Anil Ambani Summons By ED : અનિલ અંબાણીની મુશ્કેલી સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને કથિત બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં આવતા અઠવાડિયે ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સૂત્રોએ આ માહિતી આપી છે.
આ પહેલા એજન્સીએ ઓગસ્ટમાં 66 વર્ષીય ઉદ્યોગપતિની પૂછપરછ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) માં કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને 14 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. એજન્સીએ તાજેતરમાં અંબાણીની ગ્રુપ કંપનીઓ વિરુદ્ધ તપાસ હેઠળ 3000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.
ઇડી દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી કાર્યવાહી બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જેમાં એજન્સીએ અનિલ અંબાણી અને તેમની કંપનીઓ સાથે સંબંધિત 42 થી વધુ સંપત્તિઓને અસ્થાયી જપ્ત કરી છે. આ સંપત્તિની અંદાજિત કિંમત 3,083 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. આ તપાસ રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (એડીએજી) ની કંપનીઓ સાથે સંબંધિત કથિત નાણાકીય ગેરરીતિઓના કેસનો એક ભાગ છે.
ઇડીના જણાવ્યા અનુસાર, તપાસમાં બહાર આવ્યું છે કે ADAG ગ્રૂપની ઘણી કંપનીઓ જેવી કે – રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (RCOM), રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL), રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL), રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (R Infra) અને રિલાયન્સ પાવર લિમિટેડ એ જાહેર નાણાંના છેતરપિંડી ડાયવર્ઝનમાં ભૂમિકા ભજવી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે યસ બેંકે એડીએજી કંપનીઓમાં રોકાણ કર્યું તે પહેલાં, તેને રિલાયન્સ નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડ પાસેથી મોટી રકમ મળી હતી. જો કે, સેબીના નિયમો હેઠળ, આ મ્યુચ્યુઅલ ફંડ સીધું રોકાણ કરી શકતું ન હતું અથવા અંબાણી જૂથની ફાઇનાન્સ કંપનીઓને ભંડોળ ટ્રાન્સફર કરી શકતું ન હતું કારણ કે તે હિતોના ટકરાવ તરફ દોરી જતું હતું.
ઇડીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “એજન્સીને પૂર્વનિર્ધારિત લાભાર્થીઓ, નકલી દસ્તાવેજો, નિયમ ઉલ્લંઘન અને મંજૂરી પહેલાં કરવામાં આવેલા ભંડોળના વ્યવહારો જેવી ગેરરીતિઓની પેટર્ન મળી આવી છે. આ સમગ્ર નેટવર્ક દ્વારા, એકબીજા સાથે જોડાયેલી કંપનીઓના નેટવર્ક દ્વારા લોકોના નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. ”





