શોર્ટ-ક્ટ કમાણી માટે લોકો શેર-સટ્ટાના માર્ગે, સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્ર અને ગુજરાતના

BSE stock market Investors: BSE ખાતે માત્ર 148 દિવસમાં 1 કરોડથી વધારે નવા રોકાણકારો (Stock market Investors) ઉમેરાતા કુલ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સની (registered investor accounts)સંખ્યા વધીને 12 કરોડને વટાવી ગઇ, કોરોના મહામારી બાદ શેરબજારમાં ટ્રેડિંગ (Stock trading) કરનાર લોકોની સંખ્યા ઝડપથી વધી

Written by Ajay Saroya
December 13, 2022 16:53 IST
શોર્ટ-ક્ટ કમાણી માટે લોકો શેર-સટ્ટાના માર્ગે, સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્ર અને ગુજરાતના

હાલના સમયમાં લોકો શોર્ટ-કટ કમાણી કરવા માટે શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે, તેમાંય કોરોના મહામારી બાદ સ્ટોક ટ્રેડિંગ કરનાર લોકોની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ છેલ્લા 148 દિવસમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે 1 કરોડ જેટલા નવા ઇન્વેસ્ટર્સ એકાઉન્ટનું રજિસ્ટ્રેશન થયુ છે, આ સાથે બીએસઇના રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સ એકાઉન્ટ્સની કુલ સંખ્યા વધીને 12 કરોડે પહોંચી ગઇ છે.

કોરોના મહામારી બાદ રોકાણકારોની સંખ્યા રોકેટ ગતિથી વધી

કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન લોકોએ ઘરે બેઠાં કમાણી કરવા શેરબજારમાં ટ્રેડિંગ શરૂ કર્યુ હતુ. માર્ચ 2020માં 25000ની નીચી સપાટીને સ્પર્શ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને હાલ બેન્ચમાર્ક સેન્સેક્સે 1લી ડિસેમ્બર 2022ના રોજ 63583ની ઐતિહાસિક ઉંચી સપાટી બનાવી હતી. આમ કોરોના મહામારી બાદથી અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 130 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

રોકાણકારોની સંખ્યા 12 કરોડે પહોંચી

સ્ટોક એક્સચેન્જે આપેલી માહિતી અનુસાર ભારતના સૌથી જૂના શેરબજાર BSE એ 18 જુલાઇથી 13 ડિસેમ્બર 2022 સુધીના 148 દિવસના સમયગાળામાં તેના પ્લેટફોર્મ પર 1 કરોડ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર એકાઉન્ટ ઉમેર્યા છે. આ સાથે જ BSEના રોકાણકારોની કુલ સંખ્યા 12 કરોડે પહોંચી ગઇ છે.

અ અગાઉ બીએસઇના રજિસ્ટર્ડ એકાઉન્ટ ઇન્વેસ્ટર્સની સંખ્યા 10 કરોડથી વધીને 11 કરોડે પહોંચવામાં 124 દિવસ થયા હતા. તેવી જ રીતે રોકાણકારોની સંખ્યા 9 કરોડથી વધીને 10 કરોડ થવામાં 91 દિવસ, 8 કરોડથી વધીને 9 કરોડ એકાઉન્ટ થવામાં 85 દિવસ અને 7 કરોડથી 8 કરોડે પહોંચવામાં 107 દિવસ લાગ્યા હતા. આમ જોવા જઇએ તો નવા 1 કરોડ રોકાણકારોની સંખ્યા વધવામાં અગાઉની તુલનાએ હાલ વધારે સમય લાગી રહ્યો છે.

42 ટકા રોકાણકારો 30-40 વર્ષની વય જૂથના

બોમ્બે સ્ટોક એક્સચેન્જે જણાવ્યું હતું કે 13 ડિસેમ્બર, 2022 ના રોજ યુનિક ક્લાયન્ટ કોડ (UCC) ના આધારે BSE એ 12 કરોડ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો નવો વિક્રમ બનાવ્યો છે. આ કુલ 12 કરોડ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સમાંથી 42 ટકા રોકાણકારો 30 થી 40 વય જૂથના છે જ્યારે લગભગ 23 ટકા રોકાણકારો 20થી 30 વર્ષ વય જૂથના અને 11 ટકા ઇન્વેસ્ટર્સ 40થી 50 વર્ષની વય જૂથના છે.

સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્ર અને ગુજરાતના

બીએસઇ ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા 12 કરોડના સીમાચિહ્નને વટાવી ગઇ છે. જો રાજ્યની દ્રષ્ટિએ જોઇયે તો સૌથી વધારે રોકાણકારો મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. બીએસઇના કુલ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સમાં 20 ટકા એટલે કે 2.41 કરોડ જેટલા રોકાણકારો સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. ત્યારબાદ 1.22 કરોડ રોકાણકારો સાથે ગુજરાત બીજા ક્રમે અને 1.11 કરોડ રોકાણકારો સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. કુલ રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સમાં રાજસ્થાન અને તમિલનાડુના રોકાણકારોની સંખ્યા 6-6 ટકા જેટલી છે. જો કે, સ્ટોક એક્સચેન્જે આ કુલ 12 કરોડ રજિસ્ટર્ડ એકાઉન્ટમાંથી કેટલા એકાઉન્ટ એક્ટિવ છે અથવા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણ માટે છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. કારણ કે શેરબજારમાં મોટા ભાગનું ટ્રેડિંગ વોલ્યુમ હરીફ એક્સચેન્જ NSE પર છે.

BSE ખાતે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટરોની કુલ સંખ્યા (13 ડિસેમ્બર 2022)

વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ

બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE એ ભારતનું સૌથી જૂનું શેરબજાર છે જેની સ્થાપના વર્ષ 1875માં હતી. બીએસઇ એ 6 માઇક્રોસેકન્ડની ઝડપ સાથે વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ છે. બીએસઇ પાસે રોકાણકારોનો વિશાળ સમૂહ છે, જેમાં એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે અગ્રણી ગ્લોબલ એક્સચેન્જ, ડ્યૂશ બોર્સનો સમાવેશ થાય છે. તે ઇક્વિટી, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને સ્ટોક લેન્ડિંગ અને બોરોઇંગમાં ટ્રેડિંગની સુવિધા આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