CBI Files Case Against Jai Anmol Ambani : અનિલ અંબાણી બાદ તેના પુત્ર જય અનમોલ અંબાણી સામે પણ સીબીઆઈ એ બેંક છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) એ જય અનમોલ વિરુદ્ધ ‘યુનિયન બેંક ઓફ ઈન્ડિયા’ સાથે 228.06 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી મામલે કેસ નોંધ્યો છે. આ એફઆઈઆરમાં રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (આરએચએફએલ) નું નામ પણ છે. માહિતી મુજબ, આ કથિત છેતરપિંડીથી સરકારી બેંકને લગભગ 228 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ એજન્સીના અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.
તપાસ એજન્સીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ, જય અનમોલ અંબાણી અને રવિન્દ્ર શરદ સુધાકર વિરુદ્ધ બેંક (અગાઉ આંધ્ર બેંક) તરફથી મળેલી ફરિયાદ પર આ કાર્યવાહી કરી છે. જય અનમોલ અંબાણી અને રવિન્દ્ર શરદ સુધાકર RHFLમાં ડિરેક્ટર છે.
પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, વ્યવસાય સંબંધિત જરૂરિયાતો માટે, કંપનીએ બેંકની મુંબઈ સ્થિત એસસીએફ શાખામાંથી 450 કરોડ રૂપિયાની ક્રેડિટ લિમિટ ફેસેલિટીનો લાભ લીધો હતો.
પોલીસ FIRમાં જણાવાયું છે કે, બેંકે નાણાકીય શિસ્ત જાળવવાની શરત રાખી હતી, જેમાં સમયસર ચુકવણી, વ્યાજ અને અન્ય ચાર્જની ચુકવણી, સમયસર જામીનગીરીની સ્થિતિ અને અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને વેચાણની સંપૂર્ણ રકમ બેંક ખાતા દ્વારા મોકલવાનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપની બેંકને લોનના હપ્તા ચૂકવવામાં નિષ્ફળ ગઈ હતી. અને તેથી તે લોન એકાઉન્ટને 30 સપ્ટેમ્બર, 2019 ના રોજ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.
રિલાયન્સમાં જય અનમોલ અંબાણીની એન્ટ્રી
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણીએ મુંબઈની જોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે વોરવિક બિઝનેસ સ્કૂલમાંથી બીએસસી કર્યું હતું.
મળતી માહિતી મુજબ જય અનમોલ અંબાણીની પ્રોફેશનલ જર્ની 18 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. તેમણે રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ટર્નશિપ કરી હતી. આ પછી, 2014માં તે કંપનીમાં જોડાયા અને રિલાયન્સ ગ્રુપ સાથે સત્તાવાર રીતે કામ કરવાનું શરૂ કર્યું. 2017માં તેમને રિલાયન્સ કેપિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. એપ્રિલ 2018માં તેઓ રિલાયન્સ નિપ્પોન અને રિલાયન્સ હોમમાં જોડાયા હતા.





