OCCRP Allegations On Guatam Adani’s Group Offshore Funding : અદાણી ગ્રૂપ પરના હિન્ડેનબર્ગના અહેવાલ બાદ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) એ ગૌતમ અદાણી અને તેમની માલિકીના અદાણી ગ્રૂપ કંપનીઓ સામે શેરમાં ગેરરીતિના નવા આક્ષેપો કર્યા છે. OCCRPના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મોરેશિયસ સ્થિત કેટલીક ઈન્વેસ્ટમેન્ટ ફર્મ્સે છેલ્લા ઘણા વર્ષોમાં અદાણી ગ્રુપના શેરમાં જંગી રોકાણ કર્યું છે. આ રોકાણ બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવ આસમાને પહોંચ્યા હતા. રિપોર્ટમાં એવો પણ આરોપ કરાયો છે કે રોકાણ કરતી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સનું સંચાલન અદાણીના પરિવાર સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યું હતું.
અદાણી ગ્રૂપે OCCRPના આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા
OCCRPના રિપોર્ટમાં ગંભીર આક્ષેપો બાદ અદાણી ગ્રૂપે એક નિવેદન જારી કરતા આ આરોપોને સ્પષ્ટપણે પાયાવિહોણા ગણાવ્યા છે. અદાણી ગ્રૂપે કહ્યું છે કે અમે આ રિસાઇકલ્ડ આરોપોને સ્પષ્ટપણે નકારીએ છીએ. જૂથે જણાવ્યું હતું કે, આ રિપોર્ટ્સ સોરોસ ફંડેડ હિતો દ્વારા વિદેશી મીડિયા એક જૂથ દ્વારા સમર્થિત વધુ પ્રયાસ જેવું લાગે છે, જેનાથી પાયાવિહોણા હિંડનબર્ગ રિપોર્ટને ફરી જીવિત કરાયો છે.
સંગઠિત અપરાધ અને પ્રણાલીગત ભ્રષ્ટાચારની તપાસ અને રિપોર્ટિંગના તેમના અનુભવોમાં સમાનતા અનુભવ્યા પછી OCCRPની સ્થાપના અમેરિકન તપાસ પત્રકારો સુલિવાન અને બલ્ગેરિયન પૌલ રાડુ દ્વારા 2006માં કરવામાં આવી હતી.

શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્ર ડેમોક્રેસી ફંડ (UNDEF) દ્વારા નાણાં ભંડોળ OCCRP નેટવર્કે સૌપ્રથમ સારાજેવોમાં એક ઓફિસ શરૂ કરી હતી. થોડાંક જ વર્ષોમાં OCCRP પાંચ દેશોમાં કામ કામગીરી કરનાર છ પત્રકારોથી વધીને 30 દેશોમાં 150થી વધારે સુધી પહોંચી ગયુ છે. આ નેટવર્કનો ઉદ્દેશ્યએક વૈશ્વિક નેટવર્ક બનાવવાનો છે, જેથી ભ્રષ્ટાચાર અને અપરાધના ગ્લોબલ નેટવર્કને સુવ્યવસ્થિત રીતે સમજી અને પર્દાફાશ કરી શકાય.
OCCRP પ્રાદેશિક સાથીદારોની સાથે મળીને કામગીરી કરે છે, જેમાં અરબ રિપોર્ટર્સ ફોર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ (ARIJ), સેન્ટ્રો લેટિનો અમેરિકનો ડી ઇન્વેસ્ટિગેશન પીરિયોડિસ્ટિકા (CLIP) અને રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી (RFE/RL) સામેલ છે. OCCRP ગ્લોબલ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ નેટવર્કનું સભ્ય પણ છે.
OCCRPના રેકોર્ડ
OCCRPના રેકોર્ડ્સ અનુસાર વર્ષ 2009 બાદથી તેના દ્વારા કરાયેલા રિપોર્ટિંગને પગલે સીધી રીતે 398 સત્તાવાર તપાસ થઇ અને તેનાથી 621 લોકોની ધરપકડ થઇ અને 131 વ્યક્તિઓને રાજીનામા આપવાની ફરજ પડી છે. ઉપરાંત વિવિધ કંપનીઓ પર 10 અબજ ડોલરથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ભંડોળ જપ્ત કરવામાં આવ્યુ છે.
OCCRPએ છેલ્લા કેટલાક વર્ષોમાં સંખ્યાબંધ હાઇ-પ્રોફાઇલ કેસોની તપાસ કરી છે, જેમાં રશિયાના કુલીન વર્ગો અને વ્લાદિમીર પુતિન પરના અનેક અહેવાલો સામેલ છે. OCCRP એ પનામા પેપર્સ પ્રોજેક્ટ પર ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (જેમાંથી ધ ઈન્ડિયન એક્સપ્રેસ સભ્ય છે) સાથે પણ કામ કર્યું હતું, જેણે ઓફશોર એન્ટિટીના ઉપયોગ દ્વારા ભ્રષ્ટાચાર વિશે 40 થી વધુ સ્ટોરી બનાવી હતી. તેણે 2017નું પુલિત્ઝર પ્રાઈઝ પણ મળ્યું હતું.
જ્યોર્જ સોરોસ સાથે શું કનેક્શન છે?
OCCPR સામે અદાણી જૂથનું નિવેદન તેને “સોરોસ સમર્થિત” કહે છે. ચાલુ વર્ષેની શરૂઆતમાં હિંડનબર્ગના અહેવાલ બાદ નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી વિશે અબજોપતિ એડવોકેસી ફંડર જ્યોર્જ સોરોસ દ્વારા કરવામાં આવેલી ટીકાત્મક ટિપ્પણીઓને લઈને ભાજપ અને તેના સમર્થકોએ આકરી ટીકા કરી હતી. ત્યારથી સોરોસના નામનો વારંવાર સરકાર અથવા કેસના સંબંધમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો | અદાણીના શેરમાં રોકાણકારોને કરોડોનું નુકસાન, ગૌતમ અદાણી OCCRPના ગંભીર આક્ષેપ, જાણો શું છે સમગ્ર મામલો
OCCRPની વેબસાઈટ અનુસાર, સોરોસની ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સ તેના 21 મુખ્ય ફંડર્સમાંથી એક છે. તે ઉપરાંત, ધ રોકફેલર બ્રધર્સ ફંડ, અમેરિકન વિદેશ વિભાગ, ફોર્ડ ફાઉન્ડેશન, જર્મન માર્શલ ફંડ અને સ્વીડિશ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સી OCCRPને નાણાંકીય સહાય પુરી પાડે છે.





