Amazon $35B India Investment Plan 2030 : એમેઝોન એ ભારતમાં 35 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે એમેઝોન 2030 સુધીમાં ભારતમાં તેના બિઝનેસમાં 35 અબજ ડોલર (લગભગ 3.14 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. યુએસ ઇ કોમર્સ જાયન્ટ આ રકમનો ઉપયોગ 2030 સુધીમાં ભારતમાં તેની કામગીરીને વિસ્તૃત કરવા અને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષમતાઓને મજબૂત કરવા માટે કરશે.
એમેઝોન દ્વારા વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં તેની હાજરીને વધુ મજબૂત કરવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ટેક કંપનીએ તેની વાર્ષિક SMBhav સમિટ દરમિયાન ભારતમાં આગામી 5 વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જો ભારતીય ચલણમાં વાત કરીયે તો આ રકમ 3.14 લાખ કરોડ રૂપિયા જેટલી થાય છે. કંપનીએ આ કોન્ફરન્સમાં નાના ઉદ્યોગપતિઓ અને એમએસએમઇને એઆઈ ટૂલ્સ પ્રદાન કરવાની યોજના જણાવી હતી. 2013થી અત્યાર સુધીમાં ભારતમાં કુલ 40 અબજ ડોલર (લગભગ 3.59 લાખ રૂપિયા)નું રોકાણ કરવામાં આવ્યું છે. આમાં કર્મચારીઓના પગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઘણી દિગગ્જ અમેરિકન ટેક કંપનીઓએ ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે. જે દર્શાવે છે કે દેશ ક્લાઉડ, એઆઈ અને ડીપ ટેક ડેવલપમેન્ટ માટે વ્યૂહાત્મક હબ તરીકે ઉભરી રહ્યો છે.
એમેઝોનના ઇમર્જિંગ માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અમિત અગ્રવાલે કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “કંપનીએ 2030 સુધીમાં ભારતમાંથી નિકાસ લગભગ 20 અબજ ડોલરથી વધારીને 80 અબજ ડોલર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઉપરાંત કંપનીનું લક્ષ્ય 2030 સુધીમાં 10 લાખ વધારાની પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રેરિત અને સીઝનલ નોકરીઓનું સર્જન કરવાનું છે. ”
“અમે માળખાગત અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે રોકાણ કર્યું છે. આનાથી લાખો નોકરીઓનું સર્જન થયું છે અને દુનિયાભરમાં મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટનો ઍક્સેસ મળ્યો છે. અમે લાખો ભારતીયો માટે AIનું લોકશાહીકરણ કરીશું. ”
માઇક્રોસોફ્ટ 17.5 અબજ ડોલરનું રોકાણ કરશે
આ અગાઉ મંગળવારે (9 ડિસેમ્બર, 2025) માઇક્રોસોફ્ટે 2030 સુધીમાં ભારતમાં AI અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 17.5 અબજ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી હતી. એશિયામાં કંપનીનું આ સૌથી મોટું રોકાણ છે. આ પહેલા ગૂગલે જાહેરાત પણ કરી હતી કે એઆઈ ડેટા સેન્ટર બનાવવા માટે આગામી પાંચ વર્ષમાં 15 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 40 અબજ ડોલરનું રોકાણ
એમેઝોને કહ્યું કે આ રોકાણ એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં તેની હાજરીને વધુ મજબૂત કરવા માટે કરવામાં આવી રહ્યું છે. કંપની ભારતમાં સતત ખર્ચ વધારી રહી છે, જેથી વોલમાર્ટ સમર્થિત ફ્લિપકાર્ટ અને અબજોપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ સાથે સ્પર્ધા કરી શકાય.
યુએસ ઇ કોમર્સ જાયન્ટે 2010 થી તેના ભારતીય વ્યવસાયમાં 40 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. કંપનીએ 2023માં પણ દેશમાં પોતાની હાજરી મજબૂત કરવા માટે 26 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી.
ભારતમાં એમેઝોનની એન્ટ્રી
તમને જણાવી દઈએ કે એમેઝોને 2013માં ભારતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. 2024 સુધીમાં, કંપનીએ ઝડપી વૃદ્ધિ હાંસલ કરી છે. 2024 કી સ્ટોન સ્ટ્રેટેજી રિપોર્ટ અનુસાર, એમેઝોને 2.8 મિલિયન એટલે કે 28 લાખથી વધુ પ્રત્યક્ષ, પરોક્ષ, પ્રેરિત અને મોસમી નોકરીઓને ટેકો આપ્યો છે.
અત્યાર સુધીમાં ઈ-કોમર્સ દ્વારા ભારતમાંથી 20 બિલિયન ડોલર એટલે કે લગભગ 1 લાખ 79 હજાર કરોડ રૂપિયાની નિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ રોકાણ એમેઝોનની વૈશ્વિક વ્યૂહરચનાનો એક ભાગ છે, જે ભારતને સૌથી મોટા બજાર તરીકે જુએ છે. અગાઉ કંપનીએ લોજિસ્ટિક્સ અને ક્લાઉડ સર્વિસમાં ભારે રોકાણ કર્યું હતું, જે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી વધુ મજબૂત બનશે.





