Anant Ambani-Radhika Merchant Engaged : મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે પરંપરાગત વિધિ સાથે થઈ છે. ગોળ ધાણા ખવડાવી અને ચુંદડી વિધિ બાદ બંનેએ એકબીજાને રિંગ્સ પહેરાવી હતી. મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં અનંત અને રાધિકાની સગાઈ વિધિ કરવામાં આવી હતી. આ અવસર પર મુકેશ અંબાણીનો આખો પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.
ગોળ ધાણા અને ચુંદડી વિધિની વર્ષો જૂની પરંપરા પ્રમાણે સગાઇ કરી
ગુજરાતી પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ ધાણા અને ચુંદડી વિધિની વર્ષો જૂની પરંપરા પ્રમાણે સગાઇ કરી હતી. આ પછી બન્ને પરિવારોએ એકબીજાને ભેટ આપી હતી અને શુભેચ્છાઓની આપ-લે કરી હતી. નીતા અંબાણીની આગેવાનીમાં અંબાણી પરિવારના સભ્યો દ્વારા એક સરપ્રાઇઝ પર્ફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવ્યું હતું.
બંન્ને પરિવારો ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવવા માટે મંદિરમાં ગયા હતા. ત્યાંથી બધા સમારંભ સ્થળ પર ગયા અને ત્યારબાદ ગણેશ પૂજાથી કાર્યોની શરૂઆત કરી હતી.

આ પહેલા રોકા સેરેમની યોજાઇ હતી
અનંત અંબાણીની રોકા સેરેમની 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી. યુવા યુગલે આગામી સહજીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો.

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ પરિચય
અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારથી જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ પદો પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપે છે. તે હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.રાધિકા મર્ચન્ટની માતાનું નામ શૈલા મર્ચેન્ટ અને પિતાનું નામ વિરેન મર્ચન્ટ છે.