બેન્કો ‘ખાતાધારકો પર સિતમ અને લોન ડિફોલ્ટરો પર રહેમ’ જેવી નીતિ અપનાવી રહી છે. મિનિમમ બેલેન્સ ન રાખવું જેવા વિવિધ નિયમો દેખાડીને ખાતાધારકો પાસેથી દંડ વસૂલ કરનાર બેન્કો લોન ડિફોલ્ટરો પાસેથી વસૂલાત કરવામાં નિષ્ફળ રહી છે. લોન ડિફોલ્ટની ઘટનાઓ વધતા બેન્કો પર નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) એટલે કે બેડ લોનનો બોજ વદ્યો છે. સરકારે રજૂ કરેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં બેન્કોએ 10 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે લોનની માંડવાળી કરી રહી છે એટલે કે આટલી જંગી નાણાંની વસૂલાત થવાની બેન્કોને આશા દેખાતી નથી.
5 વર્ષમાં 10.09 લાખ કરોડ રૂપિયાની લોન માંડીવાળી
નાણાંમંત્રી નિર્મલા સિતારમને રાજ્ય સભામાં આપેલી માહિતી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશની તમામ શિડ્યુલ્ડ બેન્કોએ 10,09,510 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે. નાણાંમંત્રીએ ઉમેર્યુ કે, બેન્કો તરફથી ધિરાણના સ્વરૂપમાં આપવામાં આવેલી રકમ ફસાયેલી હતી, જેને રાઇટ ઓફ કર્યા બાદ તેને બેન્કોએ પોતાની બેલેન્સ શીટમાંથી હટાવી દીધી છે. તેમાં NPA તરીકે વર્ગીકૃત કરાયેલી લોનનો પણ સમાવેશ થાય છે, જેની માટે 4 વર્ષ બાદ બેન્કોની બેલેન્સ સીટમાં સંપૂર્મ જોગવાઇ કરવામાં આવી હતી.
બેન્કોએ ક્યાં વર્ષમાં સૌથી વધારે લોન જતી કરી
બેન્કો દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાાન માંડવાળ કરાયેલી લોન ઉપર નજર કરીયે તો નાણાંકીય વર્ષ 2017-18માં 1,61,328 કરોડ રૂપિયા, નાણાંકીય વર્ષ 2018-19માં 2,36,265 કરોડ રૂપિયા, નાણાંકીય વર્ષ 2019-20માં 2,34,170 કરોડ રૂપિયા, નાણાંકીય વર્ષ 2020-21માં 2,02,781 કરોડ રૂપિયા અને નાણાંકીય વર્ષ 2021-22માં 1,74,966 કરોડ રૂપિયાની લોન જતી કરવામાં આવી છે. આમ નાણાંકીય વર્ષ 2019-20માં બેન્કો સૌથી વધારે લોન રાઇટ ઓફ કરી છે અને ત્યાર પછીના વર્ષોમાં તેમાં ઘટાડો થયો છે.
માત્ર 13 ટકા જ લોનની વસૂલાત થઇ શકી
નાણાં મંત્રાલયે રાજ્ય સભામાં આપેલી માહિતી અનુસાર પાછલા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) દ્વારા રાઇટ ઓફ કરાયેલી લોનમાંથી માત્ર 13 ટકા જેટલી જ રકમની વસૂલાત કરવામાં આવી છે. બેન્કોએ પાંચ વર્ષમાં કુલ 10,09,510 કરોડ રૂપિયાની લોનની માંડવાળી કરી છે આ ધોરણે રાઈટ ઓફ કરાયેલી 13 ટકા લોનની રિકવરીનો આંકડો 1,32,036 કરોડ રૂપિયા જેટલો થાય છે.

