Bank Deposit Insurance Coverage Limit : બેંક મહેનતની કમાણી સુરક્ષિત રાખવાનો સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. જ્યારે જરૂર હોય ત્યારે બેંક એટીએમ માંથી રોકડ રકમ ઉપાડી શકાય છે. ઉપરાંત બેંક એફડી કરાવી આકર્ષક વળતર પણ મેળવી શકાય છે. શું તમારા મનમાં ક્યારેય આવો સવાલ થયો છે જો બેંક નાદાર / ફડાચમાં જાય અથવા બેંક બંધ થાય તો તમારા જમા પૈસા પરત મળે કે નહીં? કેટલા મળે? ચાલો જાણીયે
બેંકમાં રાખેલા પૈસા કેટલા સુરક્ષિત છે?
બેંકમાં રાખેલા પૈસા સુરક્ષિત માનવામાં આવે છે. દેશમાં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ (RBI) દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર બેંકની કામગીરી થાય છે. આમ બેંકમાં રાખેલા પૈસા એકંદરે સુરક્ષિત માનવામાં આવે છે. જો કે ઘણી વખતે કેટલાક કારણોસર બેંક ફડાચામાં કે બેંક ઉઠી જવાના સમાચાર આવે છે. આવી સ્થિતિમાં બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર ફડચામાં ગયેલી બેંકના થાપણદરોની મહામૂલી બચતની સુરક્ષા કરે છે. DICGC બેંકોની થાપણને વીમા કવચ પુરું પાડે છે.
DICGC શું? અને કેવી રીતે કામ કરે છે?
DICGCનું પુરું નામ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન છે, જેની સ્થાપના વર્ષ 1978માં મુંબઇમાં કરવામાં આવી હતી. DICGC દેશભરી બેંકોમાં જમા થાપણોને વીમા સુરક્ષા કવચ પુરું પાડે છે. આ માટે તમામ બેંકો પાસેથી નિર્ધારિત વીમા પ્રીમિયમ પણ વસૂલે છે. વર્તમાનમાં 100 રૂપિયા જમા થાપણ પણ 0.12 ટકા વીમા પ્રીમિયમ વસૂલે છે. આ રકમ માંથી તે બેંકોની વીમા સુરક્ષા કવચ પુરું પાડે છે.
બેંક ફડચામાં જાય તો થાપણદારને કેટલી રકમ મળે?
બેંક ફડચામાં જાય તો થાપણદારોને તેમના પૈસા પરત કરવાની જવાબદારી DICGCની હોય છે. હાલ DICGC તરફથી બેંક ફડચામાં જાય તો, એક બેક ખાતાધારકને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે, જે 1 એપ્રિલ 2020થી લાગુ થઇ છે. તેની અગાઉ 27 વર્ષ સુધી માત્ર 1 લાખ રૂપિયા સુધીની બેંક થાપણને વીમા સુરક્ષા કવચ મળતું હતું. એટલે કે હાલ નાદારી કે ફડચામાં જવાની કિસ્સામાં બેંકોમાં જમા 5 લાખ રૂપિયા સુધીની થાપણ પરત મળી શકે છે. તેમા બચત ખાતું, ચાલુ ખાતું, FD, રિકરિંગ ડિપોઝિટ સહિત તમામ પ્રકારની જમા બેંક થાપણ પર કુલ મળીને લાગુ થાય છે.
બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર લિમિટ વધારવા માંગ
હાલ બેંક ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કવર લિમિટ વધારવા માંગ થઇ રહી છે. અત્યાર સુધી બેંક થાપણ વીમા રકમ વધારવા વિશે કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી.





