નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2023 રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. મહામારી, મોંઘવારી અને મંદીથી પીડિત પગારદાર વર્ગ આ વખતના બજેટ 2023માં ઘણી આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છે. નોકરીયાત વર્ગ આ બજેટમાં કર કપાત અને ટેક્સ સ્લેબના રેટમાં વધારો થવા સહિત ઘણી મોટી જાહેરાતોની રાહ જોઈ રહ્યા છે.
આ અગાઉ, નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, મધ્યમ વર્ગ પર કોઈ નવા કર લાદવામાં આવશે નહીં અને આગામી બજેટ મધ્યમ-વર્ગ માટે અનુકૂળ હશે. પગારદાર વ્યક્તિઓ માટે આ એક સારી જાહેરાત છે ત્યારે મધ્યમ વર્ગ ઓછા ટેક્સની સાથે સાથે નવા ટેક્સ સ્લેબ અને હોમ લોન પર ટેક્સ રિબેટમાં વધારો થાય તેવી કેટલીક અન્ય અનુકૂળ જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે.
બજેટ 2023માં નાણાંમત્રી પાસેથી પગારદાર વર્ગની શું આશા-અપેક્ષા છે
- કુલ કર બોજ ઘટાડવા માટે મૂળભૂત આવકવેરાની મુક્તિ મર્યાદા અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો.
- આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ- સેવિંગ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદામાં વધારો.
- નીચા ટેકસ રેટની સાથે નવા ટેક્સ સ્લેબની રજૂઆત.
- ગ્રેચ્યુઈટી અને પ્રોવિડન્ટ ફંડની મર્યાદામાં વધારો.
- પગારદાર વ્યક્તિઓ માટે મકાન ખરીદવાની ક્ષમતામાં સુધારો કરવાના પગલાંઓ લેવા – જેમ કે હોમ લોન માટે ટેક્સ બેનિફિટમાં વધારો કરવો.
- અર્થતંત્રના સાર્વત્રિક વિકાસ અને નવી નોકરીઓના સર્જનને ટેકો આપવાનાં પગલાંઓ, જે આખરે પગારદાર લોકોને ફાયદો કરાવશે.
- પગારદાર વ્યક્તિઓ માટે સામાજિક સુરક્ષાના લાભો વધારવા પગલાં લેવા જોઇએ..
આવકવેરાના સ્લેબમાં સુધારોઃ
કરદાતાઓ તેમનું વાર્ષિક ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે બે ટેક્સ સિસ્ટમમાંથી કોઇ એકની પસંદગી કરી શકે છે, જેમાં જૂની ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધી જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્ત કરવામાં આવી છે. હવે પગારદાર કર્મચારીઓ એવી અપેક્ષા રાખી રહ્યા છે કે, સરકાર જે જૂની ટેક્સ સિસ્ટમ છે તેમાં મૂળભૂત કર મુક્તિની મર્યાદાને 2.5 લાખ રૂપિયાથી વધારીને ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા કરવામાં આવે.
ઘર ખરીદનારને કર મુક્તિ:
હાલ મોટાભાગના લોકો હોમ લોન લઇને ઘર-મકાન ખરીદે છે અને બેન્કોને આ લોન પેટે જંગી વ્યાજ પણ ચૂકવે છે. હવે હોમ લોનના વ્યાજ પરની કર મુક્તિ મર્યાદા વધારવાની માંગણી થઇ રહી છે. હાલમાં આવકવેરા કાયદાની કલમ 24b ઘર ખરીદનારા હોમ લોન પર ચૂકવાતા વાર્ષિક વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. કરદાતાઓને આશા છે કે, આગામી બજેટ 2023માં સરકાર આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા સુધી કરશે. ઉપરાંત ઘર ખરીદનારા હોમ લોન પર ચૂકવાતી મૂળ રકમ માટે કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે. આગામી બજેટમાં તેઓ આ મર્યાદા વધીને 3 લાખ રૂપિયા થાય તેવી અપેક્ષા રાખે છે.
પર્સનલ લોન પર કર મુક્તિ:
હાલમાં એજ્યુકેશન લોન અને પર્સનલ લોન દેશના કુલ ધિરાણ બજારમાં 35 ટકા હિસ્સો ધરાવે છે. આવકવેરા કાયદાની કલમ 80E હેઠળ માત્ર એજ્યુકેશન લોન પરના વ્યાજ પર મુક્તિ મર્યાદા ઉપલબ્ધ થાય છે અને પર્સનલ લોન લેનારાને તેમાં કોઈ છૂટછાટ મળતી નથી. આગામી બજેટ 2023માં પર્સનલ લોન લેનારા પગારદાર કર્મચારીઓને પણ થોડીક છૂટછાટ મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કેન્દ્રીય બજેટ 2023માં પગારદાર કર્મચારીઓ દ્વારા જે અન્ય મોટી અપેક્ષાઓમાં છે તેમાં હેલ્થકેર, નિવૃત્તિ, મેટરનિટી અને નિવૃત્તિ પછીના લાભોમાં લાંબા ગાળાના ફાયદાઓનો સમાવેશ થાય છે.