Adani Ports In BSE Sensex: શેરબજારના રોકાણકાર માટે મોટા સમાચાર આવ્યા છે. બીએસઇ એસએન્ડપી સેન્સેક્સ 30 શેરની યાદીમાં મોટા ફેરફાર થયા છે. બીએસઇ દ્વારા એસએન્ડપી સેન્સેક્સ બ્લુચીપ 30 શેરમાં એક આઈટી કંપનીના શેરને ઇન્ડેક્સમાંથી બહાર કર્યો અને તેના સ્થાને અદાણી ગ્રૂપની એક કંપની શેરનો સમાવેશ કર્યો છે. બીએસઇ દ્વારા સેન્સેક્સ 30 સ્ટોક ઉપરાંત એસએન્ડપી બીએસઇ 100 ઇન્ડેક્સ, એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ 50 ઇન્ડેક્સ સહિત ઘણા ઇન્ડેક્સના શેરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સ શેરમાં ફેરફાર 24 જૂન, 2024ના રોજથી લાગુ થશે.
સેન્સેક્સ 30 શેરમાં વિપ્રો આઉટ, અદાણી પોર્ટ્સ સેઝની એન્ટ્રી
બીએસઇ દ્વારા 30 બ્લુચીપ શેર એસએન્ડપી સેન્સેક્સ ઇન્ડેક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરમાં આઈટી શેર વિપ્રો (507685)ના સ્થાને અદાણી પોર્ટ્સ અને સેઝ (532921)નો સમાવેશ કર્યો છે. અદાણી પોર્ટ્સ સેઝ સેન્સેક્સ 30 બ્લુચીપ સ્ટોકમાં સામેલ થનાર પ્રથમ અદાણી ગ્રૂપ કંપની છે.

સેન્સેક્સ 30 બ્લુચીપ શેરમાં કઇ કઇ કંપની છે?
એસએન્ડપી સેન્સેક્સ ઇન્ડેક્સ 30 શેરનો બનેલો ઇન્ડેક્સ છે, જે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક માનવામાં આવે છે. સેન્સેક્સમાં ભારતીય શેરબજારની મજબૂત ફંડામેન્ટલ ધરાવતી મૂલ્યવાન કંપનીઓને સામેલ કરવામાં આવે છે. સેન્સેક્સ દ્વારા 30 બ્લુચીપ કંપનીઓમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવે છે.
હાલ સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાં એચડીએફસી બેંક, લાર્સન ટ્રુર્બો, ભારતી એરટેલ, એક્સિસ બેંક, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારૂતિ સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ઈન્ડ્સઇન્ડ બેંક, ટાટા મોટર્સ, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ટાટા સ્ટીલ, પાવરગ્રીડ, એસબીઆઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચયુએલ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, સન ફાર્મા, એચસીએલ ટેક, જેએસડબ્લ્યુ સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, ટાયટન, ટીસીએસ, મહિન્દ્રા મહિન્દ્રા, આઈટીસી અને ટેક મહિન્દ્રા સામેલ છે.
આ પણ વાંચો | અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખુશખબર, હિંડનબર્ગના આંચકા બાદ 6 શેર સંપૂર્ણ રિકવર
બીએસઇના ઘણા ઈન્ડેક્સ શેરમાં ફેરફાર
બીએસઇ દ્વારા ઘણા ઇન્ડેક્સ શેરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમા એસએન્ડપી સેન્સેક્સ 30 સ્ટોક ઇન્ડેક્સમાં વિપ્રોના સ્થાને અદાણી પોર્ટ્સ આવશે. તેવી રીતે શેરબજાર ના બેન્ચમાર્ક એસએન્ડપી બીએસઇ 100 ઈન્ડેક્સમાંથી પેજ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ કાર્ડ પેમેન્ટ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ, જ્યુલિયન્ટ ફુડવર્ક્સ અને ઝી એન્ટરપ્રાઇસ બહાર જશે અને તેના સ્થાને આરઇસી, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ, કેનેરા બેંક, ક્યુમિન્સ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક શેરનો સમાવેશ થશે. બીએસઇ દ્વારા એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ 50 ઇન્ડેક્સ, એસએન્ડપી બીએસઇ બેન્કેક્સ અને એસએન્ડપી બીએસઇ સેન્સેક્સ નેક્સ્ટ 50 ઇન્ડેક્સ શેરની યાદીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.





