ગૌતમ અદાણી અને તેમની ‘બિઝનેસ સામ્રાજ્ય’ માટે હિંડનબર્ગનો રિપોર્ટ ચક્રવાત બનીને આવ્યો છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓના શેરમાં સતત મસમોટા કડાકા બોલાયા છે. જો સાપ્તાહિક ધોરણે વાત કરીયે તો 3 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં જ અદાણી ગ્રૂપની શેરબજારમાં લિસ્ટેડ 10 કંપનીઓના શેરમાં બે ટકાથી લઇને 44 ટકા સુધીનો ધબડકો બોલાયો છે, જેમાં ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં રોકાણકારોને સૌથી વધારે નુકસાન થયુ છે.
એક સપ્તાહમાં અદાણી ગ્રૂપની કઇ કંપનીમાં કેટલું નુકસાન
શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં 24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાહેર થયો ત્યારથી સતત ધોવાણ થઇ રહ્યુ છે અને તેના કારણે ગૌતમ અદાણી વિશ્વના અબજોપતિની ટોપ-20 યાદીમાંથી બહાર ફેંકાઇ ગયા છે.
જો છેલ્લા એક સપ્તાહમાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરના દેખાવની વાત કરીયે તો તેમાં બે ટકાથી લઇને 44 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસનો શેર શુક્રવારે 1584 રૂપિયાના ભાવે બંધ થયો છે, તેનો ભાવ સપ્તાહ પૂર્વે 27 જાન્યુઆરીના રોજ 2762 રૂપિયા હતો. આમ છેલ્લા એક સપ્તાહમાં અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં રોકાણકારોને 42 ટકા નુકસાન સહન કરવું પડ્યુ છે. તેવી જ રીતે અદાણી ટોટલ ગેસ એનર્જીએ રોકાણકારોને સૌથી વધારે રડાવ્યા છે. અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ સપ્તાહમાં 44 ટકા તૂટીને શુક્રવારે 1625 રૂપિયા બંધ થયો હતો. તેવી રીતે છેલ્લા એક સપ્તાહમાં અદાણી પોર્ટ-સેઝ કંપનીના શેરમાં 17 ટકા, અદાણી પાવરમાં 22 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 30 ટકા, અદાણી ગ્રીન એનર્જીમાં 37 ટકા, અદાણી વિલ્મરમાં 22 ટકા, એનડીટીવીમાં 17 ટકા, એસીસી લિમિટેડ અને અંબુજા સિમેન્ટ કંપનીના શેરમાં બે ટકાનો ઘટાડો થયો છે.
અદાણી ગ્રૂપની કંપનીઓ અને તેમના શેર ભાવ પર એક નજર
કંપનીનું નામ | 27 જાન્યુ. | 3 ફેબ્રુઆરી | ઘટાડો | વર્ષનું તળિયું |
અદાણી એન્ટરપ્રાઇસ | 2762 | 1584 | 42.65% | 1017 |
અદાણી પોર્ટ-સેઝ | 598 | 498 | 16.72% | 394 |
અદાણી પાવર | 248 | 192 | 22.58% | 106 |
અદાણી ટ્રાન્સમિશન | 2009 | 1401 | 30.26% | 1401 |
અદાણી ગ્રીન એનર્જી | 1484 | 934 | 37.06% | 934 |
અદાણી ટોટલ ગેસ | 2934 | 1625 | 44.61% | 1513 |
અદાણી વિલ્મર | 517 | 400 | 22.63% | 221 |
એનડીટીવી | 256 | 211 | 17.57% | 111 |
એસીસી લિમિટેડ | 1884 | 1926 | 2.22% | 1696 |
અંબુજા સિમેન્ટ | 381 | 373 | 2.1% | 274 |
અદાણી એન્ટરપ્રાઇસ ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી બહાર
S&P ડાઉ જોન્સ સસ્ટેનેબિલિટી ઇન્ડેક્સમાંથી અદાણી એન્ટરપ્રાઇઝિસને હટાવવાની માહિતી આપતા અમેરિકન શેરબજારે જણાવ્યું કે, અદાણી એન્ટરપ્રાઇઝિસ (XMOB:52599) ને ડાઉ જોન્સ સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.હિંડનબર્ગ રિસર્ચના ગૌતમ અદાણી અને તેમની માલિકની અદાણી ગ્રૂપની કંપનીઓ દ્વારા કૌભાંડ, શેરબજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિના આક્ષેપો બાદ શેરમાં મસમોટા કડાકાને ધ્યાનમાં રાખીને સસ્ટેનબિલિટી ઇન્ડેક્સમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટોપ-20 અબજોપતિઓની યાદીમાંથી ગૌતમ અદાણી ‘આઉટ’
અદાણી ગ્રૂપની કંપનીઓના વેલ્યૂએશનમાં ઘટાડા બાદ ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ જંગી ધોવાણ થયુ છે. એક સમયે વિશ્વના અબજોપતિઓની યાદીમાં બીજા નંબરે પહોંચેલા અદાણી હવે ટોપ-20માંથી પણ બહાર થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ લિસ્ટના 3 ફેબ્રુઆરીના રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણી હવે 21મા સ્થાને છે.
આંકડા દર્શાવે છે કે છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં એ જ ઝડપે વધારો થયો છે. ગૌતમ અદાણીની કુલ નેટવર્થ 2 ફેબ્રુઆરી 2022ના રોજ $88 બિલિયન હતી, જે સપ્ટેમ્બર સુધીમાં $149.9 બિલિયન પર પહોંચી ગઈ હતી. સપ્ટેમ્બર પછી થોડો ઘટાડો થયો હતો, પરંતુ હિન્ડેનબર્ગના અહેવાલ પછી અદાણી ગ્રુપના શેર લોહીના ખાબોચિયા જેવા દેખાતા હતા.