Budget 2024 Expectations : બજેટ 2024 એ ઇન્ટરિમ બજેટ હશે. નાણાં મંત્રી નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં તેનું છઠ્ઠું બજેટ રજૂ કરશે. શેરબજારના રોકાણકારો આ બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સ સહિત ઘણા ટેક્સમાં રાહત મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. તદ્દપરાંત ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવા અને નિયમોને સરળ બનાવવા ભલામણ કરી છે.
સીઆઈઆઈ ની બજેટ 2024 અપેક્ષા (Budget 2024 Expectations Of CII)
ઈન્ડસ્ટ્રી ચેમ્બર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એટલે કે CII એ ઇન્ટરિમ બજેટ 2024 માટે પોતાની બજેટ અપેક્ષાઓ વિશે જણાવ્યું છે. સીસીઆઈ એ ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની સમયમર્યાદા વધારવા, આવકવેરાના નિયમોને સરળ બનાવવા અને કેપિટલ ગેઈન ટેક્સ નિયમોમાં ફેરફારની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે હાલમાં કેપિટલ ગેઈન ટેક્સમાં અલગ-અલગ સંપત્તિઓ માટે હોલ્ડિંગ પિરિયડ અને ટેક્સના રેટ અલગ અલગ છે.
કેટલીક એસેટ્સમાં ઇન્ડેક્સેશનનો લાભ મળે છે, જ્યારે કેટલાકમાં મળતો નથી. તેમણે આ નિયમોને સરળ બનાવવા ભલામણ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે શેર, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, REITs (રિટ્સ), INVITs (ઇન્વિટ્સ), બોન્ડ્સ વગેરે માટે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (LTCGT) રેટ 10 ટકા અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ (STCGT)રેટ 15 ટકા રાખવો જોઈએ. તો લાંબા ગાળાના મૂડી લાભ માટે લઘુત્તમ હોલ્ડિંગ સમયગાળો 12 મહિનાનો હોવો જોઈએ.
સીઆઈઆઈ એ બજેટ 2024ની અપેક્ષામાં જણાવ્યું છે કે, જમીન જેવી બિન-નાણાકીય અસ્કયામતો માટે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કરદાતાના સ્લેબ રેટ અનુસાર ટેક્સ લાગવો જોઈએ, જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે ટેક્સ રેટ 20 ટકા હોવો જોઈએ. ઇન્ડેક્સેશનનો લાભ પણ મળવો જોઈએ. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ 36 મહિનાના આધારે નક્કી કરવું જોઈએ. આનો અર્થ એ છે કે જો કોઈ સંપત્તિ 36 મહિના કે તેથી વધુ સમય પછી વેચવામાં આવે છે, તો તે લાંબા ગાળાના મૂડી લાભ (LTCGT) કર પાત્ર હોવી જોઈએ. આ સમયગાળા પહેલા વેચાણ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વસૂલવો જોઈએ.
ગત બજેટમાં ડેટ ફંડના કેપિટલ ગેઈન ટેક્સના નિયમો બદલાયા હતા (Capital Gain Tax Rules)
નાણા પ્રધાન નિર્મલા સીતારામને 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ કરેલા બજેટ 2023માં ડેટ ફંડ્સ માટે લાંબા ગાળાના મૂડી લાભો અને ઇન્ડેક્સેશન બેનેફિટ નાબૂદ કરવાની જાહેરાત કરી હતી. સીઆઈઆઈ એ કહ્યું કે, ડેટ ફંડ્સ પર કેપિટલ ગેઇન્સ ટેક્સ બેનિફિટ્સને ફરીથી અમલમાં મૂકવાની અને તેને ઇક્વિટી ફંડ્સની જેમ ટ્રીટ કરવાની જરૂર છે.
આ પણ વાંચો | ભારતનું પહેલુ બજેટ કોણ અને ક્યારે રજૂ કર્યું હતું? જાણો યુનિટન બજેટના 12 રસપ્રદ તથ્યો
બજેટ 2024માં શેર બાયબેકના ટેક્સ નિયમોમાં ફેરફારની માંગ (Share Buyback Tax)
સીઆઈઆઈ એ શેર બાયબેકના ટેક્સ નિયમોમાં ફેરફારની માંગ કરી છે. શેર બાયબેકમાં, કંપની તેના પોતાના શેર શેરધારકો પાસેથી પ્રીમિયમ ભાવે ખરીદે છે. કંપની શેર બાયબેક બે રીતે કરે છે – ટેન્ડર ઓફર દ્વારા અથવા ઓપન માર્કેટ ઓફર દ્વારા. હાલમાં, કંપની ઓપન માર્કેટ રૂટ મારફતે શેર બાયબેક કરવા પર 20 ટકા બાયબેક ટેક્સ ચૂકવે છે. ઉપરાંત, શેરધારકોએ વેચેલા શેર પર થયેલા મૂડી લાભ પર ટેક્સ ચૂકવવો પડશે. સીઆઈઆઈ એ કહ્યું કે, કંપનીઓને ઓપન માર્કેટ રુટ દ્વારા શેર ખરીદવા પર બાયબેક ટેક્સમાંથી મુક્તિ આપવી જોઈએ.