Budget 2024 Capital Gain Tax STCG, LTCG, STT Hike: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024 માં અમુક ટેક્સમાં વધારો કર્યો છે. જો તમે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ કે કોઇ ફાઈનાન્સિયલ એસેટ્સમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. નાણામંત્રીએ બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફારની ઘોષણા કરી છે. બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં કમરતોડ વધારો કર્યો છે. કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાની સીધી અસર તમારા નફા – કમાણી પર થશે. તો ચાલો જાણીયે શેર, મ્યુચ્યુઅલ ફંડ કે બોન્ડ જેવી લિસ્ટેડ ફાઈનાન્સિયલ એશેટ્સના વેચાણ માંથી થતી કમાણી – નફા પર ક્યારે અને કેટલો કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે
બજેટ 2024: કેપિટલ ગેઇન ટેક્સ વધ્યો (apital Gain Tax Hike In Budget 2024)
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 ભાષણમાં કેપિટલ ગેઇન ટેક્સ વધારવાની ઘોષણા કરી છે. કેપિટલ ગેઇન ટેક્સ 2 પ્રકારના હોય છે – શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (ટુંકા ગાળાના મૂડી કર લાભ) અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (લાંબા ગાળાના મૂડી કર લાભ). જ્યારે કોઇ શેર કે સંપત્તિ ખરીદ્યાના 1 વર્ષની અંદર વેચવામાં આવે ત્યારે તેમાંથી થતા નફા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે. તો શેર કે અન્ય ફાઈનાન્સિયલ એસેટ્સ ખરીદ્યાના 1 વર્ષ બાદ વેચવામાં આવે ત્યારે જે કમાણી કે નફો થાય તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગુ પડે છે. બજેટ 2024માં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (STCG) 10 ટકાથી વધારી 20 ટકા કર્યો છે. તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG Tax) 10 ટકા થી વધારી 12.5 ટકા કરવામાં આવ્યો છે.

બજેટ 2024માં એલટીસીજી ટેક્સ વધ્યો (LTCG Tax Hike In Budget 2024)
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024માં તમામ ફાઈનાન્શિયલ એસેટ્સ પર હવે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (LTCG) 12.5 ટકા કરી દીધી છે. અત્યાર સુધી શેર અને મ્યુચ્યુઅલ ફંડ પર LTCG 10 ટકા હતો. પરંતુ હવે તમારે 12.5 ટકા LTCG ટેક્સ ચૂકવવો પડશે.
બજેટ 2024માં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નોન લિસ્ટેડ ફાઈનાન્સિયલ એસેટ્સ અને તમામ નોન ફાઈનાન્સિયલ એસેટ્સ જો 2 વર્ષ સુધી રાખવામાં આવે તો તેને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માનવામાં આવશે. નોન લિસ્ટેડ બોન્ડ અને ડિબેન્ચર્સ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને માર્કેટ લિંક્ડ ડિબેન્ચર પર સંપૂર્ણ હોલ્ડિંગ પીરિયડ હેતુ કેપિટલ ગેઇન ટેક્સ હાલના લાગુ કરવેરાના દરે વસૂલવામાં આવશે.
કેટલો નફો થાય તો LTCG ટેક્સ ચૂકવવો પડશે
બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સ વધવાથી શેરબજારના રોકાણકારો ચિંતિત છે. તેઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે કે કેટલો નફો કે કમાણી થાય ત્યારે LTCG ટેક્સ ચૂકવવો પડશે. તમને જણાવી દઇયે કે, નવા નિયમ મુજબ શેર, મ્યુચ્યુઅલ ફંડ કે કોઇ ફાઈનાન્સિયલ એસેટ્સના વેચાણ પર 1.25 લાખ રૂપિયાથી વધુ નફો મળે તો LTCG ટેક્સ ચૂકવવો પડશે. અત્યાર સુધી 1 લાખ રૂપિયા મૂડી લાભ પર એલટીસીજી ટેક્સ વસૂલવામાં આવતો હતો.
નાણામંત્રી સીતારમણે કહ્યુ કે, ગરીબ અને મધ્યમ વર્ગને વધુ રાહત આપવા હેતુ આ કર મૂક્તિ મર્યાદા વધારવામાં આવી છે. અલબત, જો તમારો મૂડી લાભ 1.25 લાખ રૂપિયાથી વધી જાય તો તમારે 1.25 ટકા LTCG ટેક્સ ચૂકવવો પડશે.
બજેટ 2024 માં એસટીસીજી ટેક્સ બમણો થયો (STCG Tax Hike In Budget 2024)
બજેટ 2024માં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીયે તો STCG ટેક્સમાં બમણો વધારો કરાયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2024 ઘોષણમાં કહ્યું કે, અમુક નાણાકીય સંપત્તિઓ પર STCG ટેક્સ વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે, હાલમાં તે 15 ટકા છે. અલબત્ત અન્ય નાણાકીય અસ્કયામતો પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકા યથાવત રાખવામાં આવ્યો છે.

શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ક્યારે ચૂકવવો પડે?
શૉર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ જ્યારે શેરબજારમાં લિસ્ટેડ શેર ખરીદીના 12 મહિનાની અંદર વેચવામાં આવે છે ત્યારે તેના નફા પર આ STCG ટેક્સ ચૂકવવો પડે છે. અત્યાર સુધી આવી કમાણી અને નફા પર 15 ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવામાં આવતો હતો. જો કે બજેટ 2024 માં ઘોષણા બાદ અમુક એસેટ્સ પર 20 ટકાના દરે શોર્ટ ટર્મ કેપટિલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે.
સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)
બજેટ 2024માં શેર ના F&O પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવામાં આવ્યા છે. હવે શેરબજાર માં ઓપ્શન પ્રીમિયમ પર એસટીટી 0.0625 ટકાથી વધારી 0.1 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. તેવી જ રીતે સિક્યોરિટીઝના ફ્યૂચરના વેચાણ પર તેની કિંમતના 0.0125 ટકાથી વધારી 0.02 ટકા કરવામાં આવ્યો છે. તેમજ શેર બાયબેકથી થતી ઈન્કમ રિસિપ્ટ પર ટેક્સ લાદવામાં આવશે.
આ પણ વાંચો | બજેટ 2024: સામાન્ય જનતાને નાણામંત્રીએ શું આપ્યું, જાણો મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટની ખાસ વાતો
2004માં આવકવેરાના નિયમોમાં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) સ્ટોક એક્સચેન્જમાં ખરીદેલા અને વેચવામાં આવેલા શેર પર લાદવામાં આવે છે. જ્યારે પણ શેરબજારમાં શેરની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે ત્યારે આ ટેક્સ ચૂકવવો પડે છે.