માંડ માંડ કરાયેલી લોન રિકવરીના આંકડા પર નજર કરીયે તો બેન્કોએ નાણાંકીય વર્ષ 2017-18માં 12,881 કરોડ રૂપિયા, નાણાંકીય 2018-19માં 25,501 કરોડ રૂપિયા, નાણાંકીય વર્ષ 2019-20માં 30,016 કરોડ રૂપિયા, નાણાંકીય 2020-21માં 30,104 કરોડ રૂપિયા અને નાણાંકીય વર્ષ 2021-22માં 33,534 કરોડ રૂપિયાની માંડ- માંડમાં વસૂલાત થઇ શકી છે.
છેલ્લા પાંચ વર્ષમાં લોન રાઇટ ઓફ અને વસૂલાતના આંકડા
નાણાંકીય વર્ષ | લોન રાઇટ ઓફ | લોનની વસૂલાત |
FY17-18 | 1,61,328 કરોડ | 12,881 કરોડ |
FY18-19 | 2,36,265 કરોડ | 25,501 કરોડ |
FY19-20 | 2,34,170 કરોડ | 30,016 કરોડ |
FY20-21 | 2,02,781 કરોડ | 30,104 કરોડ |
FY21-22 | 1,74,966 કરોડ | 33,534 કરોડ |
કુલ રકમ | 10,09,510 કરોડ | 1,32,036 કરોડ |
કઇ બેન્કે સૌથી વધારે લોન માંડ કરી
દેશની તમામ શિડ્યુલ્ડ બેન્કો છેલ્લા પાંચ વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધારે ફસાયેલી લોનની માંડવાળી કરી છે. જો બેન્કોની વાત કરીયે તો સરકારી માલિકીની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ 1.65 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે. તો બીજી ક્રમે પંજાબ નેશનલ બેન્કે વિતેલ ચાર વર્ષ દરમિયાન 59,807 લાખ કરોડ રૂપિયાની લોન જતી કરી છે.

SBIએ નાણાંકીય વર્ષ 2021-22માં જ 19,666 કરોડ રૂપિયાની લોન જતી કરી છે. તો તેની અગાઉના નાણાંકીય વર્ષ 2020-21માં 34,402 કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી છે.
કઇ બેન્કે કેટલી રકમની લોન રાઇટ ઓફ કરી
બેન્કોના નામ | લોન રાઇટ ઓફ |
SBI | 1.65 લાખ કરોડ |
PNB | 59,807 કરોડ |
IDBI બેન્ક | 33,135 કરોડ |
ICICI બેન્ક | 42,164 કરોડ |
HDFC બેન્ક | 31,516 કરોડ |
લોન માંડવાળી વધતા બેન્કોની NPA ઘટી
છેલ્લા કેટલાંક વર્ષોમાં બેન્કો પર બેડ લોન એટલે કે નોન પર્ફોર્મિંગ એસેટ્સ (NPA)માં ઘટાડો થયો છે અને તે લોન રાઇટ ઓફને આભારી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના જૂન 2022ના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અનુસાર બેંકોનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) રેશિયો માર્ચ 2022માં ઘટીને 5.9 ટકા થયો છે, જે 6 વર્ષની સૌથી નીચી સપાટી છે. તેવી જ રીતે નેટ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NNPA)નો રેશિયો પણ ઘટીને માર્ચ 2022ના અંતે 1.7 ટકા થયો હતો.
કસૂરવાર 3,312 બેન્ક અધિકારીઓ સામે કાર્યવાહી
નાણાંમંત્રી સીતારમણે વધારે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, જો લોનની રકમ ફસાઇ જવામાં બેન્કના અધિકારીની સંડોવણી હોવાનું માલુમ પડે છે તો આવા વ્યક્તિઓની વિરુદ્ધ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, છેલ્લા 5 નાણાકીય વર્ષો દરમિયાન AGM અથવા તેનાથી ઉચ્ચના સ્તરના કુલ 3,312 બેંક અધિકારીઓની NPA સંબંધિત કેસમાં સંડોવણી અને જવાબદાર હોવાનું જણાયા બાદ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.