બજેટ 2024 : કરદાતાઓની Budget 2024માં ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માંગ

Budget 2024 Expectations : બજેટ 2024માં નાણાં મંત્રી નિર્મલા સીતારામન પાસેથી કરદાતાઓ ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર અને સ્ટાન્ડર્ડ ડિડક્શન તેમજ હોમ લોન વ્યાજદરમાં કાર રાહત વધારવા અપેક્ષા રાખી રહ્યા છે.

Written by Ajay Saroya
January 25, 2024 17:43 IST
બજેટ 2024 : કરદાતાઓની Budget 2024માં ઇન્કમ ટેક્સ સ્લેબ અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માંગ
Budget 2024 : બજેટ 2024માં કરદાતાઓને ઇન્કમ ટેક્સ સ્લેબમાં રાહત મળવાની અપેક્ષા છે. (Photo - igGujarati.com)

Budget 2024 Expectations : બજેટ 2024 નાણાં મંત્રી નિર્મલા સીતારામન સંસદમાં 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આગામી બજેટમાં સામાન્ય કરદાતાઓ માટે કોઈ સારા સમાચાર અથવા રાહત મળશે કે કેમ, તે અંગે અવઢવ છે. કારણ કે ચાલુ વર્ષે એપ્રિલમાં લોકસભા ચૂંટણી યોજાવાની હોવાથી આ વખત ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે. આવા સંજોગોમાં સામાન્ય મતદારો નાણામંત્રી ચૂંટણી બજેટ રજૂ કરે તેવી અપેક્ષા રાખે તો નવાઈ નહીં.

બજેટ 2024 – કરદાતાઓની Budget 2024થી શું આશા – અપેક્ષા છે (Taxpayers Budget 2024 Expectations)

નાણામંત્રી નિર્મલા સીતારામને થોડા સમય પહેલા સ્પષ્ટતા કરી દીધી હતી કે, આ વચગાળાનું બજેટ હોવાથી આ વખતે કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે નહીં. પરંતુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ દિલ્હી પરત ફર્યા બાદ 1 કરોડ મકાનની છત પર સોલાર પેનલ લગાવવાની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના (Pradhanmantri Suryodaya Yojna)ની જાહેરાત કરી હતી, તેનાથી એવા સંકેત મળે છે કે ચૂંટણી પહેલા કેટલીક મોટી જાહેરાતો થઇ શકે છે.

Budget 2024 | Budget 2024 Nimrla Sitharaman | interim budget 2024 | India budget fact | nimrla sitharaman budget 2024
Budget 2024: ભારતનું યુનિયન બજેટ દર વર્ષે 1 ફેબ્રુઆરી રજૂ કરવામાં આવે છે. (Photo – Freepik)

મોદી સરકાર આમ પણ અણધાર્યા અને અનપેક્ષિત નિર્ણયો લેવા માટે જાણીતી છે. ઉદાહરણ તરીકે, 2019ની લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં, સરકારે વ્યક્તિગત કરદાતાઓ માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી, જેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારાથી માંડીને રૂ. 12,500ની સંપૂર્ણ ટેક્સ રિબેટ આપવામાં આવી હતી.

આથી આ વખતે પણ જો સામાન્ય કરદાતા ચૂંટણીની મોસમમાં સરકાર પાસેથી ભેટ-સોગાદોની અપેક્ષા રાખતા હોય તો એમાં ખોટું શું છે? તો ચાલો એક નજર કરીએ સામાન્ય વ્યક્તિગત કરદાતાઓ આવકવેરાના સંદર્ભમાં બજેટ 2024 (Union Budget 2024) માં શું અપેક્ષા રાખે છે.

બજેટ 2024 (Budget 2024) – ઇન્કમ ટેક્સ સ્લેબ અને રેટમાં ફેરફાર (Income Tax Slab)

બજેટ 2024માં ઇન્કમ ટેક્સ સ્લેબ અને ટેક્સ રેટમાં ફેરફારની અપેક્ષા રાખામાં આવી રહી છે. નોંધનિય છે કે, જૂના ટેક્સ રિઝીમવાળા ઇન્કમ ટેક્સ સ્લેબ અને રેટમાં 2014થી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, છેલ્લા 10 વર્ષમાં તમામ જરૂરી વસ્તુઓની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ જરૂરી વસ્તુઓમાં ખાદ્ય ચીજો, દવાઓ, વીજળી, પરિવહન અને લોનના ખર્ચનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે કરદાતાઓ આ વખતે ટેક્સ સ્લેબ અને દરોમાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણીના વર્ષમાં સરકાર આ મામલે મતદારોને ખુશ કરે છે કે નિરાશ.

