Budget 2024 Nirmala Sitharaman : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પહેલું પૂર્ણકાલીન બજેટ 2024 રજૂ કર્યું હતું. પોતાના સાતમા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના ખેડૂતો માટે અનેક જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં દેશભરમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા આપ્યા
બજેટ 2024 રજૂ કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે અનેક જાહેરાતો કરી છે. સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ગયા વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે ખેડૂતોના બજેટમાં 21.6% એટલે કે 25 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જોકે ખેડૂતોની સતત માંગ હોવા છતાં, બજેટમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો નથી. તે માત્ર 6,000 રૂપિયા જ રહેશે.
ખેતીની જમીન અને ખેડૂતોના રેકોર્ડને ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવશે
નાણામંત્રીએ જાહેરાત કરી કે શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેઇન માટે વધુ એફપીઓની રચના કરવામાં આવશે. ખેતીની જમીન અને ખેડૂતોના રેકોર્ડને ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રાજ્યો સાથે ભાગીદારીમાં કેન્દ્ર કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપશે. જ્યારે પાંચ રાજ્યોમાં જાહેર સમર્થન આધારિત ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો – બજેટ 2024 : મોબાઈલ ફોન, કેન્સરની દવા, સોના-ચાંદીના ઘરેણા સસ્તા થશે, જાણો શું થયું મોંઘું
તેમણે કહ્યું કે સરકાર કઠોળના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત બનાવશે. ગ્રામીણ અર્થવ્યવસ્થાની ઝડપી વૃદ્ધિ અને રોજગારની તકોનું નિર્માણ એ નીતિનો ઉદ્દેશ્ય હશે. તેમણે કહ્યું કે સરકાર ઝીંગા ઉછેર અને માર્કેટિંગ માટે પણ નાણાં પૂરા પાડશે.
સરકાર આંધ્ર પ્રદેશની પોલાવરમ સિંચાઈ પરિયોજના માટે પ્રતિબદ્ધ
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર પોલાવરમ સિંચાઈ યોજનાનાં ભંડોળ અને ઝડપથી પૂર્ણ કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે. જેને આંધ્ર પ્રદેશ અને તેનાં ખેડૂતો માટે જીવાદોરી સમાન માનવામાં આવે છે.





