scorecardresearch

Budget 2023: વ્યાજદર વધતા હોમ લોનધારકો પર કમરતોડ બોજ , શું નાણામંત્રી બજેટમાં વ્યાજની કર મુક્તિ મર્યાદા વધારશે?

Budget 2023 Home Loan Interest Deduction : રિઝર્વ બેન્કે (RBI) રેપો રેટમાં (Repo rate hike) વધારતા બેન્કોએ હોમ લોનના વ્યાજદરમાં (Home Loan Interest hike) જંગી વધારો કરતા લોનધારકો પર કરમતોડ બોજ પડ્યો, જ્યારે હોમ લોનના વ્યાજ પરની કર મુક્તિ મર્યાદા (Home Loan Interest tax Deduction) હાલ માત્ર બે લાખ રૂપિયા છે. શું નાણાં મંત્રી (FM nirmala sitharaman) બજેટ 2023માં (Budget 2023) આ કર મુક્તિ મર્યાદામાં વધારો કરીને મધ્યમ વર્ગના (Middle Class budget demand) લોન ધારકોને રાહત આપશે…

Budget 2023: વ્યાજદર વધતા હોમ લોનધારકો પર કમરતોડ બોજ , શું નાણામંત્રી બજેટમાં વ્યાજની કર મુક્તિ મર્યાદા વધારશે?

વિતેલ વર્ષ લોનધારકો માટે અત્યંત પીડાદાયક વિત્યુ છે. તમામ પ્રકારની લોનના વ્યાજદરમાં કમરતોડ વધારો થતા લોનધારકો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘવારી અને મંદીની દહેશત વચ્ચે હોમ લોનધારકોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ઘણા વર્ષો સુધી લોનના હપ્તા ચૂકવ્યા બાદ પણ તેમના પર લોનનો બોજ હળવો થવાના બદલે વધતો ગયો છે. હકીકતમાં રિઝર્વ બેન્કે મે થી ડિસેમ્બર 2022 દરમિયાન રેપોરેટમાં 2.25 ટકાનો વધારો કર્યો છે, જેના કારણ બેન્કોએ તમામ પ્રકારની લોનના વ્યાજદર વધારી દીધા. પરિણામ લોનધારકોની માસિક લોનના EMIમાં જંગી વધારો થયો અથવા તો લોનની મુદ્દત વધી ગઇ.

મધ્યમ વર્ગના કરદાતાઓની પીડા

મધ્યમ વર્ગના કરદાતાઓ જેમણે તાજેતરમાં ઘણા મહિનાઓ પછી તેમના હોમ લોન એકાઉન્ટ્સ જોયા, તેઓ આઘાતમાં હતા. ઘણા લોકોની સાથે એવું બન્યું છે કે 20 વર્ષ (240 મહિના)ની હોમ લોન કે જેના માટે તેઓ છેલ્લા 3 વર્ષથી બધા હપ્તા ચૂકવી રહ્યા હતા, તે પૂરી થવામાં હજી 238 મહિના બાકી છે! એટલે કે અત્યાર સુધી માત્ર 36 મહિના સુધી EMI ચૂકવ્યા છે, પરંતુ ઘટ્યા માત્ર 2 EMI! ઇન્કમ ટેક્સના હાલના નિયમ અને વ્યાજદરમાં વૃદ્ધિને કારણે આવા લોકોની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. હોમ લોનના વ્યાજદરમાં વધારો થવાને કારણે, તેઓ હવે પહેલા કરતાં ઘણું વધારે વ્યાજ ચૂકવી રહ્યા છે, પરંતુ હોમ લોનના વ્યાજ પરની આવકવેરા મુક્તિની મર્યાદા હજુ પણ એટલી જ છે – માત્ર 2 લાખ રૂપિયા! વ્યાજદરમાં વૃદ્ધિના આ મુશ્કેલ સમયમાં આ મુક્તિ મર્યાદા અપૂરતી બની ગઈ છે, તે નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થશે.

