વર્ષ 2023 -24નું નાણાકીય બજેટ રજૂ થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ બજેટ વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલાનું સંપૂર્ણ બજેટ હશે, તેથી દરેક ક્ષેત્રની આ બજેટ પર નજર છે અને ઘણી આશા – અપેક્ષાઓ રાખી રહ્યા છે. દરેક ક્ષેત્રને આશા છે કે તેમને ચૂંટણી પહેલા સરકાર તરફથી કોઇને કોઇ રાહત કે ભેટ મળે. અહીં અમે આવી 10 લોકપ્રિય માંગણીઓ રજૂ કરી રહ્યા છીએ, જેની બજેટ પહેલા સૌથી વધુ ચર્ચા થાય છે. તેમાં કેપિટલ ગેઈન ટેક્સ, વ્યક્તિગત આવકવેરો, રાજકોષીય ખાધ, ખાદ્ય અને ખાતર સબસિડી, ગ્રામીણ ક્ષેત્ર, ઈન્ફ્રા સેક્ટર, કલ્યાણકારી યોજનાઓનો સમાવેશ થાય છે.
1 – કેપિટલ ગેઈન ટેક્સ
વિવિધ બ્રોકરેજ હાઉસ, માર્કેટ એક્સપર્ટની માંગણી છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) માટે હોલ્ડિંગ હવે 12 મહિનાથી વધુ છે. જેમાં શેરબજારમાંથી વાર્ષિક 1 લાખ રૂપિયાની આવક પર ટેક્સ લાગે છે. આ લિમિટેડને વધારીને બે લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા કરવી જોઈએ. તેનાથી લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળશે.
ટ્રેડિંગોના સ્થાપક પાર્થ ન્યાતિ કહે છે કે જ્યારે રોકાણકારો પહેલેથી જ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ના નામે ટેક્સ પેટે મોટી રકમની ચૂકવણી કરી રહ્યા છે, ત્યારે ભારતમાં વધુ રોકાણ આકર્ષવા માટે સરકારે લાંબા ગાળાના મૂડી લાભ (LTCG) પર રાહત આપવી જોઈએ.
2 – રાજકોષીય ખાધ પર રહેશે નજર
PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડના હેડ-ફિક્સ્ડ ઈન્કમ પુનીત પાલ કહે છે કે બજેટ કેન્દ્ર સરકારની આવક અને ખર્ચ દર્શાવે છે. વર્ષોથી, આ તકનો ઉપયોગ સરકાર દ્વારા કર માળખાં અને રાજકોષીય નીતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવે છે. બોન્ડ માર્કેટના દ્રષ્ટિએ, રાજકોષીય ખાધ અથવા કેન્દ્ર સરકારનું ઋણ બજેટને ટ્રેક કરવા માટેના મહત્ત્વના પરિબળો છે. એવો અંદાજ છે કે રાજકોષીય ખાધ નાણાંકીય વર્ષ 2023માં 6.40 ટકાની સરખામણીએ નાણાંકીય વર્ષ 2024 માટે લગભગ 6 ટકા રહી શકે છે.
જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારના જણાવ્યા અનુસાર, માર્કેટ નાણાંકીય વર્ષ 2024 માટે રાજકોષીય ખાધ પર નજર રાખશે. 6 ટકાથી ઉપરનો આંકડો બજારને નિરાશ કરશે, પરંતુ તેની શક્યતા ઓછી છે.
3 – વ્યક્તિગત આવકવેરો
બજેટ 2023માં વૈકલ્પિક કર પ્રણાલીને સુધારવા માટે, પીપીએફ જેવી કર બચત યોજનાઓ મારફતે કર કપાતને મંજૂરી આપવી જોઈએ. આ સાથે તેમણે મહત્તમ 30 ટકા ટેક્સ સ્લેબની મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવાની માંગ કરી છે.
ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીમાં પ્રોફેસર લેખા ચક્રવર્તીના જણાવ્યા અનુસાર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણની મર્યાદાને હાલની 1.5 લાખ રૂપિયાથી વધારી શકાય છે, જે બચતને પ્રોત્સાહન આપશે.
