Banks Deposit Growth are Slowing | બેંકોની થાપણની વૃદ્ધિ ધીમી પડી રહી છે : શું તમે જાણો છો કે છેલ્લા કેટલાક મહિનામાં બેંકિંગ ક્ષેત્ર શા માટે ધીમી વૃદ્ધિનો અનુભવ કરી રહ્યું છે? હા, છેલ્લા કેટલાક મહિનામાં ક્રેડિટની સરખામણીમાં બેંકોમાં જમા રકમમાં ઘટાડો થયો છે, એટલે કે, સરળ શબ્દોમાં કહીએ તો, લોકોએ બેંકો પાસેથી ઉધાર લીધું પરંતુ, તેમની બચત એટલે કે પૈસા જમા કરાવ્યા નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના તાજેતરના ડેટા અનુસાર, જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં થાપણોમાં 11.7 ટકાનો વધારો થયો છે, જ્યારે બેંક ક્રેડિટમાં 15 ટકાનો વધારો થયો છે.
ડિપોઝીટ એટલે કે, ગ્રાહકો તેમના બેંક ખાતામાં જે રકમ રાખે અને તેમને તેના પર વ્યાજ મળે છે. જ્યારે ક્રેડિટનો અર્થ છે, બેંક આ રકમ ગ્રાહકોને લોન તરીકે આપે છે અને તેના પર વ્યાજ વસૂલે છે. છેલ્લા કેટલાક મહિનામાં ડિપોઝિટ અને ક્રેડિટમાં મોટી ગેપ છે. આ વધતા તફાવતે સરકાર અને આરબીઆઈને ચિંતામાં મૂકી દીધા છે. બંનેએ બેન્કોને નવીન ઉત્પાદનો દ્વારા થાપણો પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. આવો અમે તમને જણાવીએ કે, જમા અને ધિરાણ વચ્ચેનું આ અંતર કેમ વધી રહ્યું છે અને તેનો ઉકેલ લાવવા માટે બેંકો શું કરી રહી છે.
નબળી ડિપોઝિટ વૃદ્ધિ
જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેંકની થાપણો 11.7 ટકા હતી. 1 જુલાઈ, 2023ના રોજ HDFC બેંક સાથે HDFC લિમિટેડના મર્જર પછી આ કુલ રકમ હતી. એચડીએફસીના આ મર્જરની અસર એ હતી કે, જૂન 2004માં ડિપોઝિટ વૃદ્ધિ વધીને 12.2 ટકા થઈ ગઈ.
બીજી બાજુ, બંનેના મર્જર પછી, જૂન 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં બેંક ક્રેડિટ ગ્રોથ 15 ટકા રહ્યો હતો. આ આંકડો ઉચ્ચ ક્રેડિટ-ડિપોઝીટ ગેપ દર્શાવે છે.
તાજેતરના આરબીઆઈના ડેટા, 9 ઓગસ્ટના રોજ અંદાજવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે, બેંક ધિરાણ વૃદ્ધિ થાપણ વૃદ્ધિ કરતાં આગળ વધી રહી છે અને 14 ટકાની વૃદ્ધિ થઈ છે. જ્યારે થાપણ વૃદ્ધિ માત્ર 11 ટકા વધી છે.
મૂડી બજાર પ્રવૃત્તિની ભૂમિકા શું છે?
બેંકોમાં નીચી ડિપોઝીટ ગ્રોથનું સૌથી મોટું કારણ એ છે કે, લોકો તેમની બચત બેંકોને બદલે મૂડીબજારમાં (મ્યુચ્યુઅલફંડ) માં રોકાણ કરે છે.
કોવિડ-19 મહામારી પછી, ભારતીય મૂડી બજારમાં પ્રત્યક્ષ (ડાયરેક્ટ ટ્રેડિંગ) અને પરોક્ષ (મ્યુચ્યુઅલ ફંડ રૂટ) ચેનલો દ્વારા છૂટક પ્રવૃત્તિમાં ભારે વધારો નોંધાયો છે. ઊંચા વળતર અને બહેતર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રોકાણ કરવું હવે ખૂબ જ સરળ બની ગયું છે. દરેક હાથમાં સ્માર્ટફોન સાથે, વધુ છૂટક રોકાણકારો હવે મૂડીબજાર (મ્યુચ્યુઅલફંડ) માં જાતે પ્રવેશ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીયોએ તેમની સ્થાનિક બચતનું મૂડીબજારમાં રોકાણ કર્યું છે. આર્થિક સર્વેક્ષણ 2023-24 અનુસાર, નાણાકીય વર્ષ 2024 માં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (CDSL) માં ડીમેટ ખાતાઓની સંખ્યા વધીને 15.14 કરોડ થઈ ગઈ છે. જ્યારે નાણાકીય વર્ષ 2023માં આ આંકડો 11.45 કરોડ હતો.
