદાણી ગ્રૂપના CFO જુગશિન્દર સિંહે જણાવ્યુ કે, કોર્પોરેટ ગ્રૂપના મેટલ, માઇનિંગ, ડેટા સેન્ટર, એરપોર્ટ, રોડ અને લોજિસ્ટિક્સ બિઝનેસને ડિમર્જ કે સ્પિન ઓફ કરવાની યોજના છે.
તેમણે જણાવ્યુ કે, ” અમે જે બિઝનેસને ડિમર્જ કરવાની યોજના બનાવી છે, તેમાં હાલ વર્ષ 2025 થી 2028 સુધીમાં મૂળભૂત ઇન્વેસ્ટમેન્ટ પ્રોફાઇલ અને સંચાલનનો અનુભવ મેળવવાનો ધ્યેય છે. કંપની તેના એરપોર્ટ બિઝનેસ પર મોટો દાવ લગાવી રહી છે અને આગામી વર્ષોમાં તે સરકારી સેવા ઉપરાંત બહારના દેશમાં સૌથી મોટો સર્વિસ બેઝ બનવાનું લક્ષ્ય ધરાવે છે.”
અત્રે નોંધનિય છે કે, અદાણી જૂથે છેલ્લાં પાંચ-સાત વર્ષોમાં તેના પાવર, કોલસા, ટ્રાન્સમિશન અને ગ્રીન એનર્જી બિઝનેસને અલગ – અલગ કરી દીધો છે.
ફોર્બ્સની યાદી અનુસાર ગૌત્તમ અદાણી જે વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે, તેઓ તેમના ઉદ્યોગ સામ્રાજ્યમાં બંદરોથી ઊર્જા સુધી વૈવિધ્યીકરણ લાવી રહ્યા છે અને હવે તેઓ એક મીડિયા કંપનીના માલિક પણ બની ગયા છે. વર્તમાનમાં તેમની ફ્લેગશિપ ફર્મ અદાણી એન્ટરપ્રાઈઝ ફોલો-ઓન શેર (FPO) મારફતે 22000 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં છે.
“જો અમને સંપૂર્ણ 22,000 કરોડ રૂપિયા એક્ત્ર થવાની ખાતરી ન હોય તો અમે બજારમાં જઈશું નહીં,” એવું જણાવતા સિંહે ઉમેર્યુ હતું કે, કંપની રિટેલ રોકાણકારોની ભાગીદારી વધારવા માંગે છે અને અમે રાઇટ્સ ઇશ્યૂના બદલે પ્રાયમરી ઇશ્યૂની દિશામાં આગળ વધીશું.
અદાણી એન્ટરપ્રાઇસિસ શેરબજારને કરેલા ફાઇલિંગમાં જણાવ્યુ છે કે, FPO મારફતે એક્ત્ર થનાર 22,000 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની તેના દેવાની પરત ચૂકવણી કરવા ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ, એરપોર્ટ અને ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસના વિકાસ – વિસ્તરણ પાછળ ખર્ચવાની યોજના બનાવી છે. અદાણી ગ્રૂપે સામાન્ય રીતે તેની ફ્લેગશિપ કંપની હેઠળના બિઝનેસને ડિમર્જર કર્યા બાદ તેનું શેરબજારમાં લિસ્ટિંગ કરાવ્યુ છે. હાલ અદાણી ગ્રૂપની લિસ્ટેડ આર્મ્સ આજે બંદરો, પાવર ટ્રાન્સમિશન, ગ્રીન એનર્જી અને ખાદ્ય ઉત્પાદન સહિતના ક્ષેત્રોમાં કાર્યરત છે. હાલ અદાણી ગ્રૂપની 7 અને તાજેતરમાં ટેકઓવર કરેલી કંપની એનડીટીવી સહિત કુલ 8 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.
અગાઉ માર્કેટ એનાલિસ્ટો અને રેટિંગ એજન્સીઓએ અદાણી ગ્રૂપના સતત વધી રહેલા દેવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી જેને ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે ફગાવી દીધી હતી. અત્રે નોધનિય છે કે, 31 માર્ચ, 2022 ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં અદાણી જૂથનું કુલ દેવું 40 ટકા વધીને 2.2 લાખ કરોડ રૂપિયા પહોંચ્યુ હતુ. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે અદાણી ગ્રૂપે સપ્ટેમ્બર 2022માં અદાણી ગ્રૂપને “ઓવરલિવરેજ્ડ” (અતિશય દેવાદાર) તરીકે વર્ણવ્યું હતું અને આ ઋણ બોજ અંગે “ચિંતા” વ્યક્તિ હતી. જ્યારે અહેવાલમાં પાછળથી ગણતરીની કેટલીક ભૂલો સુધારાઈ હતી, ત્યારે ક્રેડિટસાઈટ્સે જણાવ્યું હતું કે તેણે લીવરેજ પર ચિંતા જાળવી રાખી છે.