Anant Ambani Salary: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને મે 2025માં આરઆઇએલમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇડી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા જણાવ્યું છે કે અનંત અંબાણીને વાર્ષિક કેટલો પગાર મળશે. કંપનીએ કહ્યું કે દર વર્ષે તેમના પગારમાં કેટલો વધારો થશે, તેનો નિર્ણય કંપનીની HRNR કમિટી કરશે.
Anant Ambani Salary : અનંત અંબાણીને કેટલો પગાર મળશે?
એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર અનંત અંબાણીનો પગાર, સુવિધાઓ અને ભથ્થાં વાર્ષિક 10 કરોડ થી 20 કરોડ રૂપિયાની રેન્જમાં રહેશે. તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ચૂકવવામાં આવશે.
અનંત અંબાણીને પગાર ઉપરાંત મળશે આ ફાયદા
અનંત અંબાણીને તેમના પગાર ઉપરાંત રહેવા માટે ઘર અથવા હોમ રેન્ટ એલાઉન્સ, ઘરની જાળવણી, વીજળી, પાણી, ગેસ, ફર્નિશિંગ અને રિપેરિંગ ખર્ચ જેવી બાબતો માટે ચુકવણી, પરિવાર સાથે મુસાફરીનો ખર્ચ આપવામાં આવશે.
એક્સચેન્જ ફાઇલિંગમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિલાયન્સના તમામ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સને કુલ મળીને કંપની દર વર્ષે પગાર અને ભથ્થાના રૂપમાં તેના ચોખ્ખા નફાના માત્ર 1 ટકા જેટલી જ રકમ ચૂકવી શકે છે.
અનંત અંબાણી કેટલો ભણેલો છે?
મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ શાળાનું શિક્ષણ મુંબઈ માંથી જ મેળવ્યું છે. તેમણે શાળાકીય શિક્ષણ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. તેમણે અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અહીં તેમણે અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી.
મુકેશ અંબાણીની ઉત્તરાધિકાર યોજના
રિલાયન્સની ઉત્તરાધિકાર યોજના હેઠળ મુકેશ અંબાણીના ત્રણ બાળકો (આકાશ, ઈશા અને અનંત)ને અલગ અલગ બિઝનેસ કંપનીની જવાબદારી સોંપવામાં આવી છે. જેમા આકાશ અંબાણીની વાત કરીએ તો તેઓ જિયો ઇન્ફોકોમના ચેરમેન છે. રિલાયન્સ રિટેલ અને ઇ-કોમર્સની જવાબદારી ઇશા અંબાણીને સોંપવામાં આવી છે. તો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી એનર્જી અને કેમિકલ બિઝનેસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, અનંત અંબાણી કંપનીના મૂડી પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે જવાબદાર છે અને વિનાઇલ ચેઇન અને સ્પેશિયાલિટી પોલિએસ્ટર તેમજ નવી ઉર્જા ગીગાફેક્ટરીઓમાં ચાલી રહેલા O2C પ્રોજેક્ટ્સના આયોજન, અમલીકરણ અને દેખરેખમાં નજીકથી સંકળાયેલા છે. “પ્રોજેક્ટ્સની કાર્યક્ષમ ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે અંબાણી બહુવિધ વૈશ્વિક ટેકનોલોજી ભાગીદારો, પ્રોજેક્ટ ટીમો અને સ્થાનિક વહીવટીતંત્ર વચ્ચે સંપર્ક સાધવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે,” એમ તેમાં જણાવાયું છે.