Adani Hinderburg Case In Supreme Court: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની સનસની બાદ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધી ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓ સુધી તો હિંડનબર્ગ રિસર્ચના એક રિપોર્ટથી અદાણી કંપનીઓના શેરમાં મસમોટા કડાકો બોલાયો અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ધરખમ ધોવાણ થયુ હતુ. અદાણી હિંડનબર્ગ રિપોર્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જો કે સર્વોચ્ચ અદાલતે આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે.
અદાણી હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ખંડપીઠે મોટું નિવેદન આપતા કહ્યું કે હાલની સ્થિતિમાં તેઓ હિંડનબર્ગના રિપોર્ટને સત્ય માની શકે નહીં. હાલમાં અદાલત પાસે તે અહેવાલની સત્યતા ચકાસવા માટે કોઈ સાધન નથી, તેથી સેબીને આ બાબતની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. એ અલગ વાત છે કે અરજદારો આનાથી નારાજ છે, તેમની તરફથી કોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સેબીને આ સમગ્ર મામલાની પહેલેથી જ જાણ છે, તેણે તપાસ પણ કરી છે, પરંતુ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી.
અરજદાર પક્ષની દલીલો પર સર્વોચ્ચ અદાલતે એવુ પણ કહ્યું છે, કે જો તપાસ થઈ છે તો તેના પુરાવા ક્યાં છે, કયા સબુતો છે. સેબીની તપાસ પર કયા આધારે સવાલો ઉઠી રહ્યા છે? જો કે, સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે સેબી પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું હતું કે આ પૈસા દુબઈ અને મોરેશિયસમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવ્યા હતા, પાછળથી આ જ પૈસાનું અદાણીના શેરમાં પણ રોકાણ કરવામાં આવ્યું હતું. સેબીએ આ પાસાઓ પર કોઈ તપાસ કરી નથી. તેના પર સુપ્રીમ કોર્ટે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવું હોય તો પણ તપાસ સેબીના બદલે ડીઆરઆઈ દ્વારા થવી જોઈએ.
આ પણ વાંચો | ગૌતમ અદાણીની મુશ્કેલી વધી, કોલસાની આયાતના કેસની તપાસ ફરી શરૂ કરવા DRIની અરજી
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 25 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. હિંડનબર્ગે તેના રિપોર્ટના તારણોમાં 88 પ્રશ્નો પૂછ્યા હતા. હિંડનબર્ગે તેના રિપોર્ટમાં એવો દાવો કર્યો હતો કે, અદાણી જૂથ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ઉંચી સપાટીથી મોટા કડાકા બોલાયા અને ભાવ તળિયે ઉતરી ગયા હતા. તેનાથી અદાણી કંપનીના શેરધારકોને મોટું નુકસાન સહન કરવું પડ્યુ હતું.





