બજેટ 2023 : દેશના આર્થિક વિકાસની ચર્ચા થાય છે ત્યારે ભારતના વિશાળ મધ્યમ વર્ગનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે. પરંતુ જ્યારે દેશના વાર્ષિક બજેટની રજૂ કરવામાં આવે છે ત્યારે મધ્યમ વર્ગ ઘણીવાર પોતે છેતરાયાનો અનુભવ કરે છે. ફરીવાર કેન્દ્રીય બજેટનું કાઉન્ટ – ડાઉન શરૂ થઇ ગયુ છે અને 1 ફેબ્રુઆરીના રોજ નાણાંકીય વર્ષ 2023- 24નું બજેટ સંસદમાં રજૂ કરશે. આ સંજોગોમાં મધ્યમ વર્ગના કરદાતાઓના મનમાં ફરી વાર એ જ સવાલો ઉભા થઇ રહ્યા છે કે શું નાણામંત્રી આ વખતે તેમને થોડીક રાહત આપવા અંગે વિચારશે? ચાલો જાણીયે એવા 5 પગલાંઓ જેનો અમલ કરીને નાણામંત્રી મધ્યમ વર્ગને મદદ કરી શકે છે
ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર
દેશમાં આવકવેરો ભરનાર કરદાતાઓ માટે સૌથી ઉંચો ઇન્કમ ટેક્સ સ્લેબ 30 ટકા છે. આ ટેક્સ સ્લેબ એવા લોકોને લાગુ પડે છે જેમની વાર્ષિક આવક જૂના કરવેરા માળખાં હેઠળ 10 લાખ રૂપિયા કે તેનાથી વધારે છે. નવી આવકવેરાની વ્યવસ્થા પસંદ કરનારાઓ માટે સૌથી ઉંચો ટેક્સ સ્લેબ 15 લાખ રૂપિયા કે તેથી વધારે વાર્ષિક આવક પર લાગુ થાય છે. જોકે, નવા સ્લેબમાં તેમને કોઈપણ પ્રકારની કર મૂક્તિનો લાભ મળતો નથી. તેથી, મોટાભાગના લોકોને તેમાં ફાયદો દેખાતો નથી. ઘણા લોકો માને છે કે સરકારે આવકવેરાના સૌથી ઊંચા ટેક્સ સ્લેબની આવક મર્યાદા વધારીને 20 લાખ રૂપિયા કરવી જોઈએ અથવા ઇન્કમ ટેક્સના દરમાં ઘટાડો કરવો જોઈએ.
નવી કર વ્યવસ્થામાં સુધારો
ભારત સરકારે 2020 માં એક નવું કર માળખું રજૂ કર્યુ હતું. આ માળખામાં આવકવેરાનો દર ઓછા છે, પરંતુ તેને પસંદ કરનારાઓને કોઈપણ પ્રકારની કપાત અને કર મુક્તિનો લાભ મળતો નથી. જેના કારણે આ નવું કર માળખું વધારે લોકપ્રિય બન્યું નથી. નિષ્ણાંતો માને છે કે જો આ નવી કર વ્યવસ્થાને વધારે આકર્ષક બનાવવામાં આવે તો કરદાતાઓને ફાયદો થવાની સાથે સાથે સરકારને પણ ટેક્સ કમ્પ્લાયન્સ વધારવામાં ફાયદો થઈ શકે છે.
કર મુક્ત આવકની મર્યાદામાં વધારો
ભારત સરકારે છેલ્લે 2014-15માં મૂળભૂત કર મુક્ત આવકની મર્યાદામાં સુધારો કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી મોદી સરકારે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે છેલ્લા 8 વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. જો આ વખતે સરકાર કર મુક્ત આવકની મર્યાદામાં પ્રમાણસર વધારો કરે તો કરદાતાઓને ઘણી રાહત મળી શકે છે. હાલમાં, સામાન્ય ભારતીય નાગરિકો માટે મૂળભૂત કર મુક્ત આવકની મર્યાદા વાર્ષિક અઢી લાખ રૂપિયા છે. આ મર્યાદા 60 વર્ષથી 80 વર્ષની વચ્ચેના વરિષ્ઠ નાગરિકો માટે 3 લાખ રૂપિયા અને 80 વર્ષથી વધુ વયના સુપર સિનિયર સિટીઝન માટે વાર્ષિક પાંચ લાખ રૂપિયા છે.
હોમ લોનના વ્યાજ પરની કર મુક્તિમાં વધારો
છેલ્લા છ-સાત મહિનામાં હોમ લોન સહિત વિવિધ લોનના વ્યાજદર રોકેટ ગતિએ વધીને આસમાને પહોંચ્યા છે. જેના કારણે મધ્યમ વર્ગના કરદાતાઓ પર ટેક્સનું ભારણ ખૂબ વધી ગયું છે. આવી સ્થિતિમાં જો સરકાર હોમ લોનના વ્યાજની ચૂકવણી પર કર મૂક્તિની હાલની 1.5 લાખ રૂપિયાની લિમિટમાં વધારો કરે તો મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. આ સાથે રિયલ એસ્ટેટ ઉદ્યોગ કે જે દેશમાં સૌથી વધારે રોજગારીનું સર્જન કરનાર ઉદ્યોગો પૈકીનું એક છે તેને પણ પ્રોત્સાહન મળશે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો
દેશના પગારદાર કરદાતાઓને હાલમાં 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળે છે. તેને ફરીથી અમલમાં મૂકતી વખતે, સરકારે તબીબી ખર્ચ અને પરિવહન માટે કર મુક્તિ રી- એમ્બર્સમેન્ટનો લાભ નાબૂદ કર્યો હતો. એટલે કે, એક રીતે, આ કર મુક્તિ ટ્રાન્સપોર્ટ અને મેડિકલ સારવારના ખર્ચની અવેજીમાં આપવામાં આવી હતી. પાછલા વર્ષોમાં ઈંધણ અને દવાઓના ભાવમાં થયેલા જંગી વધારાને ધ્યાનમાં રાખી સરકારે સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવું જોઈએ. જો નાણામંત્રી ઉપર જણાવેલા સુચનનોનો અમલ કરે તો ટેક્સના ભારણ હેઠળ દબાયેલા મધ્યમ વર્ગને થોડીક રાહત મળશે.