રિટેલ રોકાણકારો હવે પરોક્ષ ચેનલ એટલે કે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધુ સારું વળતર મેળવી રહ્યા છે. 31 જુલાઈ, 2024ના રોજ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની નેટ એયુએમ (સંચાલન હેઠળની સંપત્તિ) 6.23 ટકા વધીને રૂ. 64.97 લાખ કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે. મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં હાલમાં 9.33 કરોડ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) એકાઉન્ટ્સ છે, જેના દ્વારા રોકાણકારો નિયમિતપણે યોજનાઓમાં રોકાણ કરે છે.
થાપણો ઘટવાથી ચિંતા
જુલાઈ 2024 માં, RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, જે ઘરો અને ગ્રાહકો તેમના પૈસા રાખવા અથવા રોકાણ કરવા માટે પરંપરાગત રીતે બેંકો પર નિર્ભર છે, તેઓ હવે વધુને વધુ મૂડી બજાર (મ્યુચ્યુઅલફંડ) અથવા અન્ય નાણાકીય મધ્યસ્થી દ્વારા તેમની બચતનું રોકાણ કરી રહ્યા છે.
દાસે જણાવ્યું હતું કે, ‘સામાન્ય લોકોની બચતમાં હજુ પણ બેંક ડિપોઝિટનો સૌથી મોટો હિસ્સો છે, પરંતુ હવે આ વર્ચસ્વ ધીમે-ધીમે ઘટી રહ્યું છે કારણ કે પરિવારો તેમની બચતને મ્યુચ્યુઅલ ફંડ, વીમા ફંડ અને પેન્શન ફંડમાં વધુને વધુ ફાળવી રહ્યાં છે.’
આરબીઆઈ ગવર્નરે બેંકો પર ભાર મૂક્યો કે, તેઓ તેમના બ્રાન્ચ નેટવર્કનો લાભ ઉઠાવે અને વધુને વધુ નાણાં એકત્ર કરવા માટે નવી નવીન પ્રોડક્ટ્સ લાવે.
તમને જણાવી દઈએ કે, ગયા મહિને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, બેંકોએ જૂની પદ્ધતિઓ અપનાવવાની અને નાની થાપણો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. માત્ર મોટી થાપણો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સતત ઘટી રહેલા થાપણ વૃદ્ધિ દરમાં વધારો થશે નહીં.
થાપણો વધારવા માટે બેંકોના પ્રયાસો
ડિપોઝિટ વૃદ્ધિ ધીમી હોવાથી, બેંકો સિસ્ટમમાં ક્રેડિટ માંગને પહોંચી વળવા માટે વિશેષ થાપણ યોજનાઓ અને અન્ય નવીન યોજનાઓ દ્વારા ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.
તાજેતરમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, આરબીએલ બેંક અને બંધન બેંકે પણ તેમની વિશેષ રિટેલ ડિપોઝિટ સ્કીમ્સ શરૂ કરી છે.
આ પણ વાંચો – Apple iPhone 16 Launch Date: આઈફોન 16 સૌથી મોટો એપલ ફોન હશે? સ્ટોરેજ અને ફીચર્સ મામલે આઈફોન 15 કરતા હશે વધુ ખાસ
SBIએ ‘અમૃત દ્રષ્ટિ’ યોજના શરૂ કરી જેમાં, 444 દિવસની થાપણો પર 7.25 ટકા વ્યાજ આપવામાં આવે છે. જ્યારે બેંક ઓફ બરોડાએ ‘મોન્સૂન ધમાકા’ ડિપોઝિટ સ્કીમ રજૂ કરી હતી જેમાં 399 દિવસ માટે એફડી પર 7.25 ટકા અને 333 દિવસ માટે 7.15 ટકા વ્યાજ આપવામાં આવે છે.