નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ હવે થોડાક દિવસમાં સંસદમાં રજૂ થશે. કરદાતાઓ આ યુનિયન બજેટમાં ઘણી બધી આશાઓ રાખી રહ્યા છે જે છેલ્લા બે વર્ષમાં પુરી થઇ શકી નથી. ટેક્સ એક્સપર્ટ્સનું કહેવું છે કે, યુનિયન બજેટ (બજેટ 2023)માં વૈકલ્પિક કર પ્રણાલી એટલે કે નવી કર વ્યવસ્થાને સુધારવા માટે, અન્ય કર બચત યોજનાઓ જેવી કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) મારફતે કરકપાતને મંજૂરી આપવી જોઈએ. તેની સાથે સાથે તેમણે મહત્તમ 30 ટેક્સ સ્લેબ માટેની આવક મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવાની માંગણી કરી છે.
બજેટ 2020-21થી વૈકલ્પિક કર પ્રણાલી શરૂ થઈ
કેન્દ્રીય બજેટ 2020-21માં સરકારે ઓપ્શનલ ઇન્કમ ટેક્સ સિસ્ટમ (વૈકલ્પિક કર પ્રણાલી) રજૂ કરી હતી જેમાં વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો (હિંદુ અવિભાજિત કુટુંબ-HUF) પર ઓછા દરે ટેકસ લાદવામાં આવ્યો હતો. જો કે નવી આવકવેરા વ્યવસ્થામાં રેટ એલાઉન્સ, હોમ લોનના વ્યાજની ચૂકવણી અને 80C હેઠળ રોકાણ જેવી અન્ય કર મુક્તિઓનો લાભ મળતો નથી.
ઓપ્શનલ ઇન્કમ ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની કુલ આવક પર ટેક્સ માફી મળે છે. ત્યારબાદ 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની કુલ વાર્ષિક આવક પર 5 ટકા, ત્યારબાદ 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની કુલ આવક પર 10 ટકા, 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા, 10 લાખ થી 12.5 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા, 12.5 લાખથી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 25 ટકા અને 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે.
નવી ટેક્સ સિસ્ટમ કરદાતાઓને પસંદ ન આવી
બે વર્ષ પહેલા રજૂ કરાયેલી નવી ટેક્સ સિસ્મટ કરદાતાઓને આકર્ષવામાં નિષ્ફળ રહી છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં આ નવી ઓપ્શનલ ટેક્સ સિસ્ટમ સ્વીકારતા કરદાતાએ વધારે ટેક્સની ચૂકવણી કરવી પડી છે. ટેક્સ એક્સપર્ટ્સનું માનવું છે કે ઓપ્શનલ ટેક્સ સિસ્ટમને વધારે સુવ્યવસ્થિત કરવા માટે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે યુનિયન બજેટ 2023-24 માં કરમુક્ત આવકની મર્યાદા અને મહત્તમ ટેક્સ રેટમાં વધારો કરવા ઉપરાંત કેટલાક લોકપ્રિય ટેક્સ કટનો સમાવેશ કરવો જોઈએ.
ટેક્સ એક્સપર્ટ્સનું શું કહેવુ છે?
નાંગિયા એન્ડરસન ઈન્ડિયાના ચેરમેન રાકેશ નાંગિયાએ જણાવ્યું કે, સરકારે ઓપ્શનલ ટેક્સ સિસ્ટમમાં ટેક્સના રેટને વધારે તર્કસંગત બનાવવા જોઈએ. તેમણે અગાઉની કપાત અથવા મુક્તિને અનુરૂપ નવી કર વ્યવસ્થા બનાવવાની હિમાયત કરી હતી. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર સુધાકર સેતુરમને આવો જ મત રજૂ કરતા જણાવ્યું હતું કે સરકાર કેટલીક કર કપાતને મંજૂરી આપવાનું વિચારી શકે છે. તેમણે કહ્યું કે આ પ્રક્રિયાને જટિલ બનાવ્યા વગર થવી જોઈએ. તેમણે કહ્યું કે ઓપ્શનલ ટેક્સ સિસ્ટમમાં જીવન વીમાનું પ્રીમિયમ, હોમ લોનનું વ્યાજ અને અન્ય કપાત પણ આપી શકાય છે.