Asia richest Village Madavag : ભારતના હિમાચલ પ્રદેશનું એક એવું ગામ છે જ્યાં તમામ પરિવાર કરોડપતિ છે. આ પરિવારો કોઈ સોના-ચાંદી કે હીરાના વેપારી નથી, પરંતુ ખેડૂતો છે. જેમણે પોતાની મહેનત અને સૂઝબુઝથી ઉચ્ચ ક્વોલિટીના સફરજનની ખેતી કરી અને અત્યારે લક્ઝરી લાઈફસ્ટાઈલથી જીવે છે. અમે વાત કરી રહ્યા છીએ હિમાચલ પ્રદેશના મડાવગ ગામની, જે આજે એશિયાનું સૌથી પૈસાદાર ગામ બની ગયું છે.
એશિયાનું સૌથી પૈસાદાર ગામ મડાવગ ક્યાં આવ્યું?
એશિયાનું સૌથી પૈસાદાર ગામ મડાવગ હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લા ચૌપાલ તાલુકામાં આવેલું છે, જે શિમલાથી 90 કિમી દુર છે.
મડાવગ ગામના લોકોની લાઈફસ્ટાઈલ
મડાવગ ગામમાં લગભગ 230 પરિવાર રહે છે. આ ગામમાં દરેકના ઘરે તમને મોંઘીદાટ લક્ઝરી કાર અને મોટા મોટા બંગલા જોવા મળશે. ઘરમાં તમામ પ્રકારની લક્ઝરી સગવડ જોઈ તમે પણ અચરજમાં પડી જશો, કારણ કે અહીં રહેતા તમામ પરિવાર કરોડપતિ છે.
મડાવગના ખેડૂતોની વાર્ષિક આવક
મડાવગ ગામના ખેડૂતો ઉચ્ચ ક્વોલિટીના સફરજનની ખેતી કરે છે. અહીં 230 પરિવાર રહે છે. તમામ લોકો સફરજનની ખેતીથી વાર્ષિક 150થી 175 કરોડના સફરજનનું વેચાણ કરે છે. અહીં તમામ પરિવારની વાર્ષિક આવક 35 લાખથી લઈ 80 લાખ છે.
મડાવગ ગામમાં સફરજનની ખેતીનો ઈતિહાસ
હિમાચલ પ્રદેશના મડાવગ ગામમાં 1953-54 પહેલા ગામના ખેડૂતો બટાકાની ખેતી કરતા હતા. ચઈયાં રામ મેહતા નામના ખેડૂતે સફરજનની ખેતી શરૂ કરી હતી. બુદ્ધિસિંહ અને કાનાસિંહ ડોગરાના સલાહ સૂચન હેઠળ ચઈયા રામ મેહતાએ સફરજનની બાગાયતી ખેતીનો બાગ લગાવ્યો. તેઓ સફળ રહ્યા અને સારી આવક થવા લાગી, ત્યારબાદ ગામના અન્ય કેડૂતો પણ ચઈયાીં રામ મેહતાના માર્ગદર્શન હેઠળ સફરજનની ખેતી કરવા લાગ્યા, લગભગ 1980 સુધીમાં ગામના તમામ ખેડૂત પરિવાર સફરજનની ખેતી સાથે જોડાઈ ગયા, અને આજે તમામ પરિવારનું નશિબ ચમકી ગયું છે.
મડાવગના સફરજનની દેશમાં જ વિદેશમાં પણ ખૂબ માંગ
મડાવગના ખેડૂતોએ પોતાની મહેનતથી ઉચ્ચ ક્વોલિટીના સફરજનની ખેતી કરી, આજે વિશ્વમાં આ ગામના સફરજનની ખુબ માંગ છે અને લોકો પસંદ કરે છે. અહીંના ખેડૂતો અત્યારે હાઈ ડેન્સિટી પ્લાટેશન (HDP) જેવી આધુનિક ટેક્નોલોજી સાથે સફરજનની ખેતી કરી રહ્યા છે.
આ પણ વાંચો – ઓછી જમીનમાં કરોડોની કમાણી? આ ખેતી કરી દો, સાત પેઢી તરી જશે, ગુજરાત સરકાર પણ કરશે મદદ
મડાવગ પહેલા ક્યારી ગામ એશિયાનું સૌથી ધનવાન ગામ હતું
મડાવગ પહેલા શિમલા જિલ્લાનું ક્યારી ગામ એશિયાનું સૌથી પૈસાદાર ગામ કહેવાતું હતું. આ ગામે પણ આ નામના સફરજનની ખેતી જ પ્રાપ્ત કરી હતી. હવે મડાવગ ગામ ગામ એશિયાનું સૌથી ધનિક ગામ બની ગયું છે. હાલમાં મડાવગની નજીકનું દશોલી ગામ પણ સફરજનની ઉચ્ચ ક્વોલિટીવાળા સફરજનની ખેતી માટે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. દશોલી ગામના 12-13 પરિવાર દેશમાં સૌથી ઉચ્ચ ક્વોલિટીના સફરજન પેદા કરી રહ્યા છે. દશોલી ગામનો એક નાનો સફરજનનો બાગ પણ 800થી 1000 પેટી સફરજનનું ઉત્પાદન કરી રહ્યો છે, જ્યારે મોટો બાગ તો 12 હજારથી 15 હજાર પેટી સફરજન પેદા કરી રહ્યો છે.





