/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-26-1.jpg)
બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સે 21 જૂન, 2023ના રોજ 63,588.31નું ઇન્ટ્રા-ડે ઓલ ટાઇમ હાઇ બનાવ્યું. (Express Photo By Ganesh Shirsekar)
BSE Sensex record high : ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ 21 જૂન, 2023ના રોજ નવી ઐતિહાસિક ઉંચાઇને સ્પર્શ્યો છે. સેન્સેક્સ આજે સવારના ટ્રેડિંગ સેશનમાં 63,588.31 ઇન્ટ્રા-ડેની ઉંચી સપાટીને સ્પર્શ્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી સર્વોચ્ચ શિખર છે. સેન્સેક્સે અગાઉ 1 ડિસેમ્બર, 2022ના રોજ 3,583.07નું રેકોર્ડ હાઇ લેવલ બનાવ્યુ હતુ. 52 સપ્તાહની ઉંચી સપાટીએ ટ્રેડ થઇ રહેલા અમેરિકા, યુરોપિયન ઝોન, સાઉથ કોરિયા, તાઇવાન, જાપાન સહિતના શેરબજાર સાથે તાલમિલાવી ભારતીય શેરબજારે આગેકૂચ ચાલુ રાખી છે.
સેન્સેક્સ 63588.31નું ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ લેવલ બનાવી સેશનના અંતે 195 પોઇન્ટ વધીને 63523ના લેવલ પર બંધ થયો હતો, આમ બંધની રીતે પણ સેન્સેક્સ સૌથી ઉંચા સ્તરે ક્લોઝ થયા હતા. આ દરમિયાન બેન્ચમાર્ક એનએસઇ નિફ્ટી સેશન દરમિયાન 18875ની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી અંતે 40 પોઇન્ટ વધીને 18856 બંધ થયો હતો. ક્લોઝિંગની રીતે નિફ્ટી આજે સૌથી ઉંચા સ્તરે બંધ થયો હતો. નિફ્ટીનું ઇન્ટ્રા-ડે ઓલ ટાઇમ હાઇ લેવલ 18887 છે.
શેરબજારની તેજીના કારણો
શેરબજારમાં તેજી પાછળ કેટલાક કારણો જવાબદાર છે. જેમાં મોંઘવારી દરમાં ઘટાડો અને રિઝર્વ બેંક દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિને વિરામ મુખ્ય ગણાય છે. રિટેલ ફુગાવો મે મહિનામાં ઘટીને 4.25 ટકા થયો છે અને રિઝર્વ બેંકે છેલ્લી બે ધિરાણનીતિ નીતિઓમાં વ્યાજદર સ્થિર રાખવાનું પસંદ કર્યું છે, જે સૂચવે છે કે મધ્યસ્થ બેન્ક તેના વ્યાજદર વૃદ્ધિના ચક્રને અટકાવી શકે છે.
ગ્લોબલ ઇકોમોક ગ્રોથ રેટ મંદ હોવા છતાં વૈશ્વિક બજારો તેજીમાં છે. અગાઉ અમેરિકાના અર્થતંત્રમાં મંદી આવવાની દહેશત હતી, જો કે તે હાલ ટળી ગઇ છે અને તેના પરિણામે માર્કેટ્સમાં બુલિશ ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે.
LKP સિક્યોરિટીઝના સંશોધન વડા એસ રંગનાથને જણાવ્યું કે, “મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઇન્ડેક્સમાં વૃદ્ધિની સાથે સાથે સરકાર દ્વારા મૂડી ખર્ચમાં સતત વધારાને પગલે બેન્ચમાર્ક સૂચકાંકો વધતા નવી ઊંચાઈને સ્પર્શી ગયા છે. વ્યાજ દરોમાં વધારો થયો હોવા છતાં અમે વધતી જતી ધિરાણની માંગને જોઈ રહ્યા છીએ અને ઈન્ડિયા ઈન્ક આજે પહેલા કરતાં ઘણી સારી બેલેન્સશીટ ધરાવે છે,”
સેન્સેક્સને ઐતિહાસિક ઉંચાઇએ પહોંચાડનાર પરિબળો
એક્સિસ સિક્યોરિટીઝ PMSના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર નવીન કુલકર્ણીએ જણાવ્યું કે, “બેન્ચમાર્ક સેન્સેક્સને નવી ઐતિહાસિક ઉંચાઇએ પહોંચાડવામાં ઘણા પરિબળોએ ભૂમિકા ભજવી છે. જેમાં છેલ્લા બે મહિનામાં ખાસ કરીને મિડ અને સ્મોલ-કેપ સ્ટોક્સમાં મજબૂત રેલી, ફોરેન ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર્સ એટલે કે FIIનો જંગી મૂડી પ્રવાહ, અન્ય ઇમર્જિંગ માર્કેટના દેશોની તુલનાએ ભારતનો મજબૂત આર્થિક વૃદ્ધિદર કોર્પોરેટ અર્નિંગના પ્રોત્સાહક આંકડા, સમગ્ર ક્ષેત્રમાં મજબૂત માંગ, બેન્કિંગ સેક્ટરની સ્થિતિમાં સુધારો અને ખાનગી મૂડીખર્ચમાં વધારાની અપેક્ષાઓ છે.”