હોમ લોનના વ્યાજનો બોજ કેટલો વધ્યો

રિઝર્વ બેંક (RBI) ના રેપો રેટમાં વધારો કરીને, તમારા પર વ્યાજનો બોજ કેટલો વધ્યો છે, ચાલો તેને ઉદાહરણ દ્વારા સમજીએ:

  • ધારી લો કે, તમે એપ્રિલ 2022માં 7.50% વ્યાજદરે 15 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે.
  • આ વ્યાજદર અનુસાર, તમારી હોમ લોનનો માસિક EMI 27,810 રૂપિયા થશે.
  • હોમ લોનના પ્રથમ વર્ષમાં તમારે વ્યાજ તરીકે 2,21,184 રૂપિયા ચૂકવવા પડશે.
  • જો વ્યાજદર અને EMI સમાન રહ્યા હોત, તો ત્રીજા વર્ષ સુધીમાં તમારી વાર્ષિક વ્યાજ ચૂકવણી ઘટીને રૂ. 2,03,032 થઈ ગઈ હોત. એટલે કે કરમુક્તિ માટે લાગુ પડતી રૂ. 2 લાખની મર્યાદાની સમકક્ષ જેટલી.
  • પરંતુ એપ્રિલથી ડિસેમ્બર 2022ની વચ્ચે રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં 2.25%નો વધારો કરાયો.
  • જો હોમ લોનના વ્યાજદરમાં પણ આટલો વધારો થાય છે, તો તમારી હોમ લોનનો નવો વ્યાજદર 9.75% થશે.
  • જો હોમ લોનનો સમયગાળો પહેલા જેટલો જ એટલે કે 15 વર્ષનો રહે છે, તો તમારે 27,810 રૂપિયાના બદલે હવેથી દર મહિને તમારે માસિક 31,781 રૂપિયાનો EMI ચૂકવવો પડશે.
  • આવી સ્થિતિમાં, તમારે 2,21,184 રૂપિયાને બદલે, તમારે એક વર્ષમાં 2,88,419 રૂપિયા વ્યાજ તરીકે ચૂકવવા પડશે. જ્યારે હોમ લોનના વ્યાજ પરની કરમુક્તિ મર્યાદા હાલ માત્ર 2 લાખ રૂપિયા જ છે.
  • બેંકો સામાન્ય રીતે લોનનો માસિક EMI સમાન રાખીને હોમ લોનની મુદતમાં વધારો કરતી હોય છે.
  • જો તમારી બેંકે પણ એવું જ કર્યું છે, એટલે કે લોનનો માસિક EMI 27,810 રૂપિયા યથાવત રાખ્યુ છે, તો વ્યાજદર 7.5% થી વધીને 9.75% થતા હોમ લોનની મુદત 15 વર્ષથી વધીને 22 વર્ષ જેટલી થઈ જશે.
  • જો આવું થાય, તો એક વર્ષમાં તમારે 2,21,184 રૂપિયાને બદલે 2,90,702 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે, પરંતુ માત્ર 2 લાખ રૂપિયાનું વ્યાજ જ કરમુક્તિ છે.
  • આમ વ્યાજદરમાં વધારાને કારણે તમારે હોમ લોનનો બોજ 15 વર્ષની જગ્યાએ 22 વર્ષ સુધી ઉઠાવવો પડશે.

શું નાણામંત્રી કરદાતાની પીડા દૂર કરશે?

RBI દ્વારા વ્યાજદરમાં વધારાથી હોમ લોન લેનારાઓ પર વ્યાજનો બોજ વધ્યો છે, તે ઉપર આપેલા ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. જો કોઈપણ બેંક અથવા NBFCએ રેપો રેટની તુલનાએ હોમ લોનના વ્યાજદરમાં વધુ વધારો કરે, તો લોન ધારકોએ વ્યાજના રૂપમાં વધારે નુકસાન સહન કરવું પડશે. પરંતુ આવકવેરાના વર્તમાન નિયમો એક વર્ષમાં 2 લાખથી વધુના વ્યાજ પર કોઈ રાહત આપતા નથી. તેનો અર્થ એ કે તમારે તે રકમ પર પણ આવકવેરો ચૂકવવો પડશે, જે તમે ખરેખર વ્યાજ તરીકે બેંકને ચૂકવી છે! આવા સંજોગોમાં, મધ્યમ વર્ગના કરદાતા દ્વારા આ પ્રશ્ન પૂછવો એકદમ યોગ્ય છે કે મેડમ ફાઇનાન્સ મિનિસ્ટર, શું તમે હોમ લોનના વ્યાજ પરની 2 લાખ રૂપિયાની કર મુક્તિમાં વધારો કરવા અંગે વિચારણા કરશો?

Web Title: Budget 2023 middle class taxpayers demand increase home loan interest tax deduction

Best of Express