Global Funds Buy Adani Group Stocks: અદાણી ગ્રૂપ માટે વર્ષ 2023 બહુ ઉથલપાથલ ભર્યુ રહ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં મસમોટા કડાકા બોલાયા હતા. તેમ છતાં અદાણી ગ્રૂપના શેર 2023માં વૈશ્વિક રોકાણકારો, રિટાયરમેન્ટ અને ઇન્સ્યોરન્સ ફંડ્સ તરફથી લગભગ 6 અબજ ડોલરનું પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ આકર્ષિત કરવામાં સફળ રહ્યા છે. ભારતીય ચલણમાં વાત કરીયે તો આ રકમ અંદાજે 52,000 કરોડ રૂપિયા જેટલી થાય છે. જે કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં આવેલા નેટ ફોરેન ઇન્વેસ્ટર્સ પોર્ટફોલિયોના (એફપીઆઈ) ત્રીજા ભાગનું રોકાણ છે.
પ્રાઇમ ડેટાબેઝમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશી અને સંસ્થાકીય રોકાણકારોએ માર્ચથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન 52,570 કરોડ રૂપિયાના રોકાણથી અદાણી ગ્રૂપની કંપનીઓમાં હિસ્સો હસ્તગત કર્યો છે. અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં મોટાભાગના ટ્રાન્ઝેક્શન બલ્ક અને બ્લોક ડીલ વિન્ડો મારફતે કરવામાં આવ્યા હતા.

રાજીવ જૈનની આગેવાની હેઠળની જીક્યુજી પાર્ટનર્સે અદાણી ગ્રૂપના શેરમાં 4 અબજ ડોલરથી વધુ રોકાણ કર્યું છે, જે અદાણી જૂથના સૌથી મોટા રોકાણકારો પૈકીના એક છે.
નોંધનિય છે કે, યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કંપનીના શેરમાં સટ્ટાકીય ટ્રેડિંગ, કોર્પોરેટ ગવર્નન્સનું ઉલ્લંઘન અને ઉંચા દેવાના આક્ષેપોથી અદાણી ગ્રૂપની માર્કેટકેપમાં 130 અબજ ડોલરથી વધુનું ધોવાણ થયું હતુ. જો કે ત્યારબાદ રાજીવ જૈન ગૌતમ અદાણીનો બચાવ કર્યો હતો.
રાજીવ જૈને અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાનો પણ નોંધપાત્ર હિસ્સો મેળવ્યો હતો. તેનાથી ગૌતમ અદાણી બેંક લોન અને લેણાંની બાકી ચૂકવણીમાં સક્ષમ બનવાની સાથે સાથે રોકાણકારોનો ગુમાવેલો વિશ્વાસ ફરી મેળવી શક્યા હતા.
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં રોકાણ કરનાર અન્ય ગ્લોબલ ઇન્વેસ્ટર્સમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી પણ મોખરે છે, તે ત્રણ અદાણી કંપનીઓ -અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને અદાણી પાવરમાં હિસ્સો હસ્તગત કર્યો છે.
તેવી જ રીતે કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ ઓગસ્ટમાં અદાણી ગ્રીન એનર્જીમાં 2.69 ટકા હિસ્સો 47 કરોડ ડોલરમાં હસ્તગત કર્યો હતો. જેનું મૂલ્ય હવે લગભગ 78.5 કરોડ ડોલર થયું છે.

તો લાંબા ગાળાના રિટાયરમેન્ટ ફંડ્સે પણ અદાણી ગ્રૂપમાં વિશ્વાસ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના સુપરએન્યુએશન ફંડ્સ જેમ કે ઓસ્ટ્રેલિયનસુપર અને કેરસુપરએ માર્ચ અને જૂનમાં અદાણી એનર્જી સોલ્યુશન્સમાં રોકાણ કર્યું છે.
ટેક્સાસની એમ્પ્લોઇઝ રિટાયરમેન્ટ સિસ્ટમ, સાઉદી અરેબિયાની જનરલ ઓર્ગેનાઈઝેશન ફોર સોશિયલ ઈન્સ્યોરન્સ, ન્યૂ યોર્ક સ્ટેટ કોમન રિટાયરમેન્ટ ફંડ, વોશિંગ્ટન સ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ બોર્ડ, બીટી પેન્શન સ્કીમ અને ડેલવેર પબ્લિક એમ્પ્લોઈઝ રિટાયરમેન્ટ સિસ્ટમ સહિત ઘણા વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કર્યું છે.
FPIએ ઇક્વિટી માર્કેટમાં 1.5 લાખ કરોડનું રોકાણ કર્યું
વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને મંદીના આશંકા વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય મૂડીબજારમાં જંગી રોકાણ કર્યું છે. ફોરેન ઇન્વેસ્ટર્સ પોર્ટફોલિયો (એફપીઆઈ)એ કેલેન્ડર વર્ષ 2023માં અત્યાર સુધી ઇક્વિટી માર્કેટમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તો ડેટ માર્કેટમાં 60000 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ કર્યું છે. આમ કુલ એફપીઆઈ ઇનફ્લો 2.1 લાખ કરોડ રૂપિયા થાય છે.
આ પણ વાંચો | આ 10 શેરમાં રોકાણકારોના લાખના બાર હજાર થયા, ટેલિકોમ શેરમાં સૌથી વધુ 1.34 લાખ કરોડનું નુકસાન
નોંધનિય છે કે, વિદેશી રોકાણકારોએ વર્ષ 2022માં 1.21 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા, જેનું કારણ વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો, મોંઘવારી અને આર્થિક મંદી છે.





