દેશમાં અવારનવાર નાણાકીય છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. આવી છેતરપિંડી તમારી સાથે થઈ શકે છે અને તે જાણવા માટેના સૌથી સત્તાવાર અને હાથવાગ ડોક્યુમેન્ટ છે તમારું બેંક સ્ટેટમેન્ટ છે. બેંક સ્ટેટમેન્ટ એ તમારા બેંક એકાઉન્ટમાં થયેલી નાણાંકીય જમા-ઉપાડનો રેકોર્ડ છે. ધારો કે તમે કોઈ ચોક્કસ તારીખે તમારા ખાતામાં પૈસા જમા કરાવ્યા છે અને ભવિષ્યમાં ફરીથી ટ્રાન્ઝેક્શન જોવા માંગો છો, તો આ માટે તમારે બેંક સ્ટેટમેન્ટ ચેક કરવું પડશે. હવે પ્રશ્ન એ છે કે તમારે તમારું બેંક સ્ટેટમેન્ટ કેટલી વાર તપાસવું જોઈએ? જવાબ એ છે કે તમારે દર મહિને ઓછામાં ઓછું એકવાર તમારું બેંક સ્ટેટમેન્ટ તપાસવું જોઈએ. ચાલો જાણીયે તમારે દર મહિને બેંક સ્ટેટમેન્ટ કેમ તપાસવું જોઈએ.
ભવિષ્યની મૂંઝવણોને ટાળવા
ઘણીવાર લોકો ઉતાવળમાં પૈસા ખર્ચી નાખે છે અને થોડા અઠવાડિયા કે મહિનાઓ પછી પૈસા ક્યાં ખર્ચવામાં આવ્યા તે શોધવાનું મુશ્કેલ બની જાય છે. બેંક સ્ટેટમેન્ટ નિયમિતપણે તપાસવાની આદત તમને દરેક નાણાંકીય લેવડ-દેવડનો ચોખ્ખો હિસાબ રાખવામાં મદદ કરી શકે છે. આ આદત તમને ભવિષ્યની ઘણી મૂંઝવણોમાંથી બચાવી શકે છે. ધારો કે તમે સોનાના દાગીના ખરીદ્યા છે, તો તમે આવા ટ્રાન્ઝેક્શન પર એક નાની નોંધ લખી શકો છો કારણ કે,જો ભવિષ્યમાં તમને ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી કોઈ પુછપરછ આવે તો તેનો જવાબ આપવામાં મદદ કરી શકે છે.
બેંકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ પર નજર રાખવા
બેંકો વિવિધ પ્રકારની સેવાઓ અને ટ્રાન્ઝેક્શન પર ચોક્કસ રકમ ચાર્જ તરીકે વસૂલે છે જેના વિશે કદાચ તમને માહિતી પણ હોતી નથી. ઉદાહરણ તરીકે, કેટલીક બેંકો ફિઝિકલ એકાઉન્ટની ડિટેલ્સ, ડુપ્લિકેટ પાસબુક ઇશ્યૂ, વાર્ષિક ડેબિટ કાર્ડ વગેરે માટે ચોક્કસ ચાર્જ ખાતામાં રહેલી જમા રકમમાંથી ઓટોમેટિક કાપી લે છે. જ્યાં સુધી તમે તમારા બેંક ખાતાની વિગતો નહીં વાંચો ત્યાં સુધી આવા ચાર્જની જાણકારી નહીં મળે.
છેતરપિંડી ટાળવા માટે અસરકારક શસ્ત્ર
દેશમાં નાણાકીય છેતરપિંડીની ઘણી ઘટનાઓ બને છે. બેંક ખાતાની વિગતો એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેનો ઉપયોગ આવી છેતરપિંડીના પુરાવા તરીકે થઈ શકે છે. તમે તમારા એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ ચેક કરીને છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શને સરળતાથી શોધી શકો છો. તમારે આવા નાણાંકીય ફ્રોડની જાણ થતાં જ તમારી બેંકને સૂચના આપવી જોઈએ.
રોકાણમાં મદદરૂપ
કોઇ વ્યક્તિના એક થી વધારે બેંક એકાઉન્ટ હોઈ શકે છે અને તેમની સાથે ઘણા ફાયદાઓ પણ મેળવી શકો છો. પરંતુ શું તમને ખબર છે કે તમે દરેક ખાતામાં દર મહિને કેટલા પૈસા રાખો છો? દર મહિને બેંક ખાતું તપાસવાથી તમને દરેક ખાતામાં રહેલું બેલેન્સ જાણવામાં મદદ મળી શકે છે. ઉપરાંત તમારા નિષ્ક્રિય નાણાંનું ક્યાંક રોકાણ કરીને, તમે તમારા સેવિંગ એકાઉન્ટ કરતાં વધુ રિટર્ન મેળવી શકો છો.
ખર્ચ ઉપર નજર રાખવા
જો તમારી આવક સારી હોવા છતાં બચત કરવામાં અસમર્થ છો, તો તમારું બેંક સ્ટેટમેન્ટ તમને તેનું કારણ શોધવામાં મદદ કરી શકે છે. તમારે ફક્ત તમારા બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ પર તમામ ડેબિટ ટ્રાન્ઝેક્શનને ચિહ્નિત કરવાની અને બિનજરૂરી ખર્ચાઓ દૂર કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, તમે સરળતાથી તમારા બેંક સ્ટેટમેન્ટ પર રેસ્ટોરન્ટનું બિલ, ઓનલાઈન શોપિંગ વગેરે જેવા ખર્ચાઓને માર્ક કરો અને આવી રીતે તમે તમારા ખર્ચમાં ઘટાડો કરી શકો છો.