/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/west-bengal-goods-train-accident-32.jpg)
અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ અને ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. 9Express photo by Nirmal Harindran)
Adani Total Gas Ltd : અદાણી ગ્રૂપ કંપનીની અદાણી ટોટલ ગેસ લિમિટેડે આગામી 8થી 10 વર્ષમાં સિટી ગેસ બિઝનેસના વિસ્તરણ માટે 20,000 કરોડનું રોકાણ કરવાની યોજના તૈયાર કરી છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપ અને ફ્રેન્ચ કંપની ટોટલ એનર્જી વચ્ચેનું સંયુક્ત સાહસ છે. કંપની ગેસ વિતરણ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા આગામી એક દાયકામાં આટલું જંગી મૂડીરોકાણ કરવા માંગે છે.અદાણી ટોટલ ગેસ લિમિટેડે (ATGL) તેના વાર્ષિક અહેવાલ જણાવ્યું કે, વાહનો માટે સીએનજીનું રિટેલ વેચાણ અને ઘર અને ઉદ્યોગોને પાઈપ્ડ ગેસ પહોંચાડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી આગામી 8 થી 10 વર્ષમાં રૂ. 18,000 કરોડ થી રૂ. 20,000 કરોડનું રોકાણ કરવામાં આવશે.
કંપની હાલ દેશના 124 જિલ્લામાં વાહનો માટે સીએનજીનું રિટેલ વેચાણ કરવા ઉપરાંત કંપની પાઈપ લાઇન મારફતે ઘરોમાં ગેસ પણ સપ્લાય કરે છે. કંપની દેશભરમાં 460 સીએનજી સ્ટેશન ધરાવે છે અને પાઈપલાઇન મારફતે લગભગ 7 લાખ ગ્રાહકોને ગેસની સપ્લાય કરે છે. તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે 1150 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કર્યું છે. કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO) પરાગ પરીખે જણાવ્યું હતું કે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં અમે ગેસ બિઝનેસની સંભાવનાઓ વિશે આશાવાદી છીએ. કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને નેટવર્કનું વિસ્તરણ કરવા માટે વધારે મૂડીરોકાણ કરવા માગે છે.
અદાણી ટોટલ ગેસમાં રોકાણકારોને નુકસાન, શેર ભાવ રેકોર્ડ લેવલથી 83 ટકા નીચે
હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટના બાદ શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની તમામ કંપનીઓના શેરમાં જંગી કડાકો બોલાયો હતો. જેમાં અદાણી ટોટલ ગેસ કંપનીના શેરનો ભાવ 23 જાન્યુઆરી 2023ના રોજ 3998 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. હિંડનબર્ગ વિવાદ બાદ આ શેર ઘટીને 620 રૂપિયાના તળિયે આવી ગયો. 28 જૂન, 2023ના રોજ તેનો શેર ભાવ 655 રૂપિયા હતો. આમ હજી પણ અદાણી ટોટલ ગેસ કંપનીનો શેર તેની 23 જાન્યુઆરીની સર્વોચ્ચ સપાટીથી 83 જેટલો નીચો છે. બીજા શબ્દોમાં કહીયે તો અદાણી ટોટલ ગેસ કંપનીના શેરમાં રોકાણકારોને જંગી નુકસાન થઇ રહ્યું છે.
10 વર્ષમાં 1800થી વધુ સીએનજી સ્ટેશન સ્થાપશે
તેમણે જણાવ્યું કે, અમે અમારા સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા હેતુ આગામી 8-10 વર્ષમાં આશરે રૂ. 18,000-20,000 કરોડનું રોકાણ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. જે અમારો ગ્રાહક આધાર વધારીને અમારી આવકમાં વધારો કરશે. અદાણી ટોટલ ગેસ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે કંપનીની વ્યૂહરચના તેના લાયસન્સવાળા વિસ્તારોમાં સ્ટીલની પાઈપલાઈન નાખવાની પ્રક્રિયાને વેગ આપવા અને CNG સ્ટેશન વધારવાની છે. તેમણે કહ્યું કે કંપની આગામી સાતથી 10 વર્ષમાં 1800થી વધુ સીએનજી સ્ટેશન બનાવવા જઈ રહી છે.
આ પણ વાંચોઃ ગૌતમ અદાણીની કંપનીના શેરમાં 1 અબજ ડોલરની બ્લોક ડીલ, અમેરિકન કંપનીએ કર્યું જંગી રોકાણ
તમને જણાવી દઈએ કે દેશમાં ગેસની માંગ ઝડપથી વધી રહી છે. ઉપરાંત હાલ સરકાર પણ ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવા પર વધારે ધ્યાન કેન્દ્રિય કરી રહી છે. જેના કારણે દેશભરમાં ઉદ્યોગો અને લોકો દ્વારા ગેસનો વપરાશ વધી રહ્યો છે. કંપની વતી કહેવામાં આવ્યું હતું કે પ્રદૂષણને નિયંત્રિત કરવું એ મોટી પ્રાથમિકતા છે. કારણ કે ગેસ વધુ સુરક્ષા, ગ્રાહક વિશ્વાસ અને ડિલિવરીની સુવિધા સાથે એક પસંદગીનો એક સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us