4 – વીમા ક્ષેત્ર
કવરફોક્સ ગ્રુપના સીઈઓ સંજીબ ઝા કહે છે કે વીમા ક્ષેત્રની પહોંચ હજુ પણ ઓછી છે, જ્યારે ડિજિટાઈઝેશન અને નાણાકીય સમાવેશની મર્યાદા પડકારો બની રહી છે. આ એક એવું ક્ષેત્ર છે જેમાં વૃદ્ધિની ઘણી સંભાવનાઓ છે. આવી સ્થિતિમાં, બજેટ 2023 આ ક્ષેત્રને નાણાકીય રાહત આપી શકે છે. વીમા પ્રીમિયમ સામે અસરકારક કર કપાત યોજના, વીમાને વધુ સસ્તું બનાવવા GSTમાં ઘટાડા અને ટીયર- 2 અને ટીયર-3 બજારોમાં પ્રવેશને પ્રોત્સાહન મારફતે તે શક્ય બની શકે છે. ઉપરાંત કેટલાંક નિષ્ણાતોએ બજેટમાં પ્રથમ વખત જીવન વીમો લેનાર માટે ટેક્સ પ્રોત્સાહનની પણ માંગ કરી છે.
5 – કલ્યાણકારી યોજનાઓનું વિસ્તરણ
આગામી બજેટમાં ગ્રામીણ ક્ષેત્ર માટે થનારી ઘોષણાઓ પર ધ્યાન રહેશે. કલ્યાણકારી યોજનાઓના વિસ્તરણ સહિત ગ્રામીણ અર્થતંત્ર ઉપર વધારે ખર્ચ કરવાની જરૂર પડી શકે છે. ખેતીને લઈને કેટલીક મોટી જાહેરાતો થઈ શકે છે.
6 MSME સેક્ટર
આર્થિક નિષ્ણાંતોએ એમએસએમઈના કિસ્સામાં બેન્ક લોનને માટે એનપીએ તરીકે વર્ગીકૃત કરવાની મુદ્દતને 90 દિવસથી વધારીને 180 દિવસ કરવાનું પણ સૂચન કર્યું હતું. કારણ કે ઘણા કિસ્સાઓમાં ઉદ્યોગની પેમેન્ટ સાયકલ 90 દિવસ કરતા વધારે લાંબા સમયની હોય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના હાલના નિયમ મુજબ, જો 90 દિવસમાં બેન્ક લોનની ચૂકવણી કરવામાં ન આવે તો તેને NPA તરીકે વર્ગીકૃત કરી શકાય છે.
7 – મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ
આજે ઘણા લોકો તેમના નિવૃત્તિના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. હાલમાં, નેશનલ પેન્શન સ્કીમ (NPS) માં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80CCD હેઠળ 50,000 રૂપિયાની વધારાની કર મુક્તિ મળી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની માંગ છે કે મ્યુચ્યુઅલ ફંડ નિવૃત્તિ/પેન્શન સ્કીમ્સને પણ આવકવેરા કાયદાની કલમ 80CCDના દાયરામાં લાવવામાં આવે.
8 – હેલ્થકેર ઉદ્યોગ
ફાર્મા ઉદ્યોગની કંપનીઓ આશા રાખી રહી છે કે સામાન્ય બજેટમાં સરકાર સંશોધન અને વિકાસની સાથે ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરીને સેક્ટર માટે રેગ્યુલેશનને સરળ બનાવવા પગલાં લેશે. પ્રોફેશનલ મેડિકલ કર્મચારીઓની અછતની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે. સ્થાનિક ફાર્મા ઉદ્યોગનું કદ હાલમાં 50 અબજ ડોલર છે, જે વર્ષ 2030 સુધીમાં 130 અબજ ડોલર અને 2047 સુધીમાં 450 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે.
9 – ઈન્ફ્રાસ્ટ્રક્ચર
આગામી બજેટમાં ગ્રામીણ અર્થતંત્ર ઉપરાંત હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરો મુખ્ય લક્ષિત ક્ષેત્રો હોઇ શકે છે.
10 – ફૂડ સબસિડી
આગામી બજેટમાં ફૂડ સબસિડી બિલ પર નજર રહેશે. ગત ડિસેમ્બરમાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત ખાદ્યાન્ન યોજનાને વર્ષ 2023ની માટે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ ( NFSA) હેઠળ લાવીને કોરોના રાહત યોજનાનો વિસ્તાર કર્યો છે. વર્ષ 2015-16 થી 2019-20 સુધી, કેન્દ્રની વાર્ષિક ફૂડ સબસિડી સરેરાશ 1.1 લાખ કરોડ હતી. આવી રીતે આગામી વર્ષનું સબસિડી બિલ આ રકમથી લગભગ બમણું હોઇ શકે છે. સરકારે PMGKAY પાછળ ખર્ચ કરવો પડશે નહીં, જેની પાછળ દર મહિને લગભગ 14,000 કરોડ રૂપિયા ખર્ચાય છે.