Budget 2024 Expectations: બજેટ 2024 નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ સંસદમાં રજૂ કરશે. મોદી સરકાર 3.0ના આ પ્રથમ બજેટથી ટેક્નોલોજી, હેલ્થકેર, કૃષિ સહિત તમામ ઉદ્યોગો અને કરદાતાઓને મોટી અપેક્ષાઓ છે. મધ્યમ વર્ગને પણ આશા છે કે આ વખતે રજૂ કરવામાં આવેલા બજેટમાં આવકવેરાની છૂટમાં વધારો થશે. સ્માર્ટફોન અને સ્માર્ટ એલઈડી ટીવી ખરીદનારાઓની વાત કરીએ તો તેઓ પણ બજેટની રાહ જોઈ રહ્યા છે. શું આગામી કેન્દ્રીય બજેટ 2024માં મોબાઇલ ફોન સસ્તા થશે?
નિર્મલા સીતારમન પાસેથી બજેટ 2024માં ઉદ્યોગોની અપેક્ષા
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે (2023) કેન્દ્ર સરકારે મોબાઇલ ફોનના મુખ્ય ઘટક જેવા કે કેમેરા લેન્સ માટે ટેક્સ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ભારતમાં મોબાઇલ ફોન મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ સિવાય નાણામંત્રીએ લિથિયમ-આયન બેટરી પર પણ ટેક્સ ઘટાડ્યો હતો, જે ફોન અને ઇલેક્ટ્રિક વાહનોનો મોટો ભાગ છે. આ પોલિસીથી સરકાર ભારતમાં કંપનીઓ માટે મેન્યુફેક્ચરિંગ ફોન સસ્તા કરવાનો ઇરાદો ધરાવે છે.
એનડીએના નેતૃત્વવાળી સરકાર આગામી બજેટમાં દેશમાં મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે ભારતના ફ્લેગશિપ પ્રોગ્રામ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમમાં સુધારો કરી શકે છે. ભારતમાં જ મોબાઇલ ફોન બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી આ પીએલઆઇ સ્કીમ ઈન્ક્રિમેન્ટલ ડોમેસ્ટિક પ્રોડક્શનના આધારે ઘણા નાણાકીય ફાયદા આપે છે. તેનું લક્ષ્ય ભારતમાં બનેલી ચીજવસ્તુઓને વિશ્વભરમાં ઉપલબ્ધ કરાવવાનું, મોટા પાયે ઉત્પાદન કરવાનું અને મોટા ક્ષેત્રોમાં રોકાણકારોને આકર્ષવાનું છે. આ યોજના દ્વારા એવા ઉદ્યોગોને આકર્ષવાના છે કે જેમાં ભારત વર્લ્ડ લીડર બનવાની ક્ષમતા ધરાવે છે અને રોજગારી વધવાની સાથે નિકાસમાં વૃદ્ધિની અપેક્ષાઓ છે. હાલ પીએલઆઇ સ્કીમમાં સ્માર્ટ ટીવીનો સમાવેશ થતો નથી.

જીએસટી ઘટાડવાની અપેક્ષા
સુપર પ્લાસ્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ અવનીત સિંહ મારવાહ કહે છે, બજેટ 2024 માં જીએસટીમાં સુધારો થવાની ધારણા છે અને જો જીએસટી ઘટશે તો 32 ઇંચના મોટા એલઇડી ટીવીના ભાવમાં પણ ઘટાડો થશે. બજેટ 2024માં આ ટીવી પર 28 ટકા જીએસટી ઘટાડીને 18 ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. સરકારના આ નિર્ણયથી ઈલેક્ટ્રોનિક સેક્ટરમાં ગ્રાહકો દ્વારા વધુ ખર્ચને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત પ્રોડક્શન-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) સ્કીમમાં પણ સ્માર્ટ ટીવી, રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન વગેરેનો સમાવેશ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જેથી બજારની વૃદ્ધિની સાથે ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થઈ શકે.
આ પણ વાંચો | સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ થશે સસ્તું? ફી પર લાગુ થનાર GST થશે ઓછો? એજ્યુકેશન સેક્ટરને બજેટથી મોટી આશા
તમને જણાવી દઇયે કે, પીએલઆઈ યોજના ઇલેક્ટ્રોનિક, ટેક્સટાઇલ વગેરે જેવા 14 મુખ્ય સેક્ટર માટે શરૂ કરવામાં આવી છે. હવે સરકાર નવા ઉદ્યોગો માટે પણ આ યોજના વિસ્તૃત કરવા વિચારણા કરી રહી છે. તદુપરાંત, ઉત્પાદકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ધ્યાનમાં રાખીને, કેટલીક વર્તમાન પીએલઆઈ યોજનાઓ નવી તકો સાથે ફરીથી ખોલવામાં આવી રહી છે. અને વધુને વધુ કંપનીઓને ફાયદો થાય તે માટે તેનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.





