વર્ષ 2022મા જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે બજારે તેને આવકાર્યુ હતું. બજેટના દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી હતી. બજેટના દિવસે બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ લગભગ 850 પોઈન્ટ ઉછળ્યો હતો. તો નિફ્ટીમાં પણ 237 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બજેટ પછી બજારને નવી દિશા મળવાની આશા હતી, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં જ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યુ, જેના કારણે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી હતી. આ યુદ્ધને કારણે મોંઘવારી આસમાને પહોંચી, સપ્લાય ચેઈન અસ્તવ્યસ્ત થઇ ગઈ. રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વની લગભગ દરેક અર્થવ્યવસ્થા પર પડી. આ સાથે જ શેરબજારમાં મસમોટા કડાકા બોલાયા અને જે સપ્ટેમ્બર સુધી ચાલુ રહ્યા હતા. અલબત્ત શેરબજારમાં હજુ પણ અનિશ્ચિતતા યથાવત છે.
તમને જણાવી દઈએ કે બજેટના દિવસે સેન્સેક્સ 848 પોઈન્ટના વધારા સાથે 58,862.57 ના સ્તર પર બંધ થયો હતો. તો નિફ્ટી 237 પોઈન્ટ સુધરીને 17,577 પર બંધ રહ્યો હતો. તો વર્ષ 2023માં 13 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 60261 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 17957 પર બંધ રહ્યો હતો. આમ બજેટ- 2022 બાદથી શેરબજારમાં એકંદર લગભગ 2.5 ટકા રિટર્ન મળ્ય છે. આ દરમિયાન ઘણી ઘટનાઓએ માર્કેટ હાવી થઇ છે.
બજેટ 2022 બાદ શેરબજારનો શ્રેષ્ઠ દિવસ
વર્ષ 2022માં, શેરબજારમાં આખા વર્ષ દરમિયાન શેરબજાર મોટી અફરાતફરી જોવા મળી છે. બજેટ 2022 પછી સેન્સેક્સ માટે બેસ્ટ-ડે 15 ફેબ્રુઆરી હતો અને તે દિવસે 1736 પોઈન્ટનો ઉછાળો થયો હતો. જ્યારે 24 ફેબ્રુઆરી રશિયા અને યુક્રેન યુદ્ધને કારણે શેરબજાર સૌથી ખરાબ દિવસ રહ્યો હતો, તે દિવસ સેન્સેક્સમાં 2702 પોઈન્ટનો કડાકો બોલાયો હતો. વર્ષ 2022માં 14 વખત સેન્સેક્સમાં 1000 પોઈન્ટ્સથી વધારે ઉછાળો નોંધાયો છે. તો 14 વખત સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધારે કડાકો બોલાયો છે.
રશિયા અને યુક્રેન યુદ્ધ
24 ફેબ્રુઆરીએ રશિયાએ પાડોશી દેશ યુક્રેન પર હુમલો કર્યો હતો. જેના કારણે કૃષિ પેદાશોની સાથે અનેક આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સપ્લાય ચેઈન તૂટવાને કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો આંચકો લાગ્યો છે. પ્રતિકુળ અસરોને કારણે જૂન 2022માં સેન્સેક્સ અને નિફ્ટી એક વર્ષની નીચી સપાટીએ ઉતરી ગયા છે.
સેન્સેક્સ 17 જૂન રોજ 50921ની 1 વર્ષની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તો 1 ડિસેમ્બર, 2022ના રોજ સેન્સેક્સ 63583ના લેવલને સ્પર્શ્યો, જે એક વર્ષની ઊંચી સપાટી છે.
દુનિયામાં બેફામ ફુગાવો
રશિયાએ જ્યારે યુક્રેન પર હુમલો કર્યો, ત્યારથી મોંઘવારી સતત વધી રહી છે. સપ્લાય ચેઈન તૂટવાને કારણે કોમોડિટીના ભાવ આસમાને પહોંચ્યા. અમેરિકામાં ફુગાવો 4 દાયકાની સૌથી વધુ ઉંચા સ્તરે પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન અમેરિકામાં ફુગાવાનો દર 9 ટકા અને ભારતમાં 6-7 ટકાની વચ્ચે રહ્યો હતો. યુરોપિયન દેશોની હાલત પણ બગડી.
મંદીની આશંકા
વર્ષ 2022ના બીજા ક્વાર્ટરથી જ રશિયા – યુક્રેન યુદ્ધ અને મોંઘવારીને કારણે મંદીની સંભાવના છે. આ કારણોસર, શેરબજારોમાં પણ અસ્થિરતાનું વર્ચસ્વ રહે છે. શેરબજારમાં તેજી આવે છે ત્યારે નફાવસૂલી પણ આવી રહી છે. આ ચિંતા હજુ પણ છે અને બજારમાં ઘટાડાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
લોન મોંઘી બની
ફુગાવાને અંકુશમાં લેવા માટે, રિઝર્વ બેંકે બજેટ બાદ વર્ષ 2022માં રેપો રેટમાં 5 વખત વધારો કર્યો છે. રિઝર્વ બેન્કે પાંચ તબક્કામાં વ્યાજદરમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો અને રેપો રેટ 6.25 ટકાએ પહોંચી ગયો છે. વર્ષ 2022માં પહેલીવાર રિઝર્વ બેન્કે મે મહિનામાં રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. ત્યારબાદ જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રેપો રેટમાં 0.50 ટકા અને ડિસેમ્બરમાં 0.35 ટકાનો વધારો થયો હતો.
FIIની જંગી વેચવાલી
યુએસ ફેડ અને અન્ય દેશોની મધ્યસ્થ બેંકોની કડક નાણાકીય નીતિના કારણે FII / વિદેશી રોકાણકારો સાવચેત રહ્યા હતા. તેઓએ બજારોમાંથી જંગી પ્રમાણમાં પૈસા પાછા ખેંચ્યા છે. વિદેશી રોકાણકારોએ વર્ષ 2022માં ભારતીય બજારોમાંથી 2.78 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા. તો બીજી બાજુ સ્થાનિક રોકાણકારો એટલે કે DIIએ 2.76 લાખ કરોડની મૂલ્યના શેર ખરીદ્યા હતા.
કોરોના મહામારીની અસર
વર્ષ 2022ની શરૂઆતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની દહેશત બજારો હજી પણ સાવધ રહ્યા છે. હવે કોવિડ-19 વાયરસના નવા વેરિયેન્ટ BF-7, જેણે ચીનમાં ભારે કહેક વરતાવ્યો છે તેની પમ ચિંતા સતાવી રહી છે. તેમની શેરબજારો પર પ્રતિકુળ અસર જોવા મળી હતી.