/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Anil-Ambani-Ban-By-SEBI.jpg)
Anil Ambani : અનિલ અંબાણી. (Express File Photo by Sankhadeep Banerjee)
Anil Ambani Ban By SEBI: અનિલ અંબાણી સામે સેબીએ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય બજાર નિયામક સેબીએ મુકેશ અંબાણીના નાના ભાઇ અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ના ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 24 અન્ય લોકો પર કંપનીના ભંડોળના ગેરઉપયોગના મામલે 5 વર્ષ માટે મૂડીબજાર પર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ સેબીએ અનિલ અંબાણીને તોતિંગ 25 લાખ રૂપિયાનો દંડ ફટાકાર્યો છે.
અનિલ અંબાણી પર 5 વર્ષ માટે પ્રતિબંધ અને 25 કરોડ દંડ
અનિલ અંબાણીને સેબીએ 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સોનલ (KMP) અથવા બજાર નિયામકમાં રજિસ્ટર્ડ કોઈપણ ઇન્ટરમીડિયેટર સહિત સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ પર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સાથે સંકળાયેલા રહેવાથી રોક્યા છે. સેબીએ અનિલ અંબાણી સહિત અન્ય 24 એન્ટિટીને કુલ દંડ રૂ. 625 કરોડથી વધુ દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત સેબીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર સિક્યોરિટી માર્કેટમાં 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે અને કંપનીને પણ 6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોતાના 222 પાનાંના અંતિમ આદેશમાં સેબીએ નોંધ્યું કે અનિલ અંબાણીએ, RHFLના મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી, RHFL પાસેથી ભંડોળને તેની સંલગ્ન સંસ્થાઓને લોન તરીકે છૂપાવીને ડાઇવર્ટ કરવાનું કપટપૂર્ણ કાવતરું ઘડ્યું હતું.
કામગીરીની પદ્ધતિમાં મોટી ચૂક
રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડ (RHFL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જારી કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા હાથ ધરી હતી, તેમ છતાં કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. સેબીના જણાવ્યા અનુસાર, આ બાબતે દર્શાવે છે કે કામકાજની પદ્ધતિમાં મોટી ચૂક હતી, જે અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anil-AmBani-Tina-Ambani-Family.jpg)
ખોટી રીતે લોન વિતરણ કર્યું
સેબીએ કહ્યું કે, આ ઉપરાંત, અન્ય એન્ટિટીએ કાં તો ખોટી રીતે લોનના પ્રાપ્તકર્તા બનવાની ભૂમિકા કે RHFLમાંથી નિયમ વિરુદ્ધ ફંડ ડાયવર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં ભૂમિકા ભજવી હતી. સેબીએ જણાવ્યું હતું કે તેના તારણો મુજબ છેતરપિંડીનું એક ષડયંત્ર નોટિસ નંબર 2 (અનિલ અંબાણી) દ્વારા ઘડવામાં આવ્યું હતું અને RHFL ના KMP દ્વારા તેને પાર પાડવામાં આવ્યું હતું.
નાણાકીય ભંડોળનો દુરુપયોગ
આ ષડયંત્ર મારફતે પબ્લિક લિસ્ટેડ કંપની (RHFL) માંથી નાણાકીય ભંડોળની હેરાફેરી કરવામાં આવી હતી અને એવા અયોગ્ય ઋણધારકોને Loans તરીકે આપવામાં આવ્યું હતું જે નોટિસ સંખ્યા 2 (અનિલ અંબાણી) સાથે સંબંધિત સંસ્થાઓના પ્રમોટર હોવાનું જાણવા મળ્યું હતું. અનિલ અંબાણીએ છેતરપિંડી આચરવા માટે ADA ગ્રૂપના ચેરમેન તરીકેના તેમના હોદ્દા અને RHFLની હોલ્ડિંગ કંપનીમાં તેમના નોંધપાત્ર અપ્રત્યક્ષ શેરહોલ્ડિંગનો ઉપયોગ કર્યો હતો.
મેનેજમેન્ટ અને પ્રમોટરનું બેદરકાર વલણ
સેબીએ પોતાના આદેશમાં કંપની મેનેજમેન્ટ અને પ્રમોટરોના બિનજવાબદાર વલણને ટાંક્યું હતું, જેના હેઠળ તેઓએ એવી કંપનીઓને મોટી સંખ્યામાં કરોડ રૂપિયાની લોન મંજૂર કરી હતી કે જેની પાસે સંપત્તિ, રોકડ પ્રવાહ, 'નેટ વર્થ' કે આવક ન હતી. આદેશ અનુસાર, તેનાથી સ્પષ્ટ થાય છે કે, લોન પાછળ કોઈક ગુપ્ત હેતુ હતો. સેબીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ વધુ શંકાસ્પદ બની જાય છે જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આમાંના ઘણા ઋણ લેનારાઓ આરએચએફએલના પ્રમોટરો સાથે નજીકથી સંકળાયેલા છે.
RHFL નાદાર થઇ
સેબીના જણાવ્યા મુજબ, આખરે આમાંના મોટાભાગના ઋણ લેનારાઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે RHFL પોતાની લોન જવાબદારી પર ડિફોલ્ટ થયું હતું. આના કારણે RBI ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન થયું અને તેના જાહેર શેરધારકોને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂક્યા. ઉદાહરણ તરીકે, માર્ચ 2018 માં, RHFL ના શેરની કિંમત 59.60 રૂપિયાની આસપાસ હતી. માર્ચ 2020 સુધીમાં, જ્યારે છેતરપિંડીની હદ સ્પષ્ટ થઈ ગઈ અને કંપનીના સંસાધનો ખતમ થઈ ગયા, ત્યારે શેરની કિંમત ઘટીને માત્ર 0.75 રૂપિયા થઈ ગઈ. અત્યારે પણ નવ લાખથી વધુ લોકોએ RHFLમાં રોકાણ કર્યું છે અને તેઓને ભારે નુકસાન થઈ રહ્યું છે.
સેબી દ્વારા 24 વ્યક્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
સેબી દ્વારા અનિલ અંબાણી સહિત જે 24 લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમા રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના પૂર્વ મુખ્ય અધિકારી અમિત બાપના, રવિન્દ્ર સુધલકર અને પિંકેશ આર શાહનો સમાવેશ થાય છે. આ કેસમાં તેમની ભૂમિકા બદલ સેબીએ તેમને પર દંડ પણ ફટકાર્યો છે. સેબીએ અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયા, અમિત બાપનાને 27 કરોડ રૂપિયા, રવિન્દ્ર સુધલકરને 26 કરોડ રૂપિયા અને પિંકેશ શાહને 21 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે.
આ ઉપરાંત, રિલાયન્સ યુનિકોર્ન એન્ટરપ્રાઈઝ, રિલાયન્સ એક્સચેન્જ નેક્સ્ટ એલટી, રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ, રિલાયન્સ ક્લીન્જેન લિમિટેડ, રિલાયન્સ બિઝનેસ બ્રોડકાસ્ટ ન્યૂઝ હોલ્ડિંગ્સ લિમિટેડ અને રિલાયન્સ બિગ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સહિત અન્ય એન્ટિટીઓને 25 - 25 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us