Top 5 Best Selling Cars June 2025: જૂન મહિનો કાર સેગમેન્ટ માટે ઘણો ઉતાર ચડાવ ભર્યો સાબિત થયો છે, જેમાં કોઇ કારે મે મહિનામાં વેચાણમાં થયેલા ઘટાડાને કવર કરીને કમબેક કર્યું છે, જ્યારે કોઇ કારે તેની હાલની સ્થિતિ ગુમાવી દીધી છે. હ્યુન્ડાઇ ક્રેટાએ જૂન મહિનામાં મોટો ફાયદો કર્યો છે. મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી અને સૌથી સફળ સેડાન ડિઝાયરને પછાડીને ક્રેટા જૂન મહિનાની સૌથી વધુ વેચાતી એસયુવી બની છે.
હ્યુન્ડાઇ ક્રેટા
ક્રેટા મે 2025 માં 14,860 યુનિટ સાથે ચોથા સ્થાને સરકી ગઈ હતી પરંતુ તે તેની કેટેગરીમાં સૌથી વધુ વેચાતી એસયુવી રહી હતી. જૂનમાં હ્યુન્ડાઈએ કોઈ કસર છોડી ન હતી અને ડિઝાયર પાસેથી નંબર વનનું સ્થાન આંચકી લીધું હતુ. જૂનમાં ક્રેટાની 15,786 યુનિટનું વેચાણ થયું છે. આ તફાવત સાધારણ હોવા છતાં દક્ષિણ કોરિયાની કંપની માટે તે નોંધપાત્ર હતો. જોકે વર્ષ-દર-વર્ષની તુલનામાં ક્રેટાના વેચાણમાં 3% નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને જૂન 2024 માં 16,293 યુનિટ્સનું વેચાણ થયું હતું.
મારુતિ સુઝુકી ડિઝાયર
ડિઝાયર તમામ અવરોધોને પાર કરીને બજારમાં ટોચના બે વાહનોમાંથી એક બની રહી છે. સેડાનની સીધી હરીફ એવી કોમ્પેક્ટ એસયુવીની દુનિયામાં ડિઝાયરે 15,484 યુનિટ્સનું વેચાણ કરીને અને વાર્ષિક ધોરણે 15 ટકાની જંગી વૃદ્ધિ નોંધાવીને તેના હરીફોને પાછળ છોડી દીધા હતા. જૂન 2024માં તેણે 13,421 યુનિટનું વેચાણ કર્યું છે.
મારુતિ સુઝુકી બ્રેઝા
કોમ્પેક્ટ એસયુવીની વાત કરવામાં આવે તો મારુતિ સુઝુકી બ્રેઝા આગળ છે, જેણે 14,507 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ભારતની નંબર વન કાર ઉત્પાદક કંપની માટે આ વધુ એક મોટો ફાયદો છે કારણ કે બ્રેઝાએ વાર્ષિક ધોરણે 10 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જૂન 2024 માં તેણે 13,172 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. બ્રેઝા મે મહિનામાં પણ ત્રીજા ક્રમે રહી હતી અને તેણે 15,556 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
આ પણ વાંચો – બજાજે બે નવા બાઇક લોન્ચ કર્યા, દમદાર છે લૂક, જાણો કિંમત અને ફિચર્સ
મારુતિ સુઝુકી અર્ટિગા
અર્ટિગા એકમાત્ર એમપીવી છે જે ટોચના 5ની યાદીમાં સ્થાન ધરાવે છે અને 14,151 યુનિટ્સનું વેચાણ થયું છે, પરંતુ તેમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2024માં તેણે 15,902 યુનિટનું વેચાણ કર્યું હતું. મારુતિ સુઝુકી એમપીવી માટે મે મહિનો ઘણો સારો સાબિત થયો, કારણ કે તેમાં 16,140 યુનિટનું વેચાણ થયું હતું.
મારુતિ સુઝુકી સ્વિફ્ટ
સ્વિફ્ટ મહિન્દ્રા સ્કોર્પિયોને પછાડીને ફરી ટોપ 5ની યાદીમાં આવી ગઇ છે. આ હેચબેકનું વેચાણ જૂનમાં 13,275 યુનિટનું રહ્યું હતું, જે ગયા વર્ષની સરખામણીએ 19 ટકા ઓછું છે. સ્વિફ્ટ મે મહિનામાં 14,135 યુનિટ સાથે સૌથી વધુ વેચાતી છઠ્ઠી કાર હતી.