એક પછી એક ટેલિકોમ કંપનીઓ પોતાની 5G સર્વિસ લોન્ચ કરી રહી છે. દશેરના દિવસે રિલાયન્સ જિયો (reliance jio) એ તેની 5G સર્વિસ શરૂ કર્યા બાદ હવે 6 ઓક્ટોબરના રોજ ભારતી એરટેલ (bharti airtel) કંપનીએ તેના ગ્રાહકો માટે 5G નેટવર્કની શરૂઆત કરી છે. એરટેલે દેશના 8 મોટા શહેરોમાં Airtel 5G Plus લોન્ચ કર્યું છે.
એરટેલે તેની 5G પ્લસ સર્વિસની 6 ઓક્ટોબરથી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, સિલીગુડી, નાગપુર અને વારાણસીમાં શરૂઆત કરી છે. કંપનીનું કહેવું છે કે 5G સર્વિસ તબક્કાવાર રીતે અન્ય શહેરોમાં શરૂ કરવામાં આવશે. આ માટે કંપની તેના નેટવર્કનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશે જેથી સમગ્ર દેશમાં 5G નેટવર્ક ઉપલબ્ધ થઈ શકે.
કંપનીએ વિગતો આપતા જણાવ્યું કે 5G સ્માર્ટફોન ધરાવતા ગ્રાહકોને હાલના ડેટા પ્લાન (mobile data plan) પર હાઈ-સ્પીડ એરટેલ 5G plus ત્યાં સુધી મળે જ્યાં સુધી આ સર્વિસ અને લોકેશન ઉપલબ્ધ રહેશે. વર્તમાન એરટેલના 4G સિમમાં 5G સર્વિસને એક્ટિવેટ કરવા માટે કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. જોકે, 5G સર્વિસનો લાભ લેવા માટે 5G સ્માર્ટફોન હોવો જરૂરી છે.
આ પણ વાંચો – દશેરાથી 4 શહેરોમાં 5G સર્વિસ શરૂ, જાણો Jioની 5G ઓફર વિશે
Airtel 5G Plusમાં 4G કરતાં 30 ગણી ઝડપી ડાઉનલોડ સ્પીડ
ભારતી એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ગોપાલ વિટાલે જણાવ્યું હતું કે, “એરટેલ છેલ્લા 27 વર્ષથી ભારતની ટેલિકોમ ક્રાંતિમાં મોખરે છે. આજે અમે આ પ્રવાસમાં બીજું પગલું ભર્યું છે કારણ કે અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પહોંચાડવા માટે શ્રેષ્ઠ નેટવર્ક બનાવ્યું છે. અમારા માટે, અમારા ગ્રાહકો સૌથી પહેલા છે. અમારું 5G નેટવર્ક કોઈપણ 5G હેન્ડસેટ અને હાલના સિમ કાર્ડ પર કામ કરશે.

એરટેલનું કહેવું છે કે કંપનીની 5G સર્વિસ એવી ટેક્નોલોજી પર આધારિત છે જે વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય છે અને સૌથી વિકસિત ઇકોસિસ્ટમ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે હાલની 4G સર્વિસની તુલનાએ 5G સર્વિસ 20થી 30 વધારે ઝડપી અને ‘બ્રિલિયન્ટ વૉઇસ એક્સપિરિયન્સ અને સુપર-ફાસ્ટ કૉલ કનેક્ટ’ અનુભવ આપશે. એરટેલ 5G plus વિશે દાવો કરવામાં આવે છે કે તે 4G કરતા 30 ગણી ઝડપી ડાઉનલોડ સ્પીડ આપશેશે.
કંપનીએ 5G plus માટે બનાવેલા વેબ પેજ પર કહ્યું, ‘અમે એરટેલ 5G plus સર્વિસ શરૂ કરી દીધી છે. આ વર્ષના અંત સુધીમાં, અમે તમામ મુખ્ય મહાનગરોમાં અને આવતા વર્ષ સુધીમાં દેશભરના શહેરોમાં 5G સર્વિસ આપીશું.