DGCA Rules For Flight Ticket Cancellation Charges : વિમાન મુસાફરો માટે એક ખુશખબર આવ્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ નવી ડ્રાફ્ટ ગાઇડલાઇન્સ જારી કરી છે, જે હેઠળ મુસાફરો હવે ટિકિટ બુક કર્યાના 48 કલાકની અંદર કોઈ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ અથવા મોડિફાઇ કરી શકશે.
શું છે નવો નિયમ?
ડીજીસીએ દ્વારા જારી કરવામાં આવેલા પ્રસ્તાવિત નિયમો અનુસાર, ફ્લાઇટ ટિકિટ બુક કર્યા પછી મુસાફરને 48 કલાકની ‘ફ્રી મોડિફિકેશન / કેન્સલેશન વિન્ડો’ મળશે.
જો કોઈ એરલાઇન્સ પેસેન્જર ફ્લાઇટ ટિકિટ બુકિંગ કર્યાના 48 કલાકની અંદર વિમાન ટિકિટ રદ કરે છે અથવા મુસાફરીની તારીખ અથવા નામ બદલી નાખે છે, તો કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
એરલાઇન્સને ટિકિટ રદ અથવા ફેરફાર પછી ઝડપથી રિફંડ પર પ્રક્રિયા કરવા સૂચના આપવામાં આવી છે.
અત્યાર સુધી મુસાફરોને ટિકિટ બુક કરાવ્યા પછી તરત જ ટ્રાવેલ પ્લાનમાં ફેરફાર કરવા માટે ભારે કેન્સલેશન ચાર્જ ચૂકવવો પડતો હતો. મુસાફરો અને ગ્રાહક સંગઠનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને ડીજીસીએ દ્વારા આ નિયમનો મુસદ્દો તૈયાર કર્યો છે જેથી એરલાઇન્સ અને મુસાફરો વચ્ચે સંતુલન જાળવી શકાય.
ડીજીસીએના જણાવ્યા અનુસાર, મુસાફરોને તેમની પ્રવાસ આયોજનમાં ફેરફાર અથવા સુધારવાની યોગ્ય તક હોવી જોઈએ. આ પગલાથી ગ્રાહક અધિકારો મજબૂત થશે અને મુસાફરી ઉદ્યોગમાં પારદર્શિતા વધશે. ”
એરલાઇન્સ ટિકિટ રિફંડ ઝડપથી મળશે
નવી ગાઈડલાઈનમાં એરલાઈન્સને રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. એટલે કે જો ટિકિટ કેન્સલ થઈ જાય તો રકમ જલ્દી રિફંડ કરવી પડશે. ડીજીસીએ રિફંડની સમયમર્યાદા નક્કી કરવા પર પણ વિચાર કરી રહ્યું છે જેથી મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી ન પડે.