બજેટ 2024 (Budget 2024) – સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારવા માંગ (Standard Deduction Limit)

બજેટ 2024માં સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ વધારવા માંગ થઇ હી છે. પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 2018માં મોદી સરકાર દ્વારા ફરી શરૂ કરવામાં આવ્યું હતું અને 2019ના વચગાળાના બજેટમાં તેને 40 હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું હતું. તે પછી, છેલ્લા 5 વર્ષમાં ફુગાવાના કારણે રૂપિયાના મૂલ્યમાં થયેલા ઘોવાણને ધ્યાનમાં રાખીને, સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવું એકદમ જરૂરી બની ગયું છે.

Tax | Tax On IPO Profit Booking | Tax On IPO listing gains | Tax Liability | STCG | LTCG
શેરબજારમાંથી થતી કમાણી પર STCG ટેક્સ અને LTCG ટેક્સ ચૂકવવો પડે છે. (Photo – Freepik)

બજેટ 2024 (Budget 2024) – ટેક્સ સેવિંગ વાળા રોકાણની મર્યાદા વધવી જોઇએ (Tax Saving Investment Limit)

બજેટ 2024માં ટેક્સ સેવિંગ વાળા રોકાણની મર્યાદા વધારવા માંગણી થઇ રહી છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ માટેની મહત્તમ મર્યાદા રૂ. 1.5 લાખ છે, જે છેલ્લે 10 વર્ષ પહેલા વધારવામાં આવી હતી. 1.5 લાખની આ મર્યાદામાં બાળકોની શાળાની ફી પણ સામેલ છે. હવે આ મર્યાદા વધારીને રૂ. 2.5 લાખ કરવાની માંગ જોર પકડી રહી છે.

બાળકોના શિક્ષણ પર થતા ખર્ચમાં ભારે વધારાને જોતા તેના પર આરોગ્ય વીમાની જેમ અલગથી કપાત આપવાની માંગ ઉઠી છે. કોવિડ-19 પછી, સારવાર ખર્ચ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી તેના પર કર મુક્તિની મર્યાદા વધારવાની માંગ પણ વેગ પકડી રહી છે.

બજેટ 2024 – હોમ લોનના વ્યાજ પરની કપાત વધારવી જોઈએ (Home Loan Interest Deduction)

બજેટ 2024માં હોમ લોન ધારકો રાહત મળવાની અપેક્ષા રાખી રહ્યા છે. હોમ લોનના વ્યાજ પર આવકવેરા કપાતની વાર્ષિક મર્યાદા 2 લાખ રૂપિયા છે, જે 2014થી બદલાઈ નથી. જ્યારે છેલ્લા 10 વર્ષમાં મકાનોની કિંમતો નોંધપાત્ર વધી ગઇ છે. હોમ લોનના વ્યાજદરમાં વૃદ્ધિએ આ મર્યાદાને બેઅસર બનાવી દીધી છે. તેથી, ટેક્સ ડિડક્શન લિમિટ વધારીને ઓછામાં ઓછી 4 લાખ રૂપિયા કરવી જોઈએ.

home loan | home loan interest rates | home loan rates | bank loan
હોમ લોન

બજેટ 2024 – HRA, ટ્રાન્સપોર્ટ અને LTAની લિમિટ વધારો

મકાન ભાડા અને પરિવહન ખર્ચમાં તીવ્ર વધારો થયો હોવા છતાં, આને લગતા ભથ્થાઓની કરમુક્ત મર્યાદા 2017 થી વધી નથી. તેથી કરદાતાઓને ન્યાય આપવા માટે આ તમામ ભથ્થાઓની કરમુક્ત મર્યાદા વધારવી જરૂરી છે.

આ પણ વાંચો | બજેટ 2024માં કેપિટલ ગેઇન ટેક્સમાં ફેરફાર અને શેર બાયબેક ટેક્સ નાબૂદ કરવા માંગ

બજેટ 2024 – (વચગાળા બજેટ)માં મોટી જાહેરાતો થઈ શકે? (Interim Budget 2024)

આ તમામ માંગણીઓ વચ્ચે આ સવાલ પણ ઉઠી શકે છે કે શું સરકાર વચગાળાના બજેટ 2024માં એટલે કે વોટ-ઓન-એકાઉન્ટમાં ટેક્સ સંબંધિત મહત્વની જાહેરાતો કરી શકે છે? એ વાત સાચી છે કે દાયકાઓથી ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં મોટી જાહેરાતો ન કરવાની પરંપરા રહી છે. પરંતુ ચૂંટણીની આદર્શ આચારસંહિતા એટલે કે આદર્શ આચારસંહિતા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત પછી અમલમાં આવે છે. તે પહેલા, કોઈપણ સરકાર દ્વારા બજેટ દ્વારા ટેક્સ જોગવાઈઓમાં ફેરફાર કરવા પર કોઈ બંધારણીય પ્રતિબંધ નથી. છેવટે, 2019ના ચૂંટણી પહેલાના વચગાળાના બજેટમાં પણ સરકારે આવું કર્યું હતું!

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