FIIની વાપસીથી માર્કેટનું સેન્ટિમેન્ટ મજબૂત થયું
એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું કે, “મેન્યુફેક્ચરિંગ PMIમાં આગેકૂચની સાથે ભારત સરકાર દ્વારા મૂડી ખર્ચમાં સતત વધારાને પગલે BSE સેન્સેક્સ આજે નવી ટોચે પહોંચ્યો હતો. વ્યાજ દરોમાં વધારો થવા છતાં અમે વધતી જતી ધિરાણની માંગને જોઈ રહ્યા છીએ અને ઈન્ડિયા ઈન્ક આજે પહેલા કરતાં ઘણી સારી બેલેન્સશીટ ધરાવે છે.સ્થાનિક રોકાણકારોએ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં વિશ્વાસ જાળવી રાખવાનું ચાલુ રાખ્યું હતુ જો કે એપ્રિલથી એફઆઇઆઇની વાપસીથી માર્કેટનું સેન્ટિમેન્ટ મજબૂત થયુ છે.
FIIની 18343 કરોડની લેવાલી
વિદેશી રોકાણકારો એટલે કે FII ભારતીય શેરબજારના મુખ્ય ચાલક પરિબળો પૈકીના એક મનાય છે. વિદેશી રોકાણકારોની લેવાલી અને વેચવાલી શેરબજાર પર ઉંડી અસર કરે છે. એપ્રિલ બાદ વિદેશી રોકાણકારોના ચોખ્ખા મૂડી પ્રવાહથી ઇન્ડિયન માર્કેટ્સનું સેન્ટિમેન્ટ સુધર્યુ છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં FIIએ 18343 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.
હવે આગામી સમયમાં ક્યાં જોખમો છે?
માર્કેટ એનાલિસ્ટોનું કહેવું છે કે, વ્યાજ દરની અનિશ્ચિતતા, વૈશ્વિક આર્થિક મંદી અને ફુગાવાની સમસ્યાઓ જેવા અમુક અડચણોના લીધે માર્કેટમાં વન-વે રેલી લાંબી ચાલી શકશે નહીં. તેજી સામે બીજી મોટી ચિંતા ચોમાસાની સીઝન નબળી રહેવાની આગાહી છે, જેમાં 15 જૂન સુધી 50 ટકાથી વધારે વરસાદની ઉણપ જોવા મળી છે.
ઉપરાંત, હાલ તમામની નજર યુએસ ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલની બુધવારથી શરૂ થનારી બે દિવસીય કાર્યક્રમની સ્પીચ પર રહેશે. મોતીલાલ ઓસ્વાલ ફાયનાન્સિયલ સર્વિસીસ લિમિટેડના રિટેલ રિસર્ચના વડા સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, જો ફુગાવાને એક સમસ્યાની રીતે જોવામાં આવશે તો ફેડ દ્વારા વર્ષના અંતમાં વધુ રેટ હેઇક થવાની સંભાવનાને જોતાં આ જુલાઈમાં વ્યાજદર વૃદ્ધિનો સંકેત આપી શકે છે.
આ પણ વાંચોઃ IIFL સિક્યોરિટીનો શેર 18 ટકા કેમ તૂટ્યો? સેબીએ બ્રોકરેજ ફર્મ પર કેમ પ્રતિબંધો લાદયા? જાણો વિગતવાર
ટ્રેડર્સે પ્રોફિટ બુકિંગ કરવું, રોકાણકારોએ ઘટાડે લેવાલી વધારવી
SAMCO સિક્યોરિટીઝના માર્કેટ આઉટલૂક અને રિસર્ચ હેડ અપૂર્વ શેઠે જણાવ્યું કે, “અમે માનીએ છીએ કે ટ્રેડરોએ તેમની લોંગ- લીવરેજ્ડ પોઝિશનને હળવા કરી શકે છે અને તાત્કાલિક થોડુંક પ્રોફિટ બુકિંગ કરી શકે છે. પરંતુ મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારોએ તેમની પોઝિશિન જાળવી રાખવાનું ચાલુ રાખવું જોઈએ અને માર્ટેક્સ નીચે આવે ત્યારે વધુ ખરીદી કરવાની તક ઝડપી લેવી જોઈએ.”


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us