બજેટનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે. ભારતના બજેટનો ઇતિહાસ લગભગ 170 વર્ષ જેટલો જૂનો છે. ભારતના બજેટ ઇતિહાસની વાત કરીય તો બ્રિટિશ રાજ હજુ વર્ષ 1857ના વિદ્રોહમાંથી બહાર આવી શક્યું ન હતું. તે સમય દરમિયાન, બ્રિટિશ સરકારે ભારતની નાણાકીય કટોકટીનો ઉકેલ શોધવા માટે સ્કોટિશ ઉદ્યોગપતિ જેમ્સ વિલ્સનની નિમણૂક કરી. જેમ્સ વિલ્સન તે સમયે ધ ઈકોનોમિસ્ટ અખબારના સ્થાપક તરીકે જાણીતા હતા.
જેમ્સ વિલ્સન ઈંગ્લેન્ડના બહુ જાણીતા વ્યક્તિ હતા. તેમનો આર્થિક સિદ્ધાંત અને નીતિ ખૂબ જ વિશ્વસનીય માનવામાં આવતી હતી. કાર્લ માર્ક્સે તેમના પ્રખ્યાત પુસ્તક ‘કેપિટલ’માં પણ વિલ્સનનો ઉલ્લેખ કર્યો છે.
વિલ્સને ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું
જેમ્સ વિલ્સને વર્ષ 1860માં બ્રિટિશ ઇન્ડિયાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. અંગ્રેજી મોડલ પર તૈયાર કરાયેલું પ્રથમ નાણાકીય બજેટ રજૂ કરવાનો શ્રેય જેમ્સ વિલ્સનને જાય છે. જો કે વિલ્સને તેમના બજેટમાં ભારતની પરિસ્થિતિને ધ્યાનમાં લીધી ન હતી અને આ કારણસર તેમની ટીકા પણ થઈ હતી.
જેમ્સ વિલ્સને 18 ફેબ્રુઆરી, 1860ના રોજ બ્રિટિશ ઇન્ડિયાનું પ્રથમ બજેટ રજૂ કર્યું. તેમણે ત્રણ પ્રકારના કરવેરા લાગુ કર્યા – આવકવેરો, લાઇસન્સ ટેક્સ અને તમાકુ ડ્યુટી. જો કે, માત્ર પ્રથમ ટેક્સ જ પાસ થયો, કારણ કે અન્ય બંને કરવેરા ભારત સ્થિતિ બ્રિટિશ ગવર્નર જનરલ ચાર્લ્સ કેનિંગની માંગણી પર પડતા મૂકવામાં આવ્યા હતા.
જેમ્સ વિલ્સન કોણ હતા?
જેમ્સ વિલ્સનનો જન્મ વર્ષ 1805માં સ્કોટિશ સરહદ પર આવેલા હોક નામના શહેરમાં થયો હતો. વિલ્સન 16 વર્ષની ઉંમરે હેટ ફેક્ટરીમાં એપ્રેન્ટિસ બન્યા. તે દિવસ દરમિયાન કારખાનામાં કામ કરતો અને રાત્રે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરતો.
પિતાએ વિલ્સન અને તેના ભાઈ માટે ફેક્ટરી ખરીદી. બંને ભાઈઓએ વર્ષ 1824માં તેમનો બિઝનેસ લંડન ટ્રાન્સફર કર્યો હતો. ત્યાં તેમનો ધંધો આગળ વધ્યો.
વર્ષ 1837ની આર્થિક કટોકટી દરમિયાન વિલ્સને તેની મોટાભાગની બચત ગુમાવી દીધી હતી. નાદારી ટાળવા માટે, તેણે તેની બાકીની સંપત્તિ વેચી દીધી. એક દાયકા પછી વર્ષ 1853માં જેમ્સ વિલ્સને ચાર્ટર્ડ બેંક ઓફ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને ચીનની સ્થાપના કરી. જે પાછળથી વર્ષ 1969માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક બની.
જેમ્સ વિલ્સને વર્ષ 1843માં મુક્ત વેપાર માટે ઝુંબેશ માટે એક સમાચાર પત્રના સ્વરૂપમાં ધી ઈકોનોમિસ્ટની સ્થાપના કરી હતી. તે સમયના આર્થિક મુદ્દાઓ સાથે વિલ્સનની બૌદ્ધિક જોડાણ તેમના લખાણોમાં પ્રતિબિંબિત થયું હતું.