Adani Group Stocks Crash: અદાણી ગ્રૂપ કંપનીના તમામ શેરમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોને 26000 કરોડનું નુકસાન

Adani Group Market Cap Down: ગૌતમ અદાણીની શેરબજારમાં લિસ્ટેડ તમામ કંપનીઓના શેરમાં કડાકો બોલાતા અદાણી ગ્રૂપની સંયુક્ત માર્કેટકેપમાં એક જ દિવસમાં 26000 કરોડ રૂપિયાનું ધોવાણ

Written by Ajay Saroya
August 14, 2023 21:54 IST
Adani Group Stocks Crash: અદાણી ગ્રૂપ કંપનીના તમામ શેરમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોને 26000 કરોડનું નુકસાન
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની 10 કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે.

SEBI Reports on Gautam Adani Hindenburg Row : ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર ફરીવાર તૂટ્યા હતા. સોમવાર 14 ઓગસ્ટના રોજ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં અડધાથી સાડા ત્રણ ટકા ઘટીને બંધ થયા હતા. આ ઘટાડા પાછળ 3 કારણ જવાબદાર છે – (1)અદાણી ગ્રૂપ કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ઓડિટર પદેથી ડેલોઇટનું રાજીનામું અને (2) હિંડનબર્ગ વિવાદ અને અદાણી ગ્રૂપની કંપનીઓની તપાસ માટે સેબી દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ વધારે સમયની માંગણી છે અને (3) ભારતીય શેરબજારમાં વેચવાલીના માહોલ વચ્ચે અદાણી ગ્રૂપના શેરમાં ઉંચા સ્તરે પ્રોફિટ બુકિંગ છે.

અદાણી પોર્ટ-સેઝના ઓડિટર પદેથી ડેલોઇટનું રાજીનામું

અદાણી પોર્ટ-સેઝના ઓડિટર પદેથી ડેલોઇટે ગત સપ્તાહે રાજીનામું આપ્યુ છે. રાજીનામું આપતા પહેલા ડેલોઇટે હિંડનબર્ગ રિસર્ચના આરોપોની સ્વતંત્ર બાહ્ય તપાસ હાથ ધરવાની માંગ કરી હતી. ગૌતમ અદાણીની માલિકીની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોને શેરબજારને મોકલેલા 163 પાનાના અહેવાલમાં ડેલોઈટ હાસ્કિન્સ એન્ડ સેલ્સ એલએલપીનું રાજીનામું મોકલ્યું છે. APSEZની મુજબ, મિટિંગમાં ડેલોઈટના અધિકારીઓએ અદાણી જૂથની અન્ય લિસ્ટેડ કંપનીઓના ઓડિટરો તરીકે વ્યાપક ઓડિટ ભૂમિકાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનિય છે કે, હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓ વ્યાપક તપાસનો સામનો કરી રહી છે.

ડેલોઇટે અદાણી કેસમાં તપાસની માંગણી કરી

તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં હિંડનબર્ગ રિસર્ચે અદાણી પર શેરના ભાવમાં હેરાફેરી અને એકાઉન્ટ્સમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે અમેરિકન કંપની પર શેલ કંપનીઓ દ્વારા નાણાંની ગેરકાયદેસર હેરાફેરીનો પણ આરોપ લગાવ્યો હતો. ડેલોઇટે તાજેતરમાં અહેવાલમાં ઉલ્લેખિત કેટલાક નાણાંકીય વ્યવહારો પર ચિંતા વ્યક્ત કરી હતી. અદાણી ગ્રૂપની કંપનીના ઓડિટર તરીકે રાજીનામું આપતાં પહેલાં, ડેલોઇટે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના આરોપોની સ્વતંત્ર બાહ્ય તપાસની માગણી કરી હતી. ડેલોઇટ 2017થી અદાણી પોર્ટ-સેઝના ઓડિટર હતા. જુલાઈ 2022માં ઓડિટર પદે ડેલોઇટનો કાર્યકાળ ફરી 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. આના પ્રત્યુત્તરમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે, હિન્ડેનબર્ગના આક્ષેપોની કંપનીના નાણાકીય ખાતાઓ પર કોઈ અસર થઈ નથી. તેથી, ડેલોઈટના રાજીનામુંનું કારણ સંતોષકારક નહોતું.

ડેલોઇટના રાજીનામાં બાદ અદાણી પોર્ટ-સેઝના ઓડિટર પદે MSKA એન્ડ એસોસિએટ્સની નિમણુંક

અદાણી પોર્ટ્સના બોર્ડે કંપનીના ઓડિટર તરીકે ડેલોઈટ હાસ્કિન્સ એન્ડ સેલ્સ એલએલપીનું રાજીનામું સ્વીકાર્યું અને તેના સ્થાને એમએસકેએ એન્ડ એસોસિએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની નિમણૂક કર્યા પછી અદાણી ગ્રૂપના શેર દબાણ હેઠળ આવ્યા છે. તમને જણાવી દઈએ કે ડેલોઈટ માત્ર એક અદાણી-ગ્રુપ કંપની અદાણી પોર્ટ્સ સાથે સંકળાયેલી હતી. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ સીએલએસએના જણાવ્યા અનુસાર અદાની ગ્રૂપ દ્વારા વારંવાર ઓડિટર્સ બદલવાના કારણે શેર પર દબાણ વધી રહ્યું છે. આ એક રીતે નકારાત્મક પરિબળ છે.

અદાણી ગ્રૂપ કંપનીની તપાસ માટે સેબીએ વધુ સમય માંગ્યો

અદાણી ગ્રૂપ કંપનીની તપાસ માટે સેબીએ સુપ્રીમ કોર્ટ પાસે વધારે સમય માંગ્ય છે. હિંડનબર્ગ વિવાદ બાદ સુપ્રમ કોર્ટે સેબીને અદાણી ગ્રૂપ કંપનીઓના શેર અને તેમના નાણાકીય વ્યવહારોની તપાસનો આદેશ આપ્યો હતો. સેબી એ અદાણી ગ્રૂપમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ 15 દિવસની માંગણી કરી છે. સેબીએ કહ્યુ છે કે, તે અદાણી ગ્રૂપના 24 ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યુ છે અને તેમાં 17 વ્યહારોની તપાસ પૂર્ણ થઇ ચૂકી છે. ઉપરાંત સેબીએ આગળની કાર્યવાહી માટે અન્ય રેગ્યુલેટર્સ અને વિદેશ સંસ્થાઓ પાસેથી માહિતીઓ મંગાવી છે.

અદાણી ગ્રૂપ કંપનીના શેરમાં ઘટાડો

શેર બજારમાં ભારે વેચવાલી વચ્ચે અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેર અડધાથી સાડા ત્રણ ટકા જેટલા તૂટીને બંધ થયા હતા. અદાણી કંપનીઓના શેરની વાત કરીયે તો સોમવારે અંબુજા સિમેન્ટનો શેર સૌથી વધુ 3.5 ટકા તૂટ્યો હતો. ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇસ 3.3 ટકા અને અદાણી ટ્રાન્સમિશનનો શેર 2.7 ટકા તૂટ્યો હતો.

કંપનીનું નામબંધ ભાવઘટાડોમાર્કેટકેપ
અંબુજા સિમેન્ટ4403.49%87477 કરોડ રૂપિયા
અદાણી એન્ટરપ્રાઇસ24553.26%279950 કરોડ રૂપિયા
અદાણી ટ્રાન્સમિશન8082.69%90165 કરોડ રૂપિયા
એસીસી લિમિટેડ19102.27%35872 કરોડ રૂપિયા
અદાણી ગ્રીન એનર્જી9512.09%150665 કરોડ રૂપિયા
અદાણી ટોટલ ગેસ6352.07%69898 કરોડ રૂપિયા
અદાણી વિલમર3751.96%48841 કરોડ રૂપિયા
અદાણી પોર્ટ-સેઝ7871.66%170078 કરોડ રૂપિયા
એનડીટીવી2191.41%1417 કરોડ રૂપિયા
અદાણી પાવર2850.78%110250 કરોડ રૂપિયા

આ પણ વાંચો- અંબુજા સિમેન્ટે સાંઘી ઇન્ડસ્ટ્રીઝને ₹ 5000 કરોડમાં ટેકઓવર કરી, હિંડનબર્ગ વિવાદ બાદ ગૌતમ અદાણીનો પ્રથમ સોદો

અદાણીના શેરમાં રોકાણકારોને 26000 કરોડનું નુકસાન

અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં રોકાણકારોને એક જ દિવસમાં 26000 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે, જે સોમવારના ઘટાડાને આભારી છે. ગત શુક્રવારે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ 10 કંપનીઓની સંયુક્ત માર્કેટકેપ 10.70 લાખ કરોડ રૂપિયા હતી, જે સોમવારે ઘટીને 10.44 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે અદાણી ગ્રૂપની કંપનીઓની માર્કેટકેપમાં 260000 કરોડ રૂપિયાનું ધોવાણ થયુછે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